ગુજરાતમાં સૌ પ્રથમવાર ધાનેરા ના ભાટીબમાં એક સાથે 28 ખેત તલાવડીનું ખાતમહુર્ત
પાલનપુર: રાજસ્થાનને અડીને આવેલાં ધાનેરા તાલુકામાં પાણીની અછત વર્તાઈ રહી છે, ત્યારે રવિવારે ધાનેરાના ભાટીબમાં ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈ સહિત આગેવાનો અને ખેડૂતો ની ઉપસ્થિતિમાં એક સાથે 28 ખેત તલાવડીઓનું ખાતમહુર્ત કરાયું હતું. તેમજ ઉપસ્થિત ગ્રામજનો સહિતે વરસાદી વહી જતા પાણીને રોકવા માટે અપિલ કરવામાં આવી હતી.
ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈ સહિત ઉપસ્થિત ખેડૂતો એ પાણી બચાવવા મક્કમ બન્યાં
બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા 10 વર્ષથી પાણીના તળ સતત નીચે જઈ રહ્યાં છે. આથી ખેડૂતોના બોરવેલમાં પાણી ખૂટી રહ્યાં છે. જેથી રાજ્ય સરકાર દ્વારા વહી જતાં વરસાદી પાણીને તળાવ કે ખેત તલાવડીમાં સંગ્રહ કરવા માટે અભિયાન ચલાવવામાં આવે છે. ત્યારે ધાનેરા તાલુકાના ભાટીબ ગામે જળ સંચય ટીમના માર્ગદર્શન અને સાથ સહકારથી એક – બે નહી પરંતુ એક સાથે 28 ખેડૂતો એ ખેત તલાવડી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આથી રવિવારે ધાનેરા ના ધારાસભ્ય માવજી દેસાઈ, બનાસકાંઠા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ મગનલાલ માળી, ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંત રાવ, ફોજાજી રાજપૂત સહિત આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.
ભાટીબમાં ધારાસભ્ય સહિત આગેવાનો અને પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યાં
આ અંગે ધારાસભ્ય માવજી દેસાઈ એ જણાવ્યું હતું કે, રાજ્યના ઇતિહાસમાં સૌપ્રથમ વાર ધાનેરાના ભાટીબ ગામમાં એક સાથે 28 ખેત તલાવડીઓનું ખાત મુર્હૂત થયું હોય એવો ઐતિહાસિક પ્રસંગ બન્યો છે. પાણીના સંકટ ને દુર કરવા માટે આપ સૌએ પાણીના એક એક ટીપા ની કદર કરી પાણીને બચાવવું પડશે.
આ પણ વાંચો :અતીક અને અશરફને દફનાવવામાં આવ્યા, બંને સગીર પુત્રોએ આપી વિદાય