ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ફારુક અબ્દુલ્લાને કાશ્મીર અને પેલેસ્ટિન વચ્ચે તફાવત લાગતો નથી!

નવી દિલ્હી, 26 ડિસેમ્બર: નેશનલ કોન્ફરન્સના વડા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ મંગળવારે કહ્યું કે જો ભારત અને પાકિસ્તાન વાતચીત દ્વારા વિવાદનો અંત નહીં લાવે તો કાશ્મીરની પણ ગાઝા અને પેલેસ્ટાઈન જેવી જ હાલત થશે. અબ્દુલ્લા ગત સપ્તાહે પૂંચમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરી રહ્યા હતા. મહત્ત્વનું છે કે, 21મી ડિસેમ્બરે પૂંચમાં આતંકવાદીઓએ સેનના બે વાહનો પર હુમલો કર્યો હતો. જેમાં 4 જવાન વીરગતિ પામ્યા હતા અને ત્રણ ઈજાગ્રસ્ત થયા હતા.

ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે વાતચીત ક્યાં છે? તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાનમાં નવાઝ શરીફ ફરી એકવાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, ત્યાંથી વારંવાર વાતચીત માટે કહેવામાં આવે છે પરંતુ વાતચીત કેમ નથી થઈ રહી? આ સાથે તેમણે એમ પણ કહ્યું કે જો આપણે વાતચીત દ્વારા મુદ્દાઓનું સમાધાન નહીં કરીએ તો કદાચ અહીં પણ એવી જ સ્થિતિ થશે, જેવી ગાઝા અને પેલેસ્ટિનમાં થઈ રહી છે. જ્યાં ઈઝરાયેલ 81 દિવસથી સતત બોમ્બમારો કરી રહ્યું છે.

ફારુક અબ્દુલ્લાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

આ સાથે તેમણે કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું અને સવાલ ઉઠાવ્યો કે પાકિસ્તાન સાથે વાતચીત કેમ નથી થઈ રહી? પત્રકારો સાથે વાતચીત દરમિયાન ફારુક અબ્દુલ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો જેમાં તેમણે પીએમ મોદીએ કહ્યું હતું કે વૉર ઈઝ નૉટ ઑપ્શન. હવે મંત્રણા દ્વારા મુદ્દાઓ ઉકેલવા પડશે. આ દરમિયાન ફારુક અબ્દુલ્લાએ પત્રકારોના એક સવાલના જવાબમાં ફરીથી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિવેદનનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે અટલજીએ કહ્યું હતું – ‘મિત્ર બદલી શકાય છે પરંતુ પડોશી બદલી શકાતા નથી.’ વધુમાં તેમણે કહ્યું – ‘જો આપણે આપણા પાડોશીઓ સાથે મિત્રતા જાળવીશું તો બંને પ્રગતિ કરશે. દુશ્મનાવટ વધવાથી બંનેની પ્રગતિમાં અવરોધ આવશે.

આતંકવાદી હુમલાને લઈ ગૃહમંત્રી પર પણ પ્રહાર કર્યા

ફારુક અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિ અને આતંકવાદી હુમલાઓને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી પર પણ પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ચાર વર્ષ પહેલા ચેન્નઈમાં ગૃહમંત્રીએ કહ્યું હતું કે 370 આતંકવાદ માટે જવાબદાર છે. 4 વર્ષ પછી તેમણે સંસદમાં કહ્યું કે તેમણે આવું ક્યારેય કહ્યું નથી. ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે આતંકવાદ ખતમ થયો નથી પરંતુ વધી રહ્યો છે. નિર્દોષોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર એક દિવસમાં સૌથી વધુ 359 એરક્રાફ્ટ મૂવમેન્ટ્સ નોંધાઈ

Back to top button