છેલ્લા ત્રણ વર્ષથી કોરોના કારણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન થઈ શકતું ન હતું જે આ વર્ષે આજથી પ્રારંભ થશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અતિથિ સ્થાને અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો આરંભ થશે. 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ચાઇનીઝ દોરીના અંગે રાજ્ય સરકારે જાહેર કર્યો કડક આદેશ, જિલ્લા ક્લેક્ટર અને પોલીસને આપી સૂચના
પતંગ મહોત્સવ G-20ની થીમ પર આયોજન કરાયું છે. જેમાં 53 દેશોના 126 પતંગબાજો, 14 રાજ્યોના 65 પતંગબાજો અને ગુજરાતના 22 શહેરોના 660 પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે. મહત્વપૂર્ણ છે કે આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં G-20 દેશોના પતંગબાજો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તથા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજોની પરેડનું પણ આયોજન કરાયું છે..
ગુજરાત પ્રવાસન વિભાગ અહીં ખાસ રેકોર્ડ સ્થાપિત કરવા જઈ રહ્યું છે. વિવિધ દેશોના પતંગબાજો અહીં પોતાની આગવી શૈલીનું પ્રદર્શન કરી શકે છે. એટલું જ નહીં વિવિધ યાત્રાધામના સ્થળોએ આ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમકે સુરત, દ્વારકા, વડનગર, વડોદરા, રાજકોટ, ધોલેરા, ધોરડો એમ વિવિધ સ્થળે પતંગ મહોત્સવનું આયોજન થયું છે.
પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ પ્રવાસન અને યાત્રાધામના સ્થળોએ પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં 9 જાન્યુઆરીએ વડોદરા અને વડનગર, 10 જાન્યુઆરીએ કેવડિયા કોલોની-નર્મદા અને દ્વારકા, 11 જાન્યુઆરીએ સુરત અને સોમનાથ, 12 જાન્યુઆરીએ રાજકોટ અને ધોલેરા તેમજ 13 જાન્યુઆરીએ સફેદ રણ-ધોરડો-કચ્છ ખાતે પતંગ મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.