ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો મામલે નોંધાઈ FIR, SITની રચના

Text To Speech

દિલ્હી પોલીસે અભિનેત્રી રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો કેસમાં FIR નોંધી છે. દિલ્હી પોલીસે 10 નવેમ્બર જણાવ્યું હતું કે, રશ્મિકા મંદાનાના ડીપફેક AI-જનરેટેડ વીડિયોના સંબંધમાં IPCની કલમ 465 અને 469, 1860 અને IT એક્ટ, 2000ની કલમ 66C અને 66E હેઠળ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.

દિલ્હી મહિલા આયોગે આ મામલાની નોંધ લીધી

આ પહેલા દિલ્હી કમિશન ફોર વુમન (DCW) એ રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો મામલે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી હતી. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું હતું કે વીડિયોમાં મંદાનાની તસવીર સાથે છેડછાડ કરવામાં આવી છે. કમિશને પોલીસને આ કેસમાં નોંધાયેલી એફઆઈઆરની નકલ, આરોપીઓની વિગતો અને આ સંબંધમાં લેવાયેલી કાર્યવાહીનો રિપોર્ટ 17 નવેમ્બર સુધીમાં માંગ્યો છે.

સરકારે આ અંગે શું કહ્યું?

ઈલેક્ટ્રોનિક્સ અને IT રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે સોમવારે આ ડીપફેક વીડિયો પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે સોશિયલ મીડિયા કંપનીઓ કોઈપણ ખોટી માહિતીને દૂર કરવા માટે બંધાયેલી છે. મંત્રીએ કહ્યું હતું કે જો પ્લેટફોર્મ એપ્રિલ 2023 માં સૂચિત IT નિયમોનું પાલન ન કરે, તો નિયમ 7 લાગુ થશે અને પીડિત ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ હેઠળ કોર્ટનો સંપર્ક કરી શકે છે.

શું છે મામલો?

ગત સપ્તાહથી અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં અભિનેત્રી ચુસ્ત જિમ આઉટફીટ પહેરીને લિફ્ટમાં પ્રવેશતી જોવા મળે છે. જોકે, અભિનેત્રીનો આ વીડિયો નકલી છે. જેને AI ટેક્નોલોજીથી તૈયાર કરાયો છે. રશ્મિકાના સમર્થનમાં ઘણા બોલિવૂડ સેલેબ્સે પણ ડિપફેક વીડિયો મામલે ચિંતા વ્યક્ત કરી છે.  મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ ટ્વિટર પર નકલી અને અસલી વીડિયો પોસ્ટ કરીને લોકોને જાગૃત કર્યા છે અને આ મામલે કાયદાકીય કાર્યવાહી કરવાની વાત પણ કરી છે.

આ પણ વાંચો: રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો બાદ IT મંત્રાલયે એડવાઈઝરી બહાર પાડી

Back to top button