ગુજરાતટોપ ન્યૂઝહેલ્થ

પ્રાકૃતિક કૃષિ રાસાયણિક કૃષિનો મજબૂત વિકલ્પઃરાજ્યપાલ આચાર્ય દેવવ્રત

Text To Speech

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતની પાવન ધરાને રાસાયણિક કૃષિના ઝેરથી મુક્ત કરી પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને દેશનો રોલ મોડેલ બનાવવા વહીવટી તંત્રના સૌ અધિકારીઓ સંકલ્પબદ્ધ બને. કોન્ફરન્સમાં રાજ્યના તમામ જિલ્લાના ખેતીવાડી અધિકારી, જિલ્લા પશુપાલન અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ પણ જોડાયા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ વર્ચ્યુઅલ બેઠકમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના પરિણામલક્ષી પ્રયાસો અને ખેડૂતોના પુરુષાર્થથી પ્રાકૃતિક કૃષિનું જનઅભિયાન ગ્રામીણ સ્તર સુધી પહોંચ્યું છે, ત્યારે જિલ્લા પ્રશાસનના સહયોગથી ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે દેશભરને પ્રેરણા પૂરી પાડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રાકૃતિક કૃષિના જનઅભિયાનને રાષ્ટ્રવ્યાપી બનાવવાના સંકલ્પને સાકાર કરી શકાશે.રાજ્યપાલેપ્રાકૃતિક કૃષિના મિશનને રાજ્યવ્યાપી બનાવવા રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલા ઘનિષ્ઠ પ્રયાસો બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા હતા.

પરિસંવાદમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને કૃષિ પશુપાલનના અધિકારીઓ ગાંધીનગરથી જોડાયા હતા

રાસાયણિક કૃષિથી જળ, જમીન અને પર્યાવરણ દૂષિત થાય છે
તેમણે જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિને કારણે જળ, જમીન અને પર્યાવરણ દૂષિત થાય છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં 24 ટકા હિસ્સો રાસાયણિક કૃષિનો છે. રસાયણોથી દૂષિત આહાર આરોગવાથી લોકો અસાધ્ય રોગનો ભોગ બની રહ્યા છે. કેન્દ્ર સરકાર રાસાયણિક ખાતરો પાછળની સબસિડીને કારણે 1,60,000 કરોડનો આર્થિક બોજ ઊઠાવે છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના બેફામ ઉપયોગથી જમીનનો ઓર્ગેનિક કાર્બન દિન પ્રતિદિન ઘટતો જાય છે અને જમીન બંજર બની રહી છે. કૃષિ ખર્ચ સતત વધતો જાય છે અને ઉત્પાદન ઘટતું જાય છે, સરવાળે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળે છે.રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિને રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે ગણાવી ઉમેર્યું હતું કે પ્રાકૃતિક કૃષિમાં ખર્ચ નહીવત આવે છે. જળ, જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે. દેશી ગાયનું જતન સંવર્ધન થાય છે. અને પાણીનો વપરાશ 50 ટકા સુધી ઘટાડી શકાય છે.

પ્રાકૃતિક કૃષિથી જમીનની ફળદ્રુપતા વધશે
પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોની દિન પ્રતિદિન માગ વધતી જાય છે અને સરવાળે ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિથી જમીનની ફળદ્રુપતા વધે છે. અને ઉત્પાદન ઘટતું નથી.રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિને લોકોની સ્વાસ્થ્ય રક્ષા માટેનું ઈશ્વરીય કાર્ય ગણાવી, ઉપસ્થિત જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી તેમજ સંબંધિત અધિકારીઓને રાજ્યના પ્રાકૃતિક કૃષિ જનઅભિયાનમાં પૂર્ણ મનોભાવથી સહયોગી બનવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રત્યેક જિલ્લામાં દેશી ગાય ધરાવતા અથવા દેશી ગાયના પાલનપોષણ માટે પ્રતિમાસ રૂપિયા 900ની સહાય મેળવતા ખેડૂતોનો સંપર્ક કરી તેઓ પ્રાકૃતિક કૃષિ કરે છે કે નહીં તેની માહિતી મેળવવામાં આવે અને યોગ્ય માર્ગદર્શન દ્વારા તેમને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરવામાં આવે.

પ્રત્યેક જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ જનઅભિયાન બને
રાજ્યપાલે વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે જિલ્લામાં ખેડૂત સંમેલનો યોજવા અનુરોધ કર્યો હતો. તેમણે પ્રત્યેક જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ જનઅભિયાનની પ્રગતિ માટે પ્રતિ માસ સંબંધિત અધિકારીઓની સમીક્ષા બેઠક યોજવા પણ માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલે રાજ્યની ગૌશાળા અને પાંજરાપોળમાં જીવામૃત-ઘન જીવામૃત તૈયાર કરી જરૂરતમંદ ખેડૂતોને પહોંચાડવા માટે પ્રોત્સાહિત કરવા પ્રાકૃતિક કૃષિ કરનારા પ્રગતિશીલ ખેડૂતોની સાફલ્યગાથા અન્ય ખેડૂતો સુધી પહોંચાડી પ્રેરણા પૂરી પાડવા અને પ્રત્યેક જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે વ્યવસ્થા ઊભી કરવા જિલ્લાના અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલે આ તકે ઉમેર્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રત્યેક ગામમાંથી 75 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તેવો અનુરોધ કર્યો છે, ત્યારે ગુજરાતના પ્રત્યેક ગામમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રેરિત થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.જિલ્લા વહીવટી તંત્રના શ્રેષ્ઠ પુરુષાર્થ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે દેશભરમાં ઉદાહરણરૂપ કાર્ય કરશે તેવો દૃઢ વિશ્વાસ પણ રાજ્યપાલે વ્યક્ત કર્યો હતો.

ગુજરાતે પ્રાકૃતિક ખેતીની મુહિમ ચલાવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રાકૃતિક ખેતી સંવાદમાં જોડાયેલા સૌ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઓ અને ખેતીવાડી, પશુપાલન અધિકારીઓને ટીમ વર્કથી કાર્યરત રહેવા આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે આવા ટીમ વર્કથી પ્રધાનમંત્રીના સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને સાકાર કરી પ્રાકૃતિક ખેતીથી સર્વગ્રાહી કૃષિ વિકાસ થઈ શકશે. મુખ્યમંત્રીએ શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષા ત્રણ પાયા પર વિકાસની બુનિયાદ બુલંદ બની શકે તેની વિભાવના આપતા જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી-રસાયણ મુક્ત ખેતીથી જમીનનું સ્વાસ્થ્ય અને આવી ખેતીના ઉત્પાદનોથી માનવીનું સ્વાસ્થ્ય સુધરી શકે તે નિશ્ચિત છે.તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વમાં ગુજરાતે પ્રાકૃતિક ખેતીની જે મુહિમ ચલાવી છે તે ગ્લોબલ વોર્મિંગનો ઉપાય અને જમીન, જળ રક્ષણનું એક આગવું ઉદાહરણ છે.

Back to top button