ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

જળસંપત્તિ વિભાગના ૪૫૦થી વધુ નવનિયુક્ત ઉમેદવારોને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નિમણૂક પત્રો એનાયત કર્યા

ગાંધીનગર, તા. 20 માર્ચ, 2025: જળસંપત્તિ વિભાગના ૪૫૦થી વધુ નવનિયુક્ત ઉમેદવારોને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. તેમજ નવયુવાઓને કર્તવ્ય પાલન અને ફરજ નિષ્ઠાથી સેવારત રહેવાનું આહવાન કર્યું હતું. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, સરકારી સેવામાં જોડાઈને લોક સેવાની જે તક મળી છે તેને પદ, પ્રતિષ્ઠા, હોદ્દો કે આર્થિક આધાર તરીકે મુલવવાને બદલે પોતાને સોંપાયેલી કામગીરી પર ફોકસ કરીને ઉજાળીએ.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટીમ ગુજરાતમાં જોડાઈ રહેલા નવયુવાઓને પ્રેરણા આપતા કહ્યું કે, પોઝિટિવ એપ્રોચ અને સકારાત્મક ઉર્જા સાથે ફરજો અદા કરીને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા વિકસિત ભારત @ ૨૦૪૭ સંકલ્પ માટે વિકસિત ગુજરાતના નિર્માણના સંવાહક બનવાનું છે. મુખ્યપ્રધાને નવનિયુક્ત યુવાઓને ઇન્ટરનેશનલ હેપીનેસ ડેની શુભેચ્છાઓ પાઠવતા આ દિવસ તેમના જીવનમાં બેવડી ખુશી લાવનારો બન્યો છે તેનો હર્ષ વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં રહેલી ખાલી જગ્યાઓ સમયબદ્ધ અને ઝડપી રીતે ભરવાનું આયોજન કરી લીધુ છે. આ હેતુસર દસ વર્ષીય ભરતી કેલેન્ડર સરકારે બનાવ્યું છે અને ૨૦૨૫ના વર્ષમાં જ વધુ ૬૦૦ વર્ક આસિસ્ટન્ટની જગ્યાઓ ભરવા માટેની જાહેરાત સહિતની પ્રક્રિયા તબક્કાવાર કરવામાં આવશે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવી નિમણૂક પામી રહેલા વર્ક આસિસ્ટન્ટ યુવાઓને શીખ આપતા જણાવ્યું કે, તેમની પાસે આવનારી વ્યક્તિ કે અરજદારને સાંભળીને તેની સમસ્યા-પ્રશ્નનું નિવારણ ઝડપથી થાય તેવો પ્રો-એક્ટીવ એપ્રોચ રાખવો જરૂરી છે. એટલું જ નહીં, સૌ એકબીજાના પૂરક બનીને કાર્ય કરીશું તો કાર્ય આનંદ સાથે આત્મસંતોષ પણ મળશે જ.

જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ નવનિમણૂંક પામેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી પ્રેરણાથી આજે સુજલામ સુફલામ અને સૌની યોજના સહિત વિવિધ ઉદવહન પાઈપલાઈનોના માધ્યમથી કચ્છ સહિત રાજ્યના દરેક ખૂણે નર્મદાના નીર પહોંચ્યા છે. જળસંપત્તિ વિભાગની ટીમમાં વધારો થતા રાજ્યનું સિંચાઈ માળખું પણ વધુ સક્ષમ બનશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

નવનિયુક્ત વર્ક આસિસ્ટન્ટ્સને સંબોધન કરતા તેમણે કહ્યું કે, તમારે સૌએ રાજ્યના ખેડૂતો સાથે સીધા સંપર્કમાં કામ કરવાનું છે. ત્યારે ખેડૂતો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર જાળવવો અને તેમના નાના મોટા પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ આવે એ જ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. આ ઉપરાંત રાજ્યના બંધોની જાળવણી કરીને છેવાડાના ખેડૂતને પણ સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તેવી સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવાની મહત્વપૂર્ણ જવાબદારી તમારે સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવવાની છે.

આ પણ વાંચોઃ અમદાવાદના વેપારીને મુંબઈ બાર ડાન્સર સાથે થયેલો પ્રેમ 73 લાખમાં પડ્યો, જાણો વિગત

Back to top button