એમેઝોન પરથી મંગાવ્યો સામાન, બોક્સ ખોલતાની સાથે જ નીકળ્યો જીવતો સાપ, જૂઓ વીડિયો
બેંગલુરુ, 19 જૂન: તમે ક્યારેય સપનામાં પણ વિચાર્યું છે કે તમે ઓનલાઈન ઓર્ડર કરેલા સામનાનું બોક્સ ખોલતાની સાથે જ તેમાંથી જીવતો સાપ નીકળે? બેંગલુરુના એક કપલે આરોપ લગાવ્યો છે કે તેમણે એમેઝોનની વેબસાઈટ પરથી પોતાના માટે અમુક સામાન મંગાવ્યો હતો અને તેની સમયસર ડિલિવરી પણ થઈ ગઈ અને સામાનનું બોક્સ પણ તેમને મળી ગયું. પરંતુ જ્યારે તેઓ તે બોક્સ ખોલે છે ત્યારે તેમાંથી જીવતો સાપ નીકળે છે. પેકેટમાં સાપ જોયા બાદ તેમના હોશ ઉડી ગયા હતા. તમને જણાવી દઈએ કે કપલ વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર છે અને તેમણે એમેઝોન પરથી Xbox કંટ્રોલરનો ઓર્ડર આપ્યો હતો.
તેમણે ડિલિવર થયેલા બોક્સનો એક વીડિયો પણ બનાવ્યો છે અને તેને એમેઝોનને ટેગ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં બોક્સમાંથી સાપ નીકળતો જોવા મળે છે. દંપતીનું કહેવું છે કે નસીબજોગે સાપ પેકેજિંગ ટેપ પર ચોંટી ગયો હતો. તેથી કોઈને કંઈ નુકસાન થયું નથી.
અહીં જૂઓ વીડિયો:
એક અહેવાલ મુજબ, કપલે કહ્યું, “અમે સરજાપુર રોડ પર રહીએ છીએ અને અમે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો છે. ઘટનાના પ્રત્યક્ષદર્શીઓ પણ છે.” તેમણે એ પણ જણાવ્યું કે સાપે કોઈને નુકસાન પહોંચાડ્યું નથી.
સુરક્ષાની જવાબદારી કોની?
તેમણે એમ પણ કહ્યું કે જ્યારે તેમણે એમેઝોનના કસ્ટમર સપોર્ટ સેન્ટરમાં આ અંગે ફરિયાદ કરી તો તેમનો કોલ બે કલાકથી વધુ સમય માટે હોલ્ડ પર રાખવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, “અમને સંપૂર્ણ રિફંડ મળી ગયું, પરંતુ અત્યંત ઝેરી સાપ સાથે જીવ જોખમમાં મુકવા બદલ અમને શું મળ્યું? એમેઝોનની આ સ્પષ્ટપણે બેદરકારી છે. વધુમાં તેમણે સુરક્ષાને લઈ ને સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આવી ગંભીર ભૂલો માટે કોણ જવાબદારી લેશે.
એમેઝોને માંગી માફી
દંપતીની ફરિયાદના જવાબમાં એમેઝોને માફી માંગી હતી અને વધુ તપાસ માટે ઓર્ડરની વિગતો માંગી હતી. તેઓએ લખ્યું, “તમારા એમેઝોન ઓર્ડર સાથે તમને અનુભવાયેલી અસુવિધા વિશે સાંભળીને અમે દિલગીર છીએ. અમે આની તપાસ કરવા માંગીએ છીએ. કૃપા કરીને જરૂરી વિગતો શેર કરો અને અમારી ટીમ ટૂંક સમયમાં અપડેટ સાથે તમને જવાબ આપશે.”
આ પણ વાંચો: VIRAL VIDEO : છોકરાઓ કૂતરાને ‘કાલુ-કાલુ’ કહીને ચીડવતા હતા, પછી ભડક્યો કાલુ ..