ચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: અમરેલીની 5 સીટ પર હતો ભાજપનો દબદબો, 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ બન્યું મજબૂત

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત થઈ ગઈ છે. આ સાથે જ ચૂંટણીના ઢોલ ઢબૂકી રહ્યાં છે ત્યારે દરેક પક્ષ પણ યોગ્ય મૂરતિયાઓની પસંદગી કરવા લાગ્યા છે. ગુજરાતમાં લગભગ છેલ્લાં ત્રણ દશકાથી ભાજપની જ સરકાર છે. મોટા ભાગે અહીં ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ સીધી લડાઈ જોવા મળે છે. ગુજરાતમાં આજ દિવસ સુધી તો ત્રીજા પક્ષનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. પરંતુ આ વખતની ચૂંટણી કંઈક અલગ છે. ભાજપ, કોંગ્રેસ બાદ હવે અહીં આમઆદમી પાર્ટી પણ સામે આવી છે, જે ભાજપ અને કોંગ્રેસ માટે માથાના દુઃખાવા સમાન સાબિત થઇ રહી છે. જેના કારણે ચૂંટણી વધુ રસપ્રદ બની ગઇ છે.આપની એન્ટ્રી થવાથી ભાજપ અને કોંગ્રેસ બન્નેના સમીકરણ બદલાઈ શકે છે. ખાસ તો આમ આદમી પાર્ટી બન્નેના વોટ શેરિંગ પર અસર કરી શકે છે.

વાત કરીએ અમરેલી જિલ્લાની…. આ જિલ્લામાં વિધાનસભાની 5 સીટ આવે છે. ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા અને રાજુલા આવે છે.

1) ધારીઃ  
ધારી ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 94મા નંબરની બેઠક છે. આ બેઠક અમરેલી જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક અમરેલી છે. આ બેઠકમાં ધારી તાલુકો, બગસરા તાલુકો અને ખાંભા તાલુકાના અમુક ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધારી પાસે ખોડિયાર માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે.

રાજકીય સમીકરણ
ધારી બેઠક પર ચાર વખત મનુભાઈ કોટડિયા ધારાસભ્ય બન્યા છે. જેમાંથી 1975, 1980, 1985માં તેઓ સળંગ ત્રણ ટર્મ જીત્યા હતા. જેમાં 75માં KLP અને 80 તથા 85માં JNPની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા.

1995માં મનુભાઈ કોટડિયા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. 2017માં જેવી કાકડિયા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા પરંતુ તેઓ ભાજપમાં જોડાઈ જતા 2020માં આ બેઠક પર પેટા ચૂંટણી થઇ હતી અને મનુભાઈ કોટડિયા વિજયી થયા હતા.

વાંચોઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : વલસાડમાં કોંગ્રેસે સત્તા ગુમાવી પણ ભાજપનું સમીકરણ શું બગડશે ?

છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 9 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.

આ બેઠક ભાજપના ગઢ સમાન હતી. પરંતુ 2012માં કેશુભાઈ પટેલે અલગ જીપીપી પાર્ટી બનાવી અને તેની ટિકિટ પર નલિન કોટડિયા ચૂંટણી લડ્યા અને જીત્યા હતા.

2017માં કોંગ્રેસના જે.વી.કાકડિયાનો 15336 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 66644 મત મેળવ્યા હતા.

જો કે તે બાદ તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા હતા. આ સીટ ખાલી થતાં વર્ષ 2020માં પેટાચૂંટણી થઈ હતી, જેમાં ભાજપના ઉમેદવાર જે.વી.કાકડિયાએ કોંગ્રેસના નેતા સુરેશ કોટડીને હરાવ્યા હતા.

આ બેઠક પર મતદારોની સંખ્યા

ધારી બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
ધારી બેઠક પર જાતિગત સમીકરણ જોઈએ તો આ સીટ પર પાટીદાર મતદાતાઓનો દબદબો છે. પાટીદાર ઉપરાંત કોળી સમુદાયના મતદાતાઓની સંખ્યા બીજા નંબરે છે. આ ઉપરાંત દલિત, ક્ષત્રિય અને અલ્પસંખ્યક વોટર્સ સામેલ છે. લગભગ 79 હજાર પટેલ, 27 હજાર કોળી, 18 હજાર દલિત, 12 હજાર ક્ષત્રિય, 8 હજાર અલ્પસંખ્યક સમુદાયના મતદાતાઓ છે.

2) અમરેલીઃ
અમરેલી ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 95મા નંબરની બેઠક છે. આ બેઠક અમરેલી જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક અમરેલી છે. આ બેઠકમાં અમરેલી તાલુકો અને વડિયા તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત અલગ રાજ્ય બન્યા બાદ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બનનાર ડો. જીવરાજ મહેતા અમરેલીના હતા. કવિ રમેશ પારેખ પણ અમરેલીના હતા.

રાજકીય સમીકરણ
1985થી 1998 સુધી આ બેઠક ભાજપના ગઢ સમાન હતી. આ સમયગાળા દરમિયાન પુરસોત્તમ રુપાલા અને દિલીપ સંઘાણી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. 2002માં કોંગ્રેસે વિજય રથ અટકાવ્યો હતો. જોકે 2007માં ફરી આ બેઠક કબજે કરી હતી. પરંતુ તે પછીની બે ચૂંટણીમાં એટલે કે 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં પરેશ ધાનાણી જીત્યા હતા.

છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 9 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 7 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.

એક સમયે આ બેઠક ભાજપના ગઢ સમાન હતી. પરંતુ 2002માં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ આ બેઠક જીતીને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું હતું. જોકે, 2007માં ભાજપનો આ બેઠક પર વિજય થયો હતો.

વાંચોઃ ચૂંટણી વચ્ચે જનતાને જણાવીશું અંદરની વાત : બનાસકાંઠામાં નેતા રડી પડ્યા તો ગોંડલમાં શું ‘ખેલ’ ચાલી રહ્યો છે ?

વર્ષ 2012 અને 2017માં પરેશ ધાનાણી ફરી આ બેઠક જીત્યા હતા. 2017માં પરેશ ધાનાણીનો 12029 મતોના માર્જીનથી વિજય થયો હતો.

પાટીદાર અનામત આંદોલન સમયે અમરેલી સૌથી વધુ સક્રિય રહ્યું હતું. આ કારણે જ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને અમરેલી અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોટું નુકસાન ભોગવવું પડ્યું હતું.

આ બેઠક પર મતદારોની સંખ્યા

અમરેલી બેઠક પર કુલ 2,83,739 મતદારો છે. મહિલા મતદાતાઓની સંખ્યા 1,37,925 છે, તો પુરુષ મતદાતાઓની સંખ્યા 1,45,810 છે.

અમરેલી બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
અમરેલી વિધાનસભા બેઠક પર લેઉવા પાટીદારનું વર્ચસ્વ છે. અમરેલીને લેઉવા પટેલનો ગઢ કહી શકાય.

3) લાઠીઃ
લાઠી ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 96મા નંબરની બેઠક છે. આ બેઠક અમરેલી જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક અમરેલી છે. આ બેઠકમાં લાઠી તાલુકો અને બાબરા તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક સમયે આ બેઠક પર ભાજપનો દબદબો હતો.

રાજકીય સમીકરણ
લાઠી વિધાનસભા સીટને પહેલા લબાબર-વાડિયાના નામથી ઓળખવામાં આવતી હતી. કોળી અને લેઉવા પટેલના દબદબાવાળી આ સીટ પર અત્યાર સુધીની ચૂંટણીમાં કોંગ્રેસ સાત વખત અને ભાજપ ચાર વખત જીત્યું છે.

1995 બેચરભાઈ ભાદાણીએ આ બેઠક જીતીને ભાજપનું ખાતુ ખોલાવ્યું હતું. બેચરભાઈ ભાદાણી આ બેઠક પરથી ત્રણ વખત ચૂંટણી જીત્યા હતા. 1995, 1998 અને 2002માં તેઓ ભાજપની ટિકિટ પર વિજયી થયા હતા. 2007માં બેચરભાઈ ભાદાણી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા હતા અને ભાજપના હનુભાઈ ધોરાજીયા સામે હારી ગયા હતા. 2012 અને 2017માં આ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો.

છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 10 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. એક સમયે આ બેઠક ભાજપના ગઢ સમાન હતી. પરંતુ 2012માં બાવકુ ઉંધાડે બેઠક જીતીને ભાજપનો વિજય રથ અટકાવ્યો હતો.

2017માં કોંગ્રેસના વિરજી ઠુમ્મરનો 9343 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 64743 મત મળ્યા હતા.

આ બેઠક પર મતદારોની સંખ્યા
લાઠી બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
1990થી લાઠી બેઠકના ઇતિહાસ પર જો નજર કરવામાં આવે તો મતદારોની પહેલી પસંદગી પાટીદાર ઉમેદવારો રહ્યા છે. આ બેઠક પર સતત પાટીદારોએ વિજય મેળવ્યો છે.  એટલે કે પાટીદાર ખાસ કરીને લેઉવા પટેલ વોટર્સનો દબદબો છે. આ ઉપરાંત કોળી સમાજના મતદાતાઓ પણ મોટી સંખ્યામાં છે.

4) સાવરકુંડલાઃ
સાવરકુંડલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 97મા નંબરની બેઠક છે. આ બેઠક અમરેલી જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક અમરેલી છે. આ બેઠકમાં સાવરકુંડલા તાલુકો અને લિલિયા તાલુકાના અમુક ગામોનો સમાવેશ કરવામાં આવ્યું છે. સાવર અને કુંડલા એમ બે અલગ ગામો હતા. બન્ને ગામ વચ્ચેથી નાવલી નદી વહેતી હતી. સાવરકુંડલા દિવાળીમાં રમાતી ઇંગોરિયા રમત માટે જાણીતું છે.

સાવરકુંડલા મૂળ ગોહિલ વાડ સ્ટેટનો ઐતિહાસિક રીતે મહત્વ ધરાવતો તાલુકો છે. આ તાલુકામાં જોગીદાસ ખુમાણની ભૂમિ આવેલી છે. આ તાલુકાના ઘણાં ગામોમાં વીરો અને સંતો પ્રસિદ્ધિ પામેલા છે. આ તાલુકાનું ગાધકડા ગામ જુનાગઢના નવાબની હકુમત નીચે હતું. જેને સરદાર વલ્લભભાઇ પટેલે સ્વત્રંત કરાવેલ હતું. તાલુકાની પૂર્વ- પ્રશ્વિમ અને દક્ષીણ દિશા ગીર પૂર્વના ડુંગરોથી પાલીતાણાના શેત્રુંજી ડુંગરો સુધી દક્ષીણનો ભાગ જોડાયેલો છે.

વાંચોઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: સુરેન્દ્રનગરની 5 બેઠક પર કોંગ્રેસનો દબદબો છે, શું 2022માં 2017નું પુનરાવર્તન જોવા મળશે?

રાજકીય સમીકરણ
સાવરકુંડલા બેઠક ભાજપનો ગઢ ગણાતો હતો. 1998થી 2012 સુધી ભાજપ આ બેઠક પર જીતતું આવતું હતું પરંતુ 2017માં કોંગ્રેસે આ બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી હતી.

છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 9 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. એક સમયે આ બેઠક ભાજપના ગઢ સમાન હતી.

2017માં કોંગ્રેસના પ્રતાપ દુધાતનો 8531 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 66366 મત મળ્યા હતા. જ્યારે ભાજપના કમલેશ કાનાણીને 57,835 વોટ મળ્યા હતા.

આ બેઠક પર મતદારોની સંખ્યા

સાવરકુંડલા બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
આ બેઠક પર પાટીદાર મતદાતા ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ (એસસી) 7.77 ટકા અને અનુસૂચિત જનજાતિ (એસટી)નો 0.21 ટકા છે.

5) રાજુલાઃ
રાજુલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 98 નંબરની બેઠક છે. અમરેલી જિલ્લામાં આવેલું રાજુલા શહેર અને રાજુલા તાલુકાનું મુખ્ય મથક છે, જે અમરેલી લોકસભા વિસ્તારમાં આવે છે.રાજુલાની મોટાભાગની વસતિ ખેતી પર નભે છે. હાલના સમયમાં પીપાવાવ પોર્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ પ્લાન્ટ તથા આલ્કોલ એશડાઉન શીંપીગ યુનિટ બનવાને લીધે અહીં વેપાર ધંધા વિકસ્યા છે.

રાજકીય સમીકરણ
રાજુલા બેઠક પર 1998થી ભાજપનો દબદબો હતો. સળંગ 4 ટર્મ એટલે કે 1998થી 2012 સુધીની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. જોકે 2017માં કોંગ્રેસે આ બેઠક ભાજપના વિજય રથને અટકાવ્યો હતો. આ તમામ 4 ટર્મમાં હીરાભાઇ ઓધવજીભાઇ સોલંકીએ જીત મેળવી હતી.

છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 5 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.

એક સમયે આ બેઠક ભાજપના ગઢ સમાન હતી. 2017માં કોંગ્રેસના અમરીશ ડેરનો 12,719 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 83,818 મત મળ્યા હતા અને ભાજપના હિરા સોલંકીને 71,099 મત મળ્યા હતા.

કોળી બહુમતી ધરાવતા આ વિધાનસભા સીટ પર અલ્પેશ ઠાકોરના ઓબીસી આંદોલનની થોડી ઘણી અસર જોવા મળી હતી.

છેલ્લી ચાર ટર્મથી ભાજપના ઉમેદવાર જીતતા હતા, પરંતુ ગત ચૂંટણીમાં ભાજપના ‘અચ્છે દિન’નો અંત આવતા આ બેઠક કોંગ્રેસના કબજામાં આવી હતી. હાલ આ બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા અમરીશ ડેર ધારાસભ્ય છે,

આ બેઠક પર મતદારોની સંખ્યા

રાજુલા બેઠક પર કુલ 2,74,696 મતદારો છે. મહિલા મતદાતાઓની સંખ્યા 1,33,219 છે, તો પુરુષ મતદાતાઓની સંખ્યા 1,41,477 છે.

રાજુલા બેઠક પર કયા મતદાતાઓનું પ્રભુત્વ છે
રાજુલા બેઠક પર કોળી વોટર્સ બહુમતીમાં છે. આ ઉપરાંત પાટીદાર, ક્ષત્રિય, દલિત મતદાતાઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે. આ ઉપરાંત આ બેઠક પર નાઘેર આહિર અને પંચોલી આહિર જાતિના મતદાતાઓ પણ હાવી છે.

Back to top button