ગુજરાતટોપ ન્યૂઝ

ગાંધીનગર : પોલીસ વિભાગમાં ભરતીના નવા નિયમ જાહેર, 12 હજારની ભરતીની જાહેરાત

ગાંધીનગર, 7 માર્ચ : ગુજરાત સરકાર દ્રારા આગામી સમયમાં પોલીસ વિભાગમાં 12 હજાર જેટલી ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એક સોગંદનામું રજુ કરવામાં આવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાત હાઇકોર્ટે પોલીસ ભરતી અંગે માહિતી આપવા સરકારને આદેશ આપ્યો હતો. ગતવર્ષ 2023ની સ્થિતિ મુજબ ખાલી પડેલી જગ્યા ભરવા આદેશ આપવામાં આવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે સરકારને પુછ્યું હતું કે કેટલા પોલીસકર્મીઓની ભરતી કરી? બાકી રહેલી જગ્યાઓ અને કેટલી ભરતી બહાર પાડી છે, તેની પણ વિગત આપો. પોલીસકર્મીઓ મુદ્દે વિગતવાર રિપોર્ટ રજૂ કરવા સરકારને હાઇકોર્ટે આદેશ કર્યો હતો. મહત્વનું છે કે, પોલીસકર્મીઓ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો લીધો હતો.

પોલીસ વિભાગમાં 27 હજાર જેટલી જગ્યા ખાલી

મળતી માહિતી મુજબ, અગાઉ એપ્રિલ મહિનામાં સરકાર દ્વારા એફિડેવિટમાં સ્વીકાર કર્યો હતો કે રાજયના પોલીસ વિભાગમાં 21.3% જગ્યા ખાલી છે. જેનો આંકડો 27 હજાર જેટલો છે. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની 04 હજાર જગ્યા ખાલી છે. 07 હજાર પોલીસ કર્મચારીની વર્ષ 2023-24 માં ભરતી કરવાની રાજ્ય સરકારે કોર્ટમાં વિગત આપી છે,અગાઉ પોલીસ એકેડેમીમાં એક કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી હતી. પોલીસ પસંદગી નિમણૂક પત્ર કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ નવા વર્ષમાં પોલીસ વિભાગમાં અનેક ભરતીઓ થવાની જાહેરાત કરી હતી.

શારીરિક અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા

જાણવા મળ્યા મુજબ પોલીસ વિભાગમાં ભરતી માટે હવે ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા યોજાશે. હવે દોડના ગુણ નહીં મળે પરંતુ નિયત સમયમાં દોડ પાસ કરવાની રહેશે. હવે વજન ધ્યાન પર નહીં લેવાય. હવે 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે જેમાં બે પેપર રહેશે.એક પેપર 200 માર્કનું અને MCQ આધારિત રહેશે જ્યારે બીજું પેપર 100 માર્ક નું રહેશે. હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી માંથી કરેલ કોર્સ માટે પણ વધારાના ગુણ આપવામાં આવશે.

કેવી રીતે લેવામાં આવશે ભરતી પરીક્ષા ?

  • પ્રથમ શારીરિક કસોટી લેવામાં આવશે
  • શારીરિક કસોટી બાદ મુખ્ય પરીક્ષા લેવાશે
  • નિયત સમયમાં દોડ પાસ કરવાની રહેશે
  • દોડના ગુણ ગણવામાં આવશે નહીં
  • વજન ધ્યાને લેવામાં આવશે નહીં
  • 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે
  • ઉમેદવારો 2 પ્રશ્નપત્ર આપવાના રહેશે
  • જનરલ સ્ટડી અને ભાષાના પેપર આપવાના રહેશે
  • પાર્ટ A અને પાર્ટ B બે ભાગમાં પરીક્ષા રહેશે
  • દરેક ભાગમાં 40 ટકા ગુણ જરૂરી રહેશે
  • જો ભાગ A માં 40 ટકા ગુણ નહી હોય તો પાર્ટ B ની ચકાસણી નહીં થાય
  • સોશિયોલોજી, સાયકોલોજી,CRPC, IPC એક્ટ નાબુદ કરાયા
  • પોલીસ એક્ટ પ્રોહિબિશન એક્ટ એક્ટ નાબુદ કરાયા
  • એટ્રોસીટી એક્ટ, મોટર વ્હીકલ એક્ટ નાબુદ કરાયા
Back to top button