અમદાવાદઃ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ઇલાબેન ભટ્ટનું રાજીનામું આખરે સ્વીકારી લેવાયું છે. ઇલાબેન ભટ્ટે અગાઉ બીમારીના કારણે રાજીનામું આપ્યું હતું. જો કે અગાઉ આપેલા રાજીનામાંને સ્વીકારાયું ન હતું. પરંતુ આ વખતે ઇલાબેન ભટ્ટનું રાજીનામું સ્વીકારી લેવાયું છે. ત્યારે હવે ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતની વરણી કરવામાં આવશે તેવી શક્યતા પ્રબળ રહેલી છે. એટલે કે ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકેનો કાર્યભાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંભાળશે.
વિદ્યાપીઠના 100 વર્ષના ઈતિહાસમાં ગાંધીવાદી જ કુલપતિ બન્યાં છે
ગૂજરાત વિદ્યાપીઠના બંધારણ મુજબ કુલનાયકની ઉપર કુલપતિ હોય છે પરંતુ કુલપતિ એ રાજ્યપાલ નથી હોતા. પરંતુ વિદ્યાપીઠના જ ટ્રસ્ટી મંડળ દ્વારા સામાજીક ક્ષેત્રના અગ્રણી અને ગાંધીવાદી હોય તેવા વ્યક્તિને કુલપતિ બનાવવામાં આવે છે. વિદ્યાપીઠના 100 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી કુલપતિ તરીકે ગાંધીવાદી જ આવ્યા છે ત્યારે હાલના કુલપતિ એવા ડૉ. ઈલાબહેન ભટ્ટ કે જેઓ પણ ગાંધીવાદી છે. તેઓએ થોડા સમય પહેલા રાજીનામું આપી દીધું હતું. પરંતુ તેને સ્વીકારવામા ન હતું આવ્યું. જો કે મળતી માહિતી મુજબ તેઓનું રાજીનામું હવે સ્વીકારી લેવાતા હવે ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતની વરણી થઇ શકે છે.
મહત્વનું છે કે, છેલ્લે કુલનાયક તરીકે ડૉ. અનામિક શાહની ટર્મ પૂરી થયા બાદ નવા કુલનાયક પદે ડૉ. રાજેન્દ્ર ખિમાણીની વરણીથી ચાલતા વિવાદ બાદ ગૂજરાત વિદ્યાપીઠમાં હવે એક મોટું પરિવર્તન થવા જઇ રહ્યું છે.
નવા કુલનાયકને લઈને ગૂજરાત વિદ્યાપીઠમાં છેલ્લાં ઘણાં સમયથી ઉથલપાથળ જોવા મળે છે
નવા કુલનાયક માટે બનાવાયેલી સર્ચ કમિટીએ UGCના નિયમો મુજબ ન હોવાથી UGCને ફરિયાદ કરી હતી. ત્યારબાદ UGCએ કેન્દ્ર સરકારના પ્રતિનિધિ સાથેની નવી સર્ચ કમિટી બનાવવાનો આદેશ કર્યો હતો. ત્યાર બાદ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા નવી સર્ચ કમિટી તો બનાવાઈ અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે GTUના કુલપતિને પણ મુકવામાં આવ્યા. પરંતુ કેન્દ્ર સરકારના પ્રતિનિધિની ડૉ. ખિમાણીના કુલનાયક પદ માટે સહમતિ ન હોવા છતાં પણ નવા કુલનાયક તરીકે ડૉ. રાજેન્દ્ર ખિમાણીની વરણી થઈ હતી.
આથી UGCએ રચેલી કમિટીની ભલામણો મુજબ વિદ્યાપીઠની સમગ્ર પ્રક્રિયાને ખોટી ઠેરવતા ગત નવેમ્બરમાં ડૉ. ખિમાણીને દૂર કરવા વિદ્યાપીઠને આદેશ કર્યો હતો. જેની સામે ડૉ. રાજેન્દ્ર ખિમાણીએ કરેલી પીટિશનમાં પણ તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે તેઓની પીટિશન ફગાવી દીધી હતી અને UGCના નિર્ણય મુજબ વિદ્યાપીઠને બે મહિનામાં અમલ કરવા આદેશ કર્યો હતો.