ટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

લાખોના નફાથી લઈને ડિજિટલ અરેસ્ટ સુધી… આ 5 ફ્રોડ વિશે જાણી લો, નહીંતર બેન્ક એકાઉન્ટ થઈ જશે ખાલી

નવી દિલ્હી: 30 ઓક્ટોબર, 2025: Cyber Crime: સાયબર ક્રિમિનલ્સ લોકોને નિશાનો બનાવવા માટે રોજ નવી યુક્તિઓ અપનાવી રહ્યા છે, જેના કારણે સામાન્ય જનતાની કરોડો રૂપિયાની મહેનતની કમાણી જોખમમાં મુકાઈ ગઈ છે. તાજેતરમાં I4C (ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર) દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, છેલ્લા 6 મહિનામાં 30 હજારથી વધુ લોકો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો શિકાર બન્યા છે અને આ દરમિયાન લોકોએ 1500 કરોડ ગુમાવ્યા છે.

સાયબર ક્રિમિનલ લોકોનો ડર (જેમ કે ડિજિટલ અરેસ્ટ) અથવા પૈસા કમાવવાની લાલચ આપીને છેતરે છે. અહીં કેટલાક મુખ્ય ફ્રોડ વિશેની માહિતી આપવામાં આવી છે, જેનાથી તમારે સાવધાન રહેવું જરૂરી છે:

1. KYC ફ્રોડ

આ ફ્રોડમાં સ્કેમર્સ નકલી લિંક કે કૉલ દ્વારા KYC અપડેટ કરાવવા માટે લલચાવે છે. તમને તમારું કનેક્શન કાપી નાખવાનો અથવા બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થવાનો ડર બતાવવામાં આવે છે. ડરના માર્યા લોકો OTP કે PIN શેર કરી દે છે, જેનો ઉપયોગ કરીને સ્કેમર્સ પૈસા લૂંટી લે છે.

2. ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ

આ એ જ સ્કેમ છે જેના વિશે I4C એ હાલમાં ડેટા જાહેર કર્યો છે. આમાં લોકોને ઓછું રોકાણ કરીને વધારે નફો કમાવવાની લાલચ આપવામાં આવે છે અને તેમને નકલી વેબસાઇટ પર પૈસા રોકવા માટે ફસાવવામાં આવે છે. એકવાર યુઝર ફસાઈ જાય, પછી સ્કેમર્સ તેના પૈસા લઈને ગાયબ થઈ જાય છે.

3. વર્ક-ફ્રોમ-હોમ સ્કેમ

આ સ્કેમમાં ‘ઘરે બેઠા કમાણી’ના નામે લોકોને ફસાવવામાં આવે છે. શરૂઆતમાં, સ્કેમર્સ રિવ્યૂ લખવા કે પોસ્ટ લાઇક કરવા જેવા નાના કામ આપીને થોડા પૈસા ચૂકવી વિશ્વાસ જીતે છે. ત્યારબાદ સિક્યોરિટી ડિપોઝિટ અથવા ઇન્વેસ્ટમેન્ટના નામે લોકોને ફસાવીને પૈસા પડાવે છે.

4. ડેટિંગ એપ ફ્રોડ

ફ્રોડ કરનારાઓ ડેટિંગ એપ્સ પર નકલી પ્રોફાઇલ બનાવીને લોકો સાથે મિત્રતા કરે છે અને તેમને પ્રેમ જાળમાં ફસાવે છે. થોડા દિવસોની વાતચીત પછી, તેઓ ભાવનાત્મક યુક્તિઓનો ઉપયોગ કરીને પૈસાની માંગણી કરે છે. આ પ્રકારના સ્કેમમાં ઘણા લોકો લાખો રૂપિયા ગુમાવી ચૂક્યા છે.

5. ફિશિંગ ઈમેલ અને ફેક એપ્સ

આ સાયબર સ્કેમનો સૌથી વધુ ઉપયોગમાં લેવાતો રસ્તો છે. સ્કેમર્સ કોઈ ઈમેલ કે SMS દ્વારા નકલી લિંક મોકલે છે. આ લિંક KYC અપડેટના નામે અથવા કોઈ જાણીતી કંપનીની ઑફરના નામે હોઈ શકે છે. આ લિંક પર ક્લિક કરવાથી તમારા ફોન કે લેપટોપમાં મેલવેર ઇન્સ્ટોલ થઈ જાય છે, જે તમારો ડેટા ચોરીને સ્કેમર્સને મોકલે છે.

6. ડિજિટલ અરેસ્ટ

આ એક એવો ફ્રોડ છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ફસાયા છે. સ્કેમર્સ કોઈ સરકારી અધિકારીના નામે કૉલ કરે છે અને તમને ડરાવીને ડિજિટલ અરેસ્ટ કરવાની વાત કરે છે. જો તમે આ સ્કેમમાં ફસાઈ જાવ છો, તો ફ્રોડ કરનારા માત્ર તમારા પૈસા જ નથી લૂંટતા, પણ તમને ઘણા દિવસો સુધી ‘ડિજિટલ અરેસ્ટ’માં રાખવાની ધમકી પણ આપે છે.

તમે કેવી રીતે બચી શકો છો?

કોઈપણ સ્કેમથી બચવા માટે આ વાતોનું ધ્યાન રાખો:

  • કોઈપણ અજાણ્યા સ્રોત કે વ્યક્તિ પર વિશ્વાસ ન કરો.
  • કોઈપણ લાલચ આપતી અજાણી લિંક આવે તો તેના પર ક્લિક ન કરો.
  • કોઈપણ વ્યક્તિ સાથે તમારી વ્યક્તિગત વિગતો (OTP, PIN, પાસવર્ડ) શેર ન કરો.
  • કોઈપણ આકર્ષક ઑફર પર તરત જ રિએક્ટ ન કરો.
  • ડિજિટલ અરેસ્ટ જેવા કિસ્સાઓમાં ગભરાશો નહીં, પણ તરત જ પોલીસને જાણ કરો.

આ પણ વાંચોઃ CM સાહેબ… 10 કેમેરામેન સાથે ફોટોશૂટ, આદિવાસી મંત્રી પર ચૈતર વસાવાના પ્રહાર, જાણો શું થયું?

આ પણ વાંચોઃ ગાંધીનગર: MLA ક્વાર્ટરમાં શંકાસ્પદ રીતે એક કપલ રોકાયું, પોલીસે ઝડપતા થયો ખુલાસો

 

Back to top button