ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે 19 વર્ષથી હિસાબ જ નથી આપ્યો- CAG

CAG Report: ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામોના વિકાસ અને સંચાલન માટે જવાબદાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંગે કંપ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) ના તાજેતરના રિપોર્ટમાં ગંભીર ખામીઓ સામે આવી છે. બોર્ડે 2006-07 થી 2024-25 સુધીના કુલ 19 વર્ષના વહીવટી અને આર્થિક રિપોર્ટ્સ વિધાનસભામાં રજૂ કર્યા જ નથી. 31 જુલાઈ, 2025 સુધીની તપાસ મુજબ આ 19 રિપોર્ટ્સ હજુ પણ બાકી રજુ કરવાના છે.

બોર્ડે ઘણા વર્ષોથી પોતાના મહત્વપૂર્ણ આર્થિક રિપોર્ટ્સ જાહેર નથી કર્યા, જે ગંભીર ખામી છે અને ઘણા સવાલો પણ ઉભા કરે છે.

શું કામ કરે છે બોર્ડ?

1995માં બનાવાયેલા આ બોર્ડને ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ કામ કરવાની જવાબદારી આપવામાં આવી છે. આ બોર્ડ અંબાજી, પાવાગઢ, ડાકોર, પાલીતાણા, ગિરનાર, સોમનાથ, દ્વારકા જેવા મુખ્ય યાત્રાધામોના વિકાસ માટે જવાબદાર છે. બોર્ડ યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓ પૂરી પાડે છે, જેમ કે, રસ્તા, જેટી, બોટિંગ, આવાસ, ભોજન, પાણી, લાઇટિંગ, પરિક્રમા વ્યવસ્થા અને અન્ય યોજનાઓ (જેમ કે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા) સંચાલિત કરે છે. આ કામો કરવા માટે બોર્ડને સરકાર તરફથી મોટું જાહેર ભંડોળ મળે છે.

બોર્ડ મુખ્ય યાત્રાધામોને વધુ સુવિધાજનક બનાવવા અને યાત્રાળુઓને સુવિધાઓ પૂરી પાડવા જવાબદાર છે.

CAGની “સ્ટેટ ફાઇનાન્સિસ ઓડિટ રિપોર્ટ” મુજબ, સરકારી બોર્ડ અને સ્વાયત્ત સંસ્થાઓ માટે વર્ષમાં એકવાર રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવો ફરજિયાત છે. પરંતુ આ નિયમનું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સતત ઉલ્લંઘન થયું છે. CAGએ આને બોર્ડની ગંભીર નિષ્ફળતા ગણાવી છે. બીજી સંસ્થાઓ પણ રિપોર્ટ આપવામાં થોડો વિલંબ કરે છે, પરંતુ આ બોર્ડનો 19 વર્ષનો બેકલોગ અન્ય સંસ્થાઓની તુલનામાં અસાધારણ અને ગંભીર છે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ઘણા વર્ષોથી પોતાનો આવક-જાવકનો રિપોર્ટ વિધાનસભામાં નથી આપતુ, જે એક ખૂબ ગંભીર ખામી છે.

આ અનિયમિતતાને કારણે ભંડોળના વપરાશની પારદર્શિતા પર સવાલો ઉઠી રહ્યા છે. લોકો પૂછે છે કે, શું આ બોર્ડ સક્ષમ નથી કે પછી જાણીજોઈને અવગણના કરે છે? શું કોઈ આર્થિક ખામી છુપાવવામાં આવી રહી છે?, આવા પ્રશ્નો સામે આવી રહ્યા છે. બોર્ડની આ વહીવટી ખામી અને રિપોર્ટ નહીં આપવા પર લોકોને શંકા છે કે ભંડોળનો યોગ્ય રીતે ઉપયોગ થયો પણ છે કે નહીં.

ગુજરાતમાં લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે આ યાત્રાધામોની મુલાકાત લે છે. બોર્ડની જવાબદારીમાં નર્મદા પરિક્રમા, શક્તિપીઠોના વિકાસ, પરિક્રમા સુવિધાઓ વગેરે આવે છે. જાહેર ભંડોળના યોગ્ય વપરાશ અને હિસાબમાં પારદર્શિતા ન હોય, તો શ્રદ્ધાળુઓના હિતને નુકસાન થઇ શકે છે અને સરકારી જવાબદારી પર અસર પડી શકે છે.

અત્યાર સુધી બોર્ડ અથવા સરકાર તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર પ્રતિસાદ આવ્યો નથી. આ મામલે વધુ તપાસ અને સમયસર હિસાબ રજૂ કરવાની માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદ: શિવરંજની BRTS બસ સ્ટેન્ડમાં લાગી આગ, ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી

Back to top button