ગાંધીનગર, 15 માર્ચ 2024, દેશમાં લોકસભાની ચૂંટણી બીલકુલ નજીક આવી ગઈ છે. ત્યારે ગુજરાતમાં સરકારી કર્મચારીઓએ પડતર માંગણીઓ સંદર્ભે સરકાર સામે બાંયો ચઢાવી છે. ગાંધીનગરમાં આજે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચો તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં કર્મચારીઓને વિધાનસભા તરફ કૂચ કરતાં પોલીસે અટકાવ્યા હતા. પોલીસે મહિલા કર્મચારીઓની ટીંગાટોળી કરી હતી.
કર્મચારીઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધપ્રદર્શન કર્યું
ગુજરાતમાં જૂની પેન્શન યોજના સહિતની પડતર માગણીઓને લઈને કર્મચારીઓ સરકાર સામે લડત આપી રહ્યા છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય સંયુકત કર્મચારી મોરચાના આદેશ અનુસાર ગત મહિનામાં સરકારી કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જૂની પેન્શન સ્કીમ, ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરી કાયમી ભરતી કરવા, કેન્દ્રના ધોરણે પગાર પંચ, જીપીએફમાં કર્મચારીના 10 ટકા સામે સરકાર 14 ટકા રકમ જમા કરાવે સહિતના પડતરના પ્રશ્ને કર્મચારીઓ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.
કર્મચારીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપીનાં દૃશ્યો
કર્મચારીઓ આજે મુખ્યમંત્રીને વ્યક્તિગત આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં ઊમટી પડી વિધાનસભા તરફ કૂચ કરી હતી. જોકે કર્મચારીઓનો કાફલો વિધાનસભા તરફ આગળ વધે એ પહેલાં જ પોલીસે અટકાવ્યો હતો. જેને કારણે કર્મચારીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપીનાં દૃશ્યો સર્જાયાં હતાં. કર્મચારીઓએ કહ્યું હતું કે આવતીકાલે ચૂંટણી જાહેર થવાની સંભાવના હોવાથી અમારા માટે આજની રાત કતલની રાત છે. અમે ઈચ્છીએ છીએ કે સરકાર અમારી માગણી સ્વીકારે.લાંબા સમયથી વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છીએ પણ સરકારે અમારી માગ સ્વીકારી નથી.
આ પણ વાંચોઃજાણો ગુજરાતના કયા ટોચના ઉદ્યોગોએ ચૂંટણી બોન્ડ ખરીદીને રાજકીય પક્ષોને દાન આપ્યું