G20ના કારણે હોટલોની માંગ વધતા ભાડા વધ્યા


દેશનો હોટલ ઉદ્યોગ દોડવા લાગ્યો છે જે ભારતના G20 પ્રમુખ પદને આભારી છે. G20 સાથે સંકળાયેલ મીટીંગો અને આયોજનો, તેમજ કોર્પોરેટ સમીટો અને સેમીનારોના કારણે હોટલોની માંગ વધતા મહત્વના શહેરોમાં હોટલોના રૂમભાડાઓ વધી ગયા છે. આ અંગે દેશની જાણીતી લેમન ટ્રી હોટેલ્સના પ્રમુખ વિક્રમજીત સીંધે એક મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, ભારતમાં ઓકટોબર 2022થી શરૂ થયેલ ત્રિમાસીકમાં હોટલોના ભાડામાં નોંધપાત્ર વધારો થયો હતો. અને ચાલુ ત્રિમાસીકમાં તેમાં વધારે વધારો થયો છે.

હોટેલના રૂમ ભાડા ઓલ ટાઇમ હાઇ
દિલ્હી એનસીઆર, મુંબઇ, હૈદ્રાબાદ અને બેંગ્લુરૂમાં હોટલની માંગમાં અણધાર્યો વધારો થતા હોટલોના રૂમ ભાડા ઓલ ટાઇમ હાઇ જોવા મળી રહ્યા છે.’ હોટલ -ઉદ્યોગના એકઝીકયુટીવોને આશા છે કે રૂમ ભાડાનો આ વધારો જળવાઇ રહેશે. સિંઘે કહ્યું, ‘આ તો હજુ શરૂઆત છે, મને લાગે છે કે ઓકટોબર 2023 પછી હજુ પણ ભાડા વધશે.’
નાના શહેરોમાં પણ ભાડા વધ્યા
ભારતના G20 પ્રમુખ પદના કારણે પણ મહત્વના શહેરોમાં હોટલોના એડવાન્સ બુકીંગ વધ્યા હોવાથી ધંધાની તકો વધી હોવાનું અન્ય એક હોટેલ વીન્ડરામ હોટેલ્સ એન્ડ રીસોર્ટસના યુરેશીયા માટેના ડાયરેકટર નિખીલ શર્માએ મીડિયાને કહ્યું હતું. તેમણે કહ્યું, ‘હાલમાં હોટલ ઉદ્યોગ માટે મહત્વના બજાર એવા બેંગ્લુરૂ બધા રૂમો બુક થઇ ગયા હતા અને અન્ય નાના શહેરોમાં પણ રૂમ ભાડામાં વધારો જોવા મળી રહ્યો છે.