પાકિસ્તાનમાં પૂર્વ ચીફ જસ્ટિસની ગોળી મારી હત્યા, મસ્જિદ બહાર જ ઢાળી દેવાયા
પાકિસ્તાનમાં બલૂચિસ્તાન હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના શુક્રવારે બની હતી. મળતી માહિતી મુજબ, જ્યારે તેઓ શુક્રવારની નમાજ અદા કરીને મસ્જિદમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. ખારાનના પોલીસ અધિક્ષક આસિફ હલીમે જણાવ્યું હતું કે ખારાન વિસ્તારમાં મસ્જિદની બહાર પૂર્વ મુખ્ય ન્યાયાધીશ મુહમ્મદ નૂર મેસ્કનઝાઈ પર ગોળી ચલાવવામાં આવી હતી. આ હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા.
બલૂચિસ્તાનના સીએમએ કરી ઘટનાની નિંદા
પૂર્વ ન્યાયાધીશની હત્યાની નિંદા કરતા બલૂચિસ્તાનના મુખ્યમંત્રી મીર અબ્દુલ કુદુસે કહ્યું કે તેમની સેવાઓ અવિસ્મરણીય છે. તેમણે કહ્યું કે શાંતિના દુશ્મનો તેમના કાયરતાપૂર્ણ હુમલાથી દેશને ડરાવી શકતા નથી. તેમણે પૂર્વ ચીફ જસ્ટિસને નીડર જજ ગણાવ્યા હતા. ઉપરાંત ક્વેટા બાર એસોસિએશનના પ્રમુખ અજમલ ખાન કક્કરે કહ્યું કે અમે આ ઘટનાની સખત નિંદા કરીએ છીએ. આ દરમિયાન તેમણે ઘટનાને અંજામ આપનારા હત્યારાઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી.