અમદાવાદ, 14 જૂન 2024, ગુજરાતમાં અસહ્ય ગરમીથી લોકો પરેશાન થઈ ગયાં છે. ગરમીને કારણે અનેક જગ્યાએ આગ લાગવાના બનાવો પણ પ્રકાશમાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં જૂના ઢોર બજાર પાસે એક કાપડના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આગનો કોલ ફાયર બ્રિગેડને મળતાં 12થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોચી ગઈ છે. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવા પ્રયાસો શરૂ કર્યાં છે. પતરાના શેડમાં તૈયાર કરવામાં આવેલા ગોડાઉનમાં આગ પ્રસરી ગઈ છે. તે ઉપરાંત આસપાસના ગોડાઉનોમાં પણ આગની અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે.
રહેણાંક વિસ્તારમાં લોકોમાં ફફડાટ ફેલાયો
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાણીલીમડા જૂના ઢોર બજાર પાસે પટેલ મેદાનમાં એક કાપડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. આગની ઘટનાને કારણે ગોડાઉનની પાછળ આવેલા રહેણાંક વિસ્તારમાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવ્યો છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.
અગાઉ લાલ દરવાજા વિસ્તારમાં ભોયરૂ ભડકે ભળ્યું હતું
અગાઉ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં ત્રણ દરવાજા નજીક આવેલા ટ્યૂટોરિયલ માર્કેટમાં આવેલા ભોયરામાં રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. ભોંયરામાં રહેલા આર્ટિફિશિયલ ફૂલોમાં આગ લાગતાં માર્કેટમાં ધૂમાડો ફેલાઈ ગયો હતો. ફાયરબ્રિગેડની 15 ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ડિવિઝનલ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તુરને ધૂમાડાની અસર થઈ હતી. જેના કારણે તેઓ બેભાન થઈ ગયા હતા. જેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓને સારવાર અર્થે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં તેમની તબિયત સારી થઈ ગઈ હતી. હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચોઃનિકોલમાં LED બનાવતી ફેક્ટરીના ગોડાઉનમાં આગ લાગી, ફાયર NOC નહીં હોવાનો ખુલાસો