ટ્રેન્ડિંગનેશનલ

નૈનીતાલના જંગલોમાં 36 કલાકથી વિકરાળ આગ, ભારતીય સેનાએ સંભાળ્યો મોરચો

  • ભારતીય સેનાનું MI-17 હેલિકોપ્ટર આગ ઓલવવામાં લાગ્યું 

નૈનીતાલ(ઉત્તરાખંડ), 27 એપ્રિલ: નૈનીતાલના જંગલોમાં લાગેલી આગને બુઝાવવા માટે ભારતીય વાયુસેનાના MI-17 હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી છે.  આ હેલિકોપ્ટરે આજે શનિવારે ભીમતાલ તળાવમાંથી પાણી ભરીને જંગલમાં લાગેલી આગ પર છાંટ્યું હતું. જેને કારણે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નૈનીતાલના જંગલમાં લાગેલી આગને 36 કલાક થઈ ગયા છે, પરંતુ હજુ સુધી વન વિભાગ તેના પર કાબૂ મેળવી શક્યું નથી. આ કારણોસર વન વિભાગે ભારતીય સેના અને ભારતીય વાયુસેનાની મદદ માંગી છે. આ આગ અત્યાર સુધી નૈનીતાલમાં કેટલાય હેક્ટરમાં ફેલાયેલા જંગલને બાળીને રાખ થઈ ગઈ છે.

 

જંગલની આગ હવે રહેણાંક વિસ્તારો સુધી પહોંચી ગઈ છે. આ કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આગને કાબૂમાં લેવા માટે સેનાની મદદ લેવામાં આવી છે. નૈની તળાવમાં બોટિંગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નૈનીતાલ ડિવિઝન ફોરેસ્ટ ઓફિસર ચંદ્રશેખર જોશીએ જણાવ્યું છે કે, આગ બુઝાવવા માટે મોર્ના રેન્જના 40 જવાનો અને બે ફોરેસ્ટ રેન્જર્સને તૈનાત કરવામાં આવ્યા છે.

 

 

જ્વાળાઓ હાઈકોર્ટ કોલોની સુધી પહોંચી 

આગની જ્વાળાઓ નૈનીતાલ હાઈકોર્ટ કોલોની સુધી પહોંચી ગઈ છે. નૈનીતાલ ભવાલી રોડ પર પાઈંસના જંગલોમાં લાગેલી આગને કારણે આખો રસ્તો ધુમાડામાં ઢંકાઈ ગયો છે. ITI બિલ્ડીંગ પણ આગની લપેટમાં આવી છે. ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકમાં આગ લાગવાના 31 નવા બનાવ બન્યા છે. 33.34 હેક્ટરના જંગલો બળીને રાખ થઈ ગયા છે. શુક્રવારે રૂદ્રપ્રયાગમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેઓ જંગલમાં આગ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તમામ અધિકારીઓને એલર્ટ રહેવા અને સુરક્ષા માટે દરેક જરૂરી પગલા ભરવા સૂચના આપી છે. આ સાથે તેમણે તમામ વિભાગોના અધિકારીઓને સંકલન જાળવવા જણાવ્યું છે.

આ પણ જુઓ: દક્ષિણ ભારતમાં ગંભીર જળ સંકટ, જળાશયોમાં માત્ર 17% પાણી બચ્યું: CWC રિપોર્ટ

Back to top button