ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વિશ્વના સૌથી જોખમી 50 એરપોર્ટની યાદીમાં જાણો અમદાવાદનો કયો નંબર

  • શહેરીકરણથી સૌથી વધુ ઘેરાયેલા વિશ્વના ટોચના 50 એરપોર્ટમાં અમદાવાદનો પણ સમાવેશ
  • શહેરીકરણથી ઘેરાયેલા હોવાથી સૌથી જોખમી એરપોર્ટનો અભ્યાસ તાજેતરમાં હાથ ધરાયો
  • વિશ્વના ટોચના 50 એરપોર્ટમાં ભારતના 8 એરપોર્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી લંડન જવા માટે ટેક ઓફ થયેલું વિમાન ક્રેશ થયાને એક મહિનો પૂરો થયો છે. આ પ્લેન ક્રેશ થઈને રહેણાકમાં પડતાં વિમાનમાં સવાર 241 લોકો સિવાયના 19 અન્ય વ્યક્તિએ પણ જીવ ગુમાવ્યો હતો. આ સાથે જ એરપોર્ટ શહેરથી દૂર હોવું જોઈએ તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. તાજેતરમાં જ હાથ ધરાયેલા અભ્યાસમાં શહેરીકરણથી સૌથી વધુ ઘેરાયેલા વિશ્વના ટોચના 50 એરપોર્ટમાં અમદાવાદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

એરપોર્ટની આસપાસ રહેતા લોકોને ધ્વનિ-હવાના પ્રદૂષણનું જોખમ પણ વધારે હોય છે

શહેરીકરણથી ઘેરાયેલા હોવાથી સૌથી જોખમી એરપોર્ટનો અભ્યાસ તાજેતરમાં હાથ ધરાયો હતો. જેમાં વિશ્વના ટોચના 50 એરપોર્ટમાં ભારતના 8 એરપોર્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ સમગ્ર વિશ્વમાં ટોચના જ્યારે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ 12માં સ્થાને છે. ભૌગોલિક નિષ્ણાતો દ્વારા એરપોર્ટની આસપાસના 15 કિલોમીટરમાં વસતીને આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. એરપોર્ટની આસપાસ ગીચ વસતી જેમ વધુ હોય તેમ પ્લેનક્રેશ વખતે જાનહાનિનું જોખમ વધે છે તેમજ એરપોર્ટની આસપાસ રહેતા લોકોને ધ્વનિ-હવાના પ્રદૂષણનું જોખમ પણ વધારે હોય છે.

એરપોર્ટની આસપાસ 3 કિલોમીટર બફર ઝોનનો નિયમ હાંસિયામાં ધકેલાઇ ગયો

આ તમામ બાબતોને ઘ્યાનમાં રાખીને મુંબઈ એરપોર્ટને એન્ક્લોઝર ઈન્ડેક્સમાં 21,82,819નો સ્કોર જ્યારે અમદાવાદ એરપોર્ટને 10,82,503નો સ્કોર આપવામાં આવ્યો છે. અમદાવાદમાં ગયા મહિને પ્લેનક્રેશ થયું ત્યારે સિવિલ હોસ્પિટલ ખૂબ જ ઓછા અંતરે હતી અને ક્રેશ સાઇટથી ન્યૂ લક્ષ્મીનગર હાઉસિંગ કોલોની 250 મીટરના અંતરે જ હતી. પ્લેનક્રેશની ઘટના બાદ એરપોર્ટ આસપાસના રહીશો આજે પણ ભય અનુભવી રહ્યા છે.

એરપોર્ટની આસપાસના 20 કિલોમીટર સુધી વધુ પ્રમાણમાં ગીચતા હોવી ન જોઈએ

એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયાના ફાયર સર્વિસના પૂર્વ જનરલ મેનેજરના દાવા પ્રમાણે અમદાવાદનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે, જેના કારણે એરપોર્ટની આસપાસ 3 કિલોમીટર બફર ઝોનનો નિયમ હાંસિયામાં ધકેલાઇ ગયો છે. અર્બન પ્લાનિંગના ધારાધોરણ પ્રમાણે એરપોર્ટની આસપાસના 20 કિલોમીટર સુધી વધુ પ્રમાણમાં ગીચતા હોવી ન જોઈએ. પરંતુ ભાગ્યે જ આ ધારાધોરણનું કોઈ એરપોર્ટે પાલન કર્યું છે. હવે જે નવા એરપોર્ટ બને છે તેમની આસપાસ 6-8 કિલોમીટરની ખુલ્લી જગ્યા રાખવા નિર્દેશ અપાય છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસ ફરી દિગ્ગજ નેતાને પ્રમુખ બનાવે તેવી શક્યતા, પક્ષમાં થશે મોટા ફેરફાર!

Back to top button