ગુજરાત

ગુજરાત વિધાનસભા બનશે પેપરલેસ, હવે આ એપની મદદથી જ પૂછી શકશે પ્રશ્નો, શું છે હાઇટેક વ્યવસ્થા ?

આજના ડિજિટલ યુગમાં બધુજ ડિજિટલ થઇ રહ્યું છે ત્યારે સરકારમાં પણ હવે ડિજિટલ પદ્ધતિથી કાર્ય કરવાની શરૂઆત થઇ ગઈ છે. સરકારના વિભાગોને ડિજિટલ અને પેપરલેસ કરવા માટે ગુજરાત સરકારે ઇ-ગવર્નન્સ મોડલ બહાર પાડ્યા બાદ હવે ગુજરાત વિધાનસભાને પણ પેપરલેસ બનાવવાનું કામ શરૂ થઇ ગયું છે. આવતાં બજેટ સત્ર બાદ તરત જ આ મોડલ કાર્યાન્વિત કરી દેવાશે અને આવતાં ચોમાસુ સત્રનું સંચાલન સંપૂર્ણપણે પેપરલેસ પદ્ધતિથી કરવામાં આવશે.

ધારાસભ્યો એપ્લિકેશનથી પ્રશ્નો પુછી શકશે

વિધાનસભામાં ધારાસભ્યો હવે એપ્લિકેશનના માધ્યમથી પ્રશ્નો પુછી શકશે. પેપરલેસ મોડેલ થકી ગુજરાતના તમામ ધારાસભ્યો સરકારને પૂછવા માગતા પ્રશ્નો તેમને આ એપ્લિકેશન મારફતે જ મોકલી દેવાના રહેશે અને કોઇ પત્રવ્યવહાર કરવાની ઝંઝટ રહેશે નહીં. આ સિવાય નિયમ 116 હેઠળ પૂછવાના પ્રશ્નો, ટૂંકી મુદતના પ્રશ્નો, જાહેર અગત્યની બાબતો, અતારાંકિત પ્રશ્નો પણ તેઓ આ એપ્લિકેશન મારફતે જ ફાઇલ કરી શકશે.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણી હારેલા 4 ઉમેદવારોના હાઈકોર્ટમાં ઘા, જાણો શું છે આક્ષેપ ?

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ બેડું ઝડપ્યું

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે, વિધાનસભા ગૃહને મારે ડિઝિટલ બનાવી પેપરલેસ કરવી છે. જે માટેની તમામ કામગીરી શરૂ થઈ ગઈ છે. દરેક ધારાસભ્યને તેમના મોબાઇલમાં તૈયાર કરાવાયેલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી દેવાશે અને તેની સંપૂર્ણ તાલીમ પણ આપવામાં આવશે. આ માટે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગને કામ સોંપવામાં આવ્યું છે. તેઓ એક સોફ્ટવેર અને એપ્લિકેશન ડેવલપ કરતી કંપનીને કોન્ટ્રાક્ટ આપશે. ધારાસભ્યો ઉપરાંત વિધાનસભાના તમામ સ્ટાફને પણ આ એપ્લિકેશનના રાઇટ્સ આપવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને મળી આ મોટી જવાબદારી, રાજ્યના ગૌરવમાં થયો વધારો

વિધાનસભાના અમુક મહત્વપૂર્ણ દસ્તાવેજો છપાશે

વિધાનસભા આ નવી પદ્ધતિથી મોટાભાગની પ્રક્રિયાને પેપરલેસ કરવા સિવાય અમુક દસ્તાવેજો કે જે જાહેર માધ્યમમાં મૂકવાના જરૂરી હશે તેને છાપીને વિતરણ કરવામાં આવશે. જો કે મહત્તમ કિસ્સામાં છાપવાના કાગળ ઓછાં કરવાનું લક્ષ્યાંક રહેશે. જો શક્ય હશે તો જાહેરમાં મૂકવાના કાગળની પણ ડિજિટલ નકલ આપવામાં આવશે.

આ પણ વાંચો : અંબાજી : વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કરી 51 શક્તિપીઠની પરિક્રમા

પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ માટે ઇચ્છા વ્યક્ત કરી

પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અગાઉ જ્યારે વિધાનસભા અધ્યક્ષ હતા ત્યારે તેમણે વિધાનસભાને પેપરલેસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ ત્યારબાદ સરકાર બદલાતા તેઓ મંત્રી બન્યા અને તે કાર્ય પૂર્ણ થઇ શક્યું ન હતું અને તેમની ઈચ્છા અધુરી રહી ગઈ હતી પરંતુ વર્તમાન અધ્યક્ષ શંકર ચૌધરીએ સત્વરે આ બીડું ઝડપી લીધું છે.

 

Back to top button