અમદાવાદકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં બે દિવસ માવઠાની આગાહીઃ કચ્છમાં ધોધમાર પડ્યો, કેરીના પાકને મોટા નુકસાનની ભીતિ

અમદાવાદ, 13 એપ્રિલ 2024, ગુજરાતમાં છેલ્લા બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું. જેને કારણે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગઈકાલે વરસાદની આગાહી કરી હતી. પરંતુ આજરોજ સાઈક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ બદલાતા હાલમાં તે દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગો પર સક્રિય થયુ છે. તેથી આગામી 48 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે. હાલમાં કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે.રાજકોટના ગ્રામ્ય પંથક, અમરેલી અને ગીર પંથક તેમજ કચ્છ જિલ્લામાં ક્યાંક ભારે પવન સાથે ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ પડ્યો હતો.

 

હવામાન વિભાગે વરસાદની આગાહી કરતાં ખેડૂતો ચિંતિત બન્યા
અમરેલી જિલ્લાના ધારી ઉપરાંત તરશીંગડા, રાજસ્થળી, ગઢીયા અને ચાવંડ સહિતના આસપાસના વિસ્તારોમાં માવઠું પડ્યું હતુ. જ્યારે કચ્છ જિલ્લાના ભૂજ, રાપર અને અંજાર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં લોડાઈ, ખોંગારપર, મોઢાળા અને નાડાપામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.ભરઉનાળે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતો ચિંતિત બન્યા છે. ખાસ કરીને કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જેમાં અમરેલી અને કચ્છ જિલ્લામાં મોટા પ્રમાણમાં કેરીનું ઉત્પાદન થતું હોય છે. એવામાં તૈયાર થયેલો કેરીના પાકને ભારે પવન અને વરસાદના કારણે નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત ઉનાળુ પાકમાં પણ મગ, તલ સહિતના વાવેતરમાં પણ વરસાદના કારણે નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે.દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ અને નવસારી જિલ્લામાં કેરીનું મબલક ઉપ્તાદન થાય છે. સતત માવઠા ઉપરાંત હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની આગાહી કરતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારા જેવી સ્થિતિ સર્જાશે
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 48 કલાક ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છુટાછવાયા હળવા વરસાદની શક્યતા છે. જેમાં 14 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં હળવો વરસાદ વરસી શકે છે. 48 કલાક બાદ રાજ્યભરમાં મહત્તમ તાપમાનનો પારો ઉચકાતા ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસ બાદ રાજ્યભરનું મહત્તમ તાપમાન રાઈઝિંગ ટેન્ડેન્સીમાં રહેતા બેથી ચાર ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે. તેથી ગુજરાતીઓએ ફરી એકવાર ગરમીમાં શેકાવા તૈયાર રહેવું પડશે. આજથી ત્રીજા ચોથા અને પાંચમા દિવસે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમ હવાને કારણે અકળામણનો અનુભવ થશે અને બફારા જેવી સ્થિતિ સર્જાશે.

રાતનું તાપમાન યથાવત રહેશે
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે મીડિયાને જણાવ્યું હતું કે, આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે તથા આગામી બે દિવસ દરમિયાન રાત્રિ દરમિયાનના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે. તેથી રાત્રી દરમિયાન પણ અમદાવાદ અને આસપાસના જિલ્લાનું તાપમાન વધુ રહેતા ગરમીનો અનુભવ થશે. ત્યારબાદ રાત્રિ દરમિયાન તાપમાન યથાવત રહેશે. હાલમાં પાચ દિવસ દરમિયાન રાત્રી દરમિયાન આ તાપમાનમાં ઘટાડાની શકયતાઓ નહીંવત્ છે.

અમદાવાદમાં બપોરથી ગરમી વધશે
છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.ગઈકાલે રાત્રી દરમિયાન તાપમાન 25.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સાથે જ આજે 13 એપ્રિલના રોજ અમદાવાદ શહેરમાં તાપમાનના પારાની વાત કરવામાં આવે, તો બપોરના 12 વાગ્યા સુધીમાં ગરમીનો પ્રકોપ થોડા ઓછા પ્રમાણમાં સહન કરવો પડશે. કારણ કે બપોરના 12 વાગ્યા સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 32થી 34 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. ત્યારબાદ બપોરના 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં મહત્તમ તાપમાન ત્રણથી ચાર ડિગ્રી વધીને 37થી 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃમુન્દ્રાઃ 7થી લઈ 21 દિવસ માટે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ, જાણો પૂરી વિગત

Back to top button