Amreli News : ઉંચા વળતરની લાલચ આપીને ગુજરાત સહિત દેશભરના લોકો સાથે રૂ. 634 કરોડનું કૌભાંડ આચરનારા મુખ્ય સૂત્રધારો સામે અમરેલી સાયબર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ‘SD Pay’ અને ‘Apના Pay’ નામની મોબાઇલ એપ્લિકેશન બનાવીને પોંઝી સ્કીમ ચલાવતા મુખ્ય 2 માસ્ટરમાઈન્ડ્સ બાદ વધુ એક આરોપી ઝડપાયો છે. આ સાથે આરોપીની સંખ્યા કુલ 9 થઈ છે. અમરેલી સાયબર પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા ઝડપી સમગ્ર કાર્યવાહી કરાઈ છે. જે અંગે અમરેલી જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કૌભાંડની વિગતો આપી હતી.
3 મુખ્ય સૂત્રધારો સાથે કુલ 9 આરોપીઓ ઝડપાયા
બે દિવસ પહેલા બે એપ માલિક ધવલ પટેલ અને હિરેન શાહને ઓડિશાથી ધરપકડ કરાઈ હતી. બંને આરોપીઓને ઓડિશાથી ફ્લાઇટ મારફત અમરેલી લાવવામાં આવ્યા હતા. તેની પૂછપરછ કર્યા બાદ લધુ એક આરોપી ભાવેશ અરવિંદ ધનેચાને ઝડપી લેવાયો છે. આ પૂર્વે સાયબર ટીમે આ કૌભાંડમાં સામેલ 6 આરોપીઓને જેલભેગા કર્યા હતા. હાલ આ કેસમાં કુલ 9 આરોપીઓ ઝડપાયા છે.
10 લાખથી વધુ યુઝર્સ જોડાયા હતા, 1.75 લાખથી વધુ લોકો ભોગ બન્યા
તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ કાવતરું રચી પોતાના રેફરલથી પહેલા લેવલમાં 271 લોકોને જોડ્યા હતા, ત્યારબાદ મલ્ટિ-લેવલ માર્કેટિંગ (MLM) મોડલ હેઠળ અંદાજે 1.50થી 1.75 લાખ લોકોને આ ઠગાઈની ઝાળમાં ફસાવ્યા હતા. પ્લે સ્ટોર પર ‘SD Pay’ એપના 10 લાખથી વધુ ડાઉનલોડ્સ દર્શાવતા હતા. NCCRP પોર્ટલની તપાસમાં આ કૌભાંડ સંબંધિત 18 બેંક ખાતાઓ સામે દેશભરમાંથી 195 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી મળી આવી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
નાણા સગેવગે કરવા બનાવી બોગસ કંપનીઓ
રોકાણકારોના નાણાં સગેવગે કરવા અને લોન્ડરિંગ માટે આરોપીઓએ વિવિધ 7 બોગસ (શેલ) કંપનીઓ ઊભી કરી હતી. જેમાં 1- એસ.ડી. હબ (ઓપીસી) પ્રા. લિ., 2- શિવ ધરતી કોમ્યુનિકેશન પ્રા. લિ., 3- શિવધરતી ટેકનોલોજી પ્રા. લિ., 4- ઉપાય ડિજી પેમેન્ટ ઈન્ડિયા લિ., 5- UPAY DIGI ઈન્ડિયા પ્રા. લિ., 6- યુ પેમેન્ટ ઈન્ડિયા લિમિટેડ, 7- હસ્ટલેનેસ્ટ પ્રાઈવેટ લિમિટેડ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.
શેલ કંપનીઓ બનાવી 1598 કરોડની હેરફેર કરી
આ કંપનીઓના નામથી ખોલાવાયેલા 18 બેંક ખાતાઓમાં અંદાજે 1598 કરોડ રૂપિયા જમા થયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત અન્ય આરોપીઓના વધુ 35 થી 40 બેંક ખાતાઓની તપાસ પણ ચાલી રહી છે. હાલ પોલીસ ટીમ દ્વારા ભોગ બનનારા રોકાણકારોના રૂબરૂ તથા ટેલિફોનિક નિવેદનો નોંધવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.
આ પણ વાંચો : અંબાજી ભાદરવી પૂનમ મહામેળા માટે GSRTC સજ્જ: 15 લાખથી વધુ માઈભક્તો માટે ખાસ બસ સેવા












