ગુજરાત

નાગરિકોને મોટી રાહત: ગુજરાત સરકાર લાવશે ‘યુનિવર્સલ એફિડેવિટ’, અલગ-અલગ સોગંદનામાની ઝંઝટમાંથી મુક્તિ

Gujarat Govt Universal Affidavit Format Released: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકોના હિતમાં અને સરકારી પ્રક્રિયાઓને વધુ સરળ બનાવવા માટે એક ઐતિહાસિક અને પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ મેળવવા માટે અત્યાર સુધી અરજદારોએ કરવા પડતા અલગ-અલગ ફોર્મેટના એફિડેવિટ (સોગંદનામા) ના નિયમોમાં મોટો ફેરફાર કરાયો છે. જે સરકારી સેવાઓ માટે કાયદા મુજબ કોઈ ચોક્કસ ફોર્મેટ અગાઉથી નક્કી નથી, પરંતુ સોગંદનામું કરવું અનિવાર્ય છે, તેવી તમામ સેવાઓ માટે કાયદા વિભાગ દ્વારા એક સમાન ‘યુનિવર્સલ એફિડેવિટ ફોર્મેટ’ તૈયાર કરવામાં આવ્યું છે.

સમય અને બિનજરૂરી આર્થિક ખર્ચ બચશે

અત્યાર સુધી વિવિધ સરકારી વિભાગોની કલ્યાણકારી યોજનાઓ, પ્રમાણપત્રો અને અન્ય નાગરિકલક્ષી સેવાઓ માટે અરજદારોએ અલગ-અલગ લખાણ અને માળખાવાળા સોગંદનામા રજૂ કરવા પડતા હતા. આ જૂની વ્યવસ્થાના કારણે વહીવટી વિલંબ થતો હતો અને નાગરિકોનો કિંમતી સમય તેમજ નાણાંનો બિનજરૂરી બગાડ થતો હતો. હવે આ નવી અને સમાન વ્યવસ્થા અમલમાં આવતા અરજદારે અલગ-અલગ કચેરીઓ અને સેવાઓ માટે અલગ પ્રકારનું લખાણ તૈયાર કરાવવા કોર્ટ કે નોટરીના ધક્કા ખાવા પડશે નહીં.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ડિજિટલ પોર્ટલ અને તમામ કચેરીઓ માટે નિયમ ફરજિયાત

કાયદા વિભાગના આ મહત્વપૂર્ણ નિર્ણય બાદ રાજ્યની તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય અને શહેરી કક્ષાની સરકારી કચેરીઓ, સક્ષમ સત્તાધિકારીઓ તેમજ જન સેવા કેન્દ્રો માટે આ નવું ફોર્મેટ ફરજિયાતપણે સ્વીકારવાનું રહેશે. આ ઉપરાંત, ઓનલાઈન અરજી કરતા નાગરિકોની સરળતા માટે ‘ડિજિટલ ગુજરાત પોર્ટલ’ પર પણ આ યુનિવર્સલ એફિડેવિટની સુવિધા ઉપલબ્ધ કરાશે.

સરકારે વધુમાં સ્પષ્ટતા કરી છે કે જે સેવાઓ માટે કાયદાકીય રીતે એફિડેવિટની કોઈ જરૂરિયાત જ નથી, ત્યાં સામાન્ય વહીવટ વિભાગના પ્રવર્તમાન નિયમો મુજબ માત્ર સ્વઘોષણા (Self-Declaration) એટલે કે પોતાની સહીવાળું ફોર્મ જ માન્ય ગણાશે. આવા કિસ્સાઓમાં નાગરિકો પર એફિડેવિટનું દબાણ કરી શકાશે નહીં.

આ પણ વાંચો: ગુજરાતમાં નકલી ઘી… નકલી પનીર…. બાદ હવે ‘નકલી સરપંચ’નો કારસો!

Back to top button