ટ્રેડ વોર વચ્ચે સારા સમાચાર! ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર સંધિ નક્કી

લંડન, 11 એપ્રિલ, 2025: અમેરિકા અને ચીન હાલમાં એકબીજા સામે બાથ ભીડી રહ્યા છે ત્યારે ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર સંધિ પર 90 ટકા સંમતિ સધાઇ ચૂકી હોવાના અહેવાલ છે. બ્રિટનની સરકારે ચાલુ વર્ષની અંદર 1.4 અબજની વસ્તી ધરાવતા દેશ ભારત સાથે આ વેપાર ભાગીદારીને અંતિમ રૂપ દેવા માટે આશાવાદી છે એમ ધ ગાર્જીયને સૂત્રોના હવાલાને ટાંકતા એક રિપોર્ટમાં જણાવ્યું છે અમે પહેલા કરતા હવે ઘણા નજીક છીએ અને રાજકીય સ્તરે પણ બન્ને દેશોની વચ્ચે વાત થઇ રહી છે.
બંને દેશો મુક્ત વેપાર સંધિ પર વાટાઘાટો કરવા પ્રતિબદ્ધ છે
લંડનમાં આયોજિત ’13મા આર્થિક અને નાણાકીય સંવાદ’માં બંને દેશોએ તેમની વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે મુક્ત વેપાર કરાર (FTA) અને દ્વિપક્ષીય રોકાણ સંધિ (BIT) પર વધુ વાટાઘાટો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમની અધ્યક્ષતા કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને યુકેના ચાન્સેલર ઓફ ધ એક્સચેકર રશેલ રીવસે કરી હતી.
સરકારી સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, વિઝા સંબંધિત વિવાદાસ્પદ મામલાનો મોટાભાગે ઉકેલ આવી ગયો છે. હવે વ્હિસ્કી, કાર અને ફાર્માસ્યુટિકલ્સના ટેરિફ પર ચર્ચા થવાની છે. જો આના પર પણ સંમતિ સધાય તો ભારતમાંથી બ્રિટનમાં નિકાસ થતી સ્કોચ વ્હિસ્કી અને કાર માટેના ટેરિફમાં ખાસ કરીને ઘટાડો થઈ શકે છે.
તેથી જ ભારત BTAને આગળ ધપાવી રહ્યું છે
આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ભારત દિન પ્રતિદિન વધી રહેલી વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે વધુ દ્વિપક્ષીય વેપાર કરારો કરી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન બ્રિટન સાથે 128 મિલિયન પાઉન્ડનો નવો નિકાસ સોદો પણ કરવામાં આવ્યો હતો અને રોકાણની પણ જાહેરાત કરવામાં આવી હતી. ઈવેન્ટમાં ચાન્સેલર રશેલ રીવસે આર્થિક વિકાસને વેગ આપવા માટે ભારત જેવા દેશો સાથે વ્યાપારી સંધિ કરવાની તાત્કાલિક જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો.
આ પણ વાંચોઃ ચીન પર ટેરિફ 125 ટકા નહી પરંતુ કુલ દર 145 ટકા થાય છે, 8 દિવસમાં ત્રીજી વારનો વધારો












