Google પણ કરી રહ્યું છે ભારતની આઝાદીની ઉજવણી, ટેક જાયન્ટે બનાવી ખાસ થીમ, જૂઓ અહીં


HD ન્યૂઝ ડેસ્ક, 15 ઓગસ્ટ: આજે 15મી ઓગસ્ટ 2024ના રોજ ભારત તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉત્સાહ સાથે ઉજવી રહ્યું છે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સતત 11મી વખત લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. ટેક જાયન્ટ ગૂગલ પણ ભારતની આઝાદીની ઉજવણી કરી રહી છે. ગૂગલે આ પ્રસંગે એક ખાસ પ્રકારનું ડૂડલ બનાવ્યું છે.
ગૂગલે ખાસ થીમ આધારિત ડૂડલ બનાવીને ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી છે. ગૂગલે તેના ડૂડલમાં ભારતની આર્કિટેક્ચરલ થીમ દર્શાવી છે. આ થીમ વરીન્દ્ર જાવેરીએ ડિઝાઇન કરી છે. ચાલો તમને ગૂગલ ડૂડલ વિશે વિગતવાર માહિતી આપીએ.
આઝાદીના અવસર પર ગગુલે બનાવ્યું ખાસ ડૂડલ
ગૂગલ દુનિયાભરમાં બનતા દરેક ખાસ પ્રસંગો પર એક ખાસ ડૂડલ તૈયાર કરે છે. આજનો દિવસ ભારતીયો માટે ખૂબ જ ખાસ છે. આજે સમગ્ર દેશ તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. ભારતના ખાસ દિવસના અવસર પર ગૂગલે સ્વતંત્રતા દિવસનું ડૂડલ બનાવ્યું છે. જો તમે સર્ચ એન્જીન પર કંઈક શોધવા જશો તો આજે સૌથી પહેલા જે વસ્તુ તમે જોશો તે આ ખાસ ડૂડલ છે.
ભારતીય કારીગરીની જોવા મળશે ઝલક
ગૂગલ ડૂડલની થીમ ભારતીય આર્કિટેક્ચરને સમર્પિત છે. જેમાં દેશના વિવિધ સ્થળોની સંસ્કૃતિઓને એકસાથે દર્શાવવામાં આવી છે. આ ડૂડલ પ્રખ્યાત ફ્રીલાન્સ આર્ટ ડિરેક્ટર, એનિમેટર અને ચિત્રકાર દ્વારા બનાવવામાં આવ્યું હતું. ગૂગલના ડૂડલમાં તમે રંગબેરંગી દરવાજા અને બારીઓ જોઈ શકો છો. આમાં તમને અલગ-અલગ કારીગરીની ઝલક જોવા મળશે. ઘણા વર્ષો પહેલા ભારતમાં આવા જ દરવાજા અને બારીઓનો ઉપયોગ ઘરોમાં થતો હતો. ગૂગલ ડૂડલ પર ક્લિક કરતાની સાથે જ તમને 15 ઓગસ્ટ 2024નું સમર્પિત પેજ મળશે.
આ પણ વાંચો: આપણા દેશની આન બાન શાન ‘ભારતનો રાષ્ટ્રધ્વજ’