અમેરિકામાં યુવકે મુક્કો મારતાં ગુજરાતી આધેડ ઢળી પડ્યાં, ડોક્ટરે બ્રેઈનડેડ જાહેર કર્યા
નવસારી, 25 જૂન 2024, અમેરિકાના ઓકલાહોમા સિટીમાં મૂળ નવસારીના રહેવાસી આધેડને અજાણ્યા યુવાને મુક્કો મારી દેતાં રોડ પર જ ઢળી પડ્યા હતા. ઘટના સ્થળે પરિવારની ચીસોથી આરોપી ભાગી ગયો હતો. ત્યાર બાદ આધેડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમનું બ્રેઈન હેમરેજના કારણે મોત નીપજ્યું છે. ઘટનાની જાણ ભારતમાં રહેતા પરિવારને થતાં તેઓ શોકમાં ગરકાવ થયા છે.
ડોક્ટરે તેમને બ્રેન ડેડ જાહેર કર્યા હતા
પ્રાપ્ત વિગતો પ્રમાણે નવસારીના બીલીમોરાના રહેવાસી અને અમેરિકાના ઓક્લાહોમા સિટીમાં વર્ષોથી મોટેલનો બિઝનેસ ધરાવતા હેમંત મિસ્ત્રી પરિવાર સાથે સેટલ થયા છે. 120 રૂમની મોટેલ ધરાવતા હેમંત મિસ્ત્રીના મોટેલના પરિસરમાં શનિવાર રાત્રે 10:30ની આજુબાજુ એક અજાણ્યા યુવાને આવીને પોતાનો સામાન મૂકી દીધો હતો. જેથી હેમંતભાઈએ આ યુવાનને પોતાની જગ્યાએથી જતા રહેવાની સૂચના આપી હતી. એમાં તેમની વચ્ચે થોડી બોલાચાલી પણ થઈ હતી. આ બોલાચાલી દરમિયાન અજાણ્યા યુવાને હેમંત મિસ્ત્રીને મુક્કો મારી દેતાં તેઓ નીચે પટકાયા હતા અને તેમના માથાના ભાગે ગંભીર ઇજા થતાં પરિવારજનો દ્વારા તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.અડધો કલાકમાં ડોક્ટરે તેમને બ્રેન ડેડ જાહેર કર્યા હતા.
ઓર્ગન ડોનેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ વિધિ થશે
અમેરિકન સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે 59 વર્ષીય હેમંત મિસ્ત્રીએ 41 વર્ષીય આરોપી રિચર્ડ લુઈસને પ્રોપર્ટીમાંથી સામાન લઈ લેવા કહ્યું હતું. જ્યારે લુઈસે મિસ્ત્રીને મુક્કો માર્યો હતો અને તેઓ બેભાન થઈ ગયા હતા. મિસ્ત્રીને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું ઈજાના કારણે મૃત્યુ થયું હતું. લુઈસ એક હોટલમાંથી મળી આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી.આ ઘટનાની જાણ બીલીમોરામાં રહેતા તેમના પારિવારિક સભ્યોને થતાં તેઓ પણ શોકમાં ગરકાવ થયા છે. તેમના પરિવારજનોએ કહ્યું હતું કે, અગાઉ હેમંત મિસ્ત્રીએ ઓર્ગન ડોનેશન માટેની પણ ઈચ્છા જાહેર કરી હતી. જેથી ઓર્ગન ડોનેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમેરિકામાં જ તેમની અંતિમ વિધિ થશે.
આ પણ વાંચોઃસુરતમાં સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં દર્દી ઉપર છત પરથી સ્લેબનો પોપડો પડ્યો