

અમદાવાદ, 21 જૂન 2024, ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL) કચેરીના 5 અધિકારી અને કર્મચારીની ગેંગે આયોજન પૂર્વક કાવતરું રચીને 35 કરોડથી વધુનો ચુનો લગાવવામાં આવ્યો હતો. ત્યારે કૌભાંડની માસ્ટર માઈન્ડ અને એક્ઝિક્યુટિવ એકાઉન્ટન્ટ રૂચિ ભાવસાર અને તેના નજીકના વિક્રાંત કંસારાની લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે આ કેસની તપાસમાં ACBએ રૂચિ ભાવસાર સામે ચાર કરોડથી વધુની કિંમતની અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ કર્યો છે.
1 મે 2017થી 31 મે 2022 સુધીના પિરિયડમાં તપાસ થઈ
ACBએ રૂચિ ભાવસાર સામે 1 મે 2017થી 31 મે 2022 સુધીના ચેક પિરિયડ સુનિશ્ચિત કરીને તપાસ હાથ ધરી હતી. ACBની પ્રાથમિક તપાસ દરમ્યાન રૂચિ ભાવસાર તથા તેમના આશ્રિતોના બેંક ખાતાઓ, મિલ્કત સબંધી દસ્તાવેજી પુરાવાઓ અને વિવિધ સરકારી કચેરીઓમાંથી તેઓના રોકાણ સંબંધી દસ્તાવેજી માહીતી એકત્રિત કરવામાં આવી હતી. રૂચિ ભાવસારે પોતાની ફરજ દરમ્યાન ભ્રષ્ટ રીત-રસમો અપનાવી મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યાની હકીકત ઉજાગર થવા પામેલ છે. આ અંગે તેઓના આવક, રોકાણ અને ખર્ચ અંગેના સાધનીક પુરાવાઓ મેળવી CBI ગાઈડલાઈન મુજબના પત્રક બનાવી, આ અંગે બ્યુરોના નાણાંકીય સલાહકાર દ્વારા નાણાકીય વ્યવહારોનું વિગતવારનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
રૂચિ ભાવસાર વિરુધ્ધ ACBએ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી
જેમાં રૂચિ ભાવસારે ચેક પિરીયડના સમયગાળા દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી ઈરાદાપુર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે કાયદેસરની આવક રૂા.65,31,380ની સામે રૂા.4,73,15,255નુ સ્થાવર/જંગમ મિલ્કતમાં પોતાના તથા આશ્રિતોના નામે રોકાણ તેમજ ખર્ચ કર્યો હોવાનું તપાસ દરમ્યાન ફલીત થવા પામ્યું છે.રૂચિ ભાવસારે પોતાની કાયદેસરની આવક કરતા રૂા. 4,07,83,875ની એટલે કે તેઓની આવકના પ્રમાણમાં 624.43 ટકાથી વધુની અપ્રમાણસર મિલ્કત વસાવેલાનુ પ્રસ્થાપિત થતાં રૂચિ ભાવસાર વિરુધ્ધ ACBએ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃરાજકોટના સસ્પેન્ડેડ TPO સાગઠીયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો