ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

મેઘરાજાનો સોમનાથ પર અવતાર: ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર

ગીર સોમનાથ: ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં સારો વરસાદ પડ્યા બાદ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ લાંબો વિરામ લીધો હતો. વરસાદ ખેંચાવાને કારણે જિલ્લાભરમાં અસહ્ય ગરમી અને બફારો વધ્યો હતો. નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ખેડૂતોએ ખરીફ પાકની વાવણી તો પૂર્ણ કરી લીધી હતી, પરંતુ ઊભા પાક માટે બીજા રાઉન્ડના વરસાદની તલપ અને ચિંતા વધી ગઈ હતી.

વાતાવરણમાં અચાનક પલટો

પરંતુ આજે વહેલી સવારથી જ ગીર સોમનાથના વાતાવરણમાં સંપૂર્ણ પલટો આવ્યો. વેરાવળ, સોમનાથ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ધીમીધારે શરૂ થયેલો વરસાદ જોતજોતામાં ધોધમાર બની ગયો. કલાકો સુધી અનરાધાર વરસાદ વરસતા વેરાવળ શહેરના નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓની શેરીઓમાં પાણીની નદીઓ વહેવા લાગી.

ખેડૂતો માટે સોનાથી પણ વધુ કીમતી વરસાદ

આ વરસાદ સોમનાથ પંથકના ખેડૂતો માટે અત્યંત આવકાર્ય સાબિત થયો છે. વાવણી બાદ મુરઝાઈ રહેલા કપાસ, મગફળી સહિતના ખરીફ પાકોને નવું જીવન મળ્યું છે. ખેડૂતોના મુખ પર ખુશી છવાઈ ગઈ છે અને “જગતનો તાત” ખુશખુશાલ બની ગયો છે.

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદની આશા

હવામાન વિભાગની સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં ગીર સોમનાથ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ વરસાદે ગરમીથી ત્રાસી રહેલા લોકોને રાહત આપી છે અને ખેડૂતોની ચિંતા દૂર કરી છે. કુદરતની આ મહેરબાનીથી આ વર્ષે સારી ઉપજની આશા વધી ગઈ છે.

આ પણ વાંચો: Puri Jagannath Rath Yatra 2026: પુરીમાં આજથી શરુ થયો જગન્નાથજીનો મહોત્સવ, જાણો રથયાત્રાનું ધાર્મિક મહત્ત્વ

Back to top button