સોનાએ ઐતિહાસિક સપાટી કૂદાવી, થોડાક દિવસોમાં ભાવ પહોંચશે રૂ. 1 લાખને પાર
મુંબઈ, 17 એપ્રિલ: સોનાની કિંમતમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. ભારતમાં સોનાનો ભાવ 74,000 રૂપિયાની નજીક પહોંચ્યો છે. વૈશ્વિક ઘટનાક્રમ વચ્ચે લગ્નસરાની સિઝન શરૂ થાય તે પહેલા સોનાના ભાવ નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે અને અત્યારે તેમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. રિસર્ચ ફર્મ સિટી (citi) ગ્રૂપના એક રિપોર્ટ પ્રમાણે, સોનાના ભાવમાં 25% સુધીનો વધારો થઈ શકે છે એટલે કે, ટૂંક સમયમાં સોનું 1 લાખ રૂપિયાને પાર પહોંચશે.
સોનું $3000 સુધી પહોંચશે
રિસર્ચ ફર્મ સિટીએ સોનાના ભાવને લઈને અંદાજ જારી કર્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સોનાની કિંમત $3,000 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે અને ગોલ્ડની હાઈ સ્પીડને ધ્યાનમાં લેતા આ માત્ર 6 થી 18 મહિનામાં જોવા મળી શકે છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, હાલમાં સોનાના ભાવમાં રાહતની કોઈ આશા નથી.
યુએસ ફેડનું ગોલ્ડ કનેક્શન
મંગળવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની ભાવિ કિંમત સવારે ઝડપથી વધી રહી હોય તેવું લાગી રહ્યું હતું અને પ્રતિ ઔંસ $2371.40 પર ટ્રેડ થઈ રહ્યું હતું. છેલ્લા 19 દિવસમાં સોનાની કિંમતમાં સતત 16 દિવસથી વધારો થયો છે અને તેમાં 15%નો ઉછાળો જોવા મળ્યો છે. આગામી 6-18 મહિનામાં સોનાની કિંમતમાં 25% સુધીનો વધારો થઈ શકે છે. 2024ના બીજા ભાગમાં તે $2,500 પ્રતિ ઔંસને પાર કરશે. સિટીએ કહ્યું છે કે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટ અને ટ્રેઝરી રેલીને કારણે સોનું $3,000 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે.
સોનું રોકાણ માટે સલામત વિકલ્પ માનવામાં આવે છે
સોનાને માત્ર જ્વેલરીના રૂપમાં જ નહીં પણ રોકાણ માટે પણ વધુ સારો વિકલ્પ માનવામાં આવે છે. જ્યારે વૈશ્વિક અશાંતિ વધે છે અથવા ભૌગોલિક રાજકીય તણાવ વધે છે, ત્યારે રોકાણકારો સોના તરફ દોડે છે. જો આપણે ખાસ કરીને ભારતની વાત કરીએ તો છેલ્લા ત્રણ મહિનામાં સોનાના ભાવમાં 16%નો વધારો થયો છે અને ઈરાન-ઇઝરાયેલ વચ્ચેના સંઘર્ષને કારણે તે વધુ મોંઘું થઈ રહ્યું છે. હવે સોનાનો ભાવ 74000ની નજીક પહોંચી ગયો છે. આવી જ સ્થિતિ રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધની શરૂઆત વખતે ઊભી થઈ હતી.
આ પણ વાંચો: ચૈત્ર નવરાત્રિમાં માંગલિક કાર્ય, વાહન અને સોનાની ખરીદી માટે આ દિવસો છે શુભ