સુરતમાં રીક્ષામાં બેસાડી મોબાઈલ-રોકડની ચોરી કરતી ગેંગ ઝડપાઈ, પોલીસે ત્રણ આરોપી પાસેથી લાખોનો માલ જપ્ત કર્યો
સુરતઃ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી પેસેન્જરોને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી મોબાઈલ તેમજ રોકડ રકમની ચોરી કરી લેતી ગેંગને રાંદેર પોલીસે ઝડપી પાડી છે.આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. તેમજ બે ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે. આરોપીઓએ આ મોડસ ઓપરેન્ડીથી સુરત અને અંકલેશ્વરમાંથી 30 જેટલા મોબાઈલ ફોનની ચોરી કરી હતી જે પૈકીના 11 મોબાઈલ ફોન પણ પોલીસે રીકવર કર્યા છે.
ત્રણ આરોપીની ધરપકડ
સુરત શહેરમાં રીક્ષામાં મુસાફરી કરતા લોકોના મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ ચોરી થવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી અને આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. ત્યારે રાંદેર પોલીસે આવી જ એક ગેંગને ઝડપી પાડી જેલભેગી કરી છે રાંદેર પોલીસે બાતમીના આધારે સલાબતપુરા વિસ્તારમાં રહેતા અને રીક્ષા ડ્રાઈવર તરીકે કામ કરતા મુસ્તાક ખાન સલીમ ખાન પઠાણ, અમરોલી કોસાડ આવાસ પાસે રહેતા અનવર કાસમ શેખ અને ફૈયાઝ કયુમ શાને ઝડપી પાડ્યા હતા.
આરોપીઓ પાસેથી કુલ 1.81 લાખનો મુદામાલ કબજે
પોલીસે આરોપીઓ પાસેથી એક રીક્ષા, રોકડ રકમ તેમજ ૨ મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે આરોપીઓની કડકાઈથી પૂછપરછ કરતા આરોપીઓએ આ જ મોડસ ઓપરેન્ડીથી સુરત શહેર તેમજ અંકલેશ્વરના અલગ અલગ વિસ્તારોમાં 30 જેટલા મોબાઈલ ફોનની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આરોપીઓ પાસેથી 11 મોબાઈલ ફોન રાંદેર પોલીસે રીકવર કર્યા છે અને આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 1.81 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
શું હતી મોડસ ઓપરેન્ડી?
પોલીસ તપાસમાં આરોપીઓની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે આરોપી મુસ્તાકખાન પઠાણ રીક્ષા ચલાવતો હતો અને અનવર શેખ તથા ફૈયાઝ કયુમ શા રીક્ષામાં પાછળની સીટ પર બેસતા હતા. આરોપીઓ શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરતા હતા અને એકલ દોકલ ઉભેલા પેસેન્જરોને રીક્ષામાં બેસાડતા હતા. જે બાદ પેસેન્જરોને આગળ પાછળ ખસવાનું કહી તેમજ ભીસમાં લઇ પેસેન્જરોની નજર ચૂકવી મોબાઈલ તેમજ રોકડ રકમની ચોરી કરી લેતા હતા, અને બાદમાં આગળ પોલીસ ઉભી છે તેમ કહી પેસેન્જરને અડધે રસ્તે ઉતારી ફરાર થઇ જતા હતા.