
Extreme Heat in Gujarat : ગુજરામાંથી હવે શિયાળાએ વિદાય લઈ લીધી હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે અને માર્ચ મહિનાની શરુઆતમાં જ આકરી ગરમી પડવાની ચાલું થઈ ગઈ છે. ગરમીને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોચી ગયું છે. જેના કારણે ખાસ કરીને બપોરના સમયના લોકોને ભારે હાલાંકી પડી રહી છે. ગરમીના કારણે લૂં લાગવાના કેસમાં પણ વધારો નોંધાયો છે.
ગરમીથી લોકો તોબા પોકારી ગયા
ગુજરાતમાં હાલ ગરમી એવી છે કે લોકો તોબા પોકારી ગયા છે. મોટા ભાગના લોકો ગરમીથી ત્રસ્ત થઈ ગયા છે. બપોરના સમયે તો તાપ એટલી હદે પડી રહ્યો છે કે લોકો બહાર નીકળતા ડરી રહ્યા છે. ગરમીને કારણે લોકોને લૂં લાગવાની સમસ્યા વધી રહી છે. ગરમી પડવાની સાથે જ સ્વાસ્થ્યને લગતી અન્ય પરિસ્થિતીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.

ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યો
ગરમીએ છેલ્લા ત્રણ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને શરુઆતના 10 દિવસમાં જ પારો 40ને પાર પહોંચી ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 16મી માર્ચ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદીઓ તો ગરમીમાં બરાબરના શેકાયા છે, તાપમાનનો પારો 41 સુધી પહોંચી ચૂક્યો છે.
આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
મોરબી, રાજકોટ અને કચ્છ સહિત છ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને સુરત સહિત બાર જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર થયું છે. હીટ વેવની ઇફેક્ટ તથા ઉત્તર-પશ્ચિમ તરફથી ફૂંકાતા ગરમ અને સુકા પવનોના કારણે આગામી થોડા દિવસોમાં તે 43 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ માર્ચની શરુઆતમાં જ આટલી ગરમી પડી રહી છે તો મે જૂનમાં તો ગરમી ભૂક્કા કાઢે તેવી શક્યતા છે. હીટવેવની આગાહીને પગલે સરકારે લોકોને પણ સાવચેત રહેવાની સૂચના આપી છે. મોટા ભાગના વિસ્તારમાં ગરમીના પગલે બપોરના સમયે લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લીંક પર ક્લીક કરો
હીટવેવથી બચવા શું કરવું?
હીટવેવ દરમિયાન શરીરને સુરક્ષિત રાખવા માટે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન શક્ય હોય તેટલું બહાર જવાનું ટાળવું જોઈએ, કારણ કે આ સમયમાં ગરમી સૌથી વધુ હોય છે. બહાર જવું પડે તો હળવા રંગના અને ઢીલા કપડા પહેરવા, ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરવો અને પૂરતું પાણી પીવું ખૂબ જરૂરી છે. દિવસ દરમિયાન વારંવાર પાણી, છાશ, લીંબુ પાણી કે ઓઆરએસ જેવા પદાર્થો પીવાથી શરીરમાં પાણીની ઉણપ થતી નથી. તડકામાં લાંબા સમય સુધી રહેવું ટાળવું અને બાળકો, વૃદ્ધો તથા બીમાર લોકોની ખાસ કાળજી લેવી જોઈએ. ચક્કર આવવું, ઉલટી કે વધારે થાક જેવા લક્ષણો દેખાય તો તરત જ છાયાવાળા ઠંડા સ્થળે જઈ આરામ કરવો અને જરૂર પડે તો તબીબી સલાહ લેવી જોઈએ.
આ પણ વાંચો : ગુજરાતમાં કોમર્શિયલ LPGની અછતથી 10,000 નાના રેસ્ટોરન્ટ્સ પર સંકટ












