ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઑનલાઇન મંગાવેલી કેક ખાતા બાળકીનું મૃત્યુ, પરિવારના 4 સભ્યો માંડ માંડ બચ્યા

પટિયાલા (પંજાબ), 31 માર્ચ: પંજાબના પટિયાલામાં કેક ખાવાથી 10 વર્ષની બાળકીનું મૃત્યુ થયું છે. આ સિવાય પરિવારના 4 લોકોની તબિયત પણ લથડી હતી. બાળકીના જન્મદિવસે પરિવારે ઑનલાઇન કેક મંગાવી હતી. પોલીસે આ મામલે અદાલત બજાર સ્થિત કેક કાન્હા સામે ગુનો નોંધ્યો છે. પોલીસે કલમ 304-A (બિન ઇરાદાપૂર્વક હત્યા) અને 273 લગાવી છે. પરિવારે ભગવંત માનને ન્યાયની અપીલ કરી છે. છોકરીની ઓળખ માનવી તરીકે થઈ છે.

આ મામલે પંજાબ પોલીસ અધિકારી ગુરમીત સિંહે જણાવ્યું કે 25 માર્ચે પોલીસને આપેલી ફરિયાદમાં પટિયાલાના અમન નગરની રહેવાસી કાજલે જણાવ્યું કે 10 વર્ષની માનવીનો જન્મદિવસ 24 માર્ચે હતો. પોતાના જન્મદિવસે સાંજે 6 વાગ્યે એક કંપનીમાંથી ઑનલાઇન કેક મંગાવી હતી. કેક સાંજે 6:30 કલાકે ઘરે પહોંચી હતી. સાંજે 7.15 વાગ્યાની આસપાસ કેક કાપવામાં આવી હતી. કેક ખાધા બાદ માનવી અને તેના પરિવારના સભ્યોની તબિયત લથડવા લાગી હતી. તેણે ઉલ્ટી પણ કરી. બાળકી રાત્રે સૂઈ ગઈ. સવારે જ્યારે તેઓ જાગ્યા તો તેઓએ જોયું કે બાળકીનું શરીર ઠંડુ પડેલું હતું, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી અને ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. જ્યારે નાની છોકરીને માંડ-માંડ બચાવી લેવાઈ હતી.

બાળકીનો કેક ખાતા સમયનો વીડિયો પણ સામે આવ્યો

બાળકીનો કેક કાપતા અને ખાતા સમયનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે અને તેના પરિવારના લોકો માનવીનો બર્થ-ડે સેલિબ્રેટ કરી રહ્યા છે. જો કે, કોઈને એ વાતની ભનક પણ ન હતી, કે કેક ખાતા માનવીનો જન્મ દિવસ તેનો છેલ્લો દિવસ છે. નાના હરબન્સે જણાવ્યું કે તેમને બે દીકરીઓ છે. માનવી 10 વર્ષની મોટી દોહિત્રી હતી. તેણે તાજેતરમાં 5મા ધોરણમાં સારા માર્ક્સ મેળવ્યા હતા. તે તેના વર્ગમાં મોનિટર હતી. આ મામલે આરોગ્ય વિભાગ સારી રીતે કામ કરતું નથી. તેમણે પંજાબ સરકારને આ મામલે યોગ્ય પગલાં લેવાની અપીલ કરી છે, જેથી કોઈ પણ પરિવારને ફરીથી આવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે. તેમણે સીએમ ભગવંત માનને ન્યાય માટે મદદની ગુહાર લગાવી છે.

પોલીસ આરોગ્ય વિભાગની મદદ લેશે

પરિવારના સભ્યોએ જણાવ્યું કે માનવી તેની માતા અને નાની બહેન સાથે તેના નાનાના ઘરે રહેતી હતી કારણ કે પરિવારમાં સમસ્યાઓ હતી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પોલીસ આ મામલે આરોગ્ય વિભાગની મદદ લેશે. આરોગ્ય વિભાગની ટીમ ટૂંક સમયમાં સંબંધિત દુકાન પર સેમ્પલ ભરશે.

આ પણ વાંચો: પત્નીએ પતિને ઑનલાઇન મારી નાખવાની આપી સોપારી, વોટ્સએપ પર મૂક્યું આ સ્ટેટ્સ

Back to top button