ગુજરાત

ઉનામાં ભંગાર ચોરી કરતી ગેંગના ચારની ધરપકડ, 4.13 લાખનો મુદામાલ જપ્‍ત

Text To Speech

ઉનાઃ ગીર સોમનાથ જીલ્‍લાના ઉના શહેર-પંથકમાં છેલ્‍લા એક વર્ષથી ભંગારના ડેલામાં ચોરી કરતી ગેંગના બે સગીર સહિત ચાર શખ્‍સોને બાતમીના આધારે એલસીબીની ટીમએ ઝડપી લઇ પાંચ ચોરીની ઘટનાઓનો ભેદ ઉકેલ્યો છે. તો પકડાયેલી ગેંગના સભ્‍યો પાસેથી 737 કિલો કોપર, તાંબુ, લોખંડનો મિક્સ ભંગાર, 15 બેટરીઓ મળી 4.13 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

વધુ એક આરોપીની તસવીર

આ મામલે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઉના શહેર અને પંથકમાં ઘણા સમયથી ચોરીની ઘટનાઓ બની રહી હતી. જેમાં ખાસ ભંગારના ડેલાઓને ટાર્ગેટ કરી ચોરી કરવામાં આવતી હોવાનું પોલીસના ઘ્‍યાને આવ્યું હતું. જેથી ઉના પંથકમાં વિશેષ પેટ્રોલિંગ હાથ ધરવા સૂચના આપી હતી. દરમ્‍યાન ગઇકાલે ઉના શહેરમાં ખોડીયાર નગર પાસેના ભંગારના ડેલાને તસ્‍કરોએ નિશાન બનાવી ભંગારની ચોરી કરી હતી. જે અંગેની ફરીયાદને લઇ એલસીબીના પીએસઆઇ કે.જે.ચૌહાણએ ટીમ સાથે ઉનામાં પેટ્રોલિંગ ચાલુ કર્યું હતુ.

આ દરમિયાન બાતમીના આઘારે એલસીબીની ટીમે ઉના શહેરમાંથી જયેશ ધનજી બારીયા, શૈલેષ દેવચંદ વાજા બંન્‍ને રહે.મોદેશ્‍વર રોડ-ઉના તથા બે સગીર મળી ચાર શખ્‍સોની ગેંગને શંકાસ્‍પદ મિશ્ર ઘાતુના ભંગારના જથ્‍થા તથા વાહનોની બેટરીઓ સાથે ઝડપી લઇ પુછપરછ હાથ ઘરી હતી.

આરોપીઓની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, છેલ્‍લા એક વર્ષ દરમિયાન ઉના શહેર અને પંથકમાં આવેલા પાંચ ભંગારના ડેલાઓમાંથી ભંગાર સહિતના સામાન તથા અનેક વાહનોમાંથી બેટરીઓની ચોરી હોવાની કબુલાત કરી હતી. આ શખ્‍સો પાસેથી 737 કીલો કોપર-તાંબુ-લોખંડનો મિકસ ભંગાર કિ.રૂ.3.68 લાખ તથા બેટરી નંગ 15 ની કિ.રૂ.45 હજાર મળી કુલ રૂ.4.13 લાખનો મુદામાલ જપ્‍ત કર્યો હતો.

પકડાયેલ ગેંગના સાગરીતો મોટાભાગે રાત્રીના સમયે ભંગારના ડેલાને નિશાન બનાવી ભંગારની ચોરી કરતા હતા. પકડાયેલ શખ્‍સોની કબુલાતના આધારે પાંચ ચોરીની ઘટનાઓ ઉકેલાઈ ગઈ છે.

Back to top button