મોંઘવારી ઘટવી ખેડૂતોના હિતમાં, જાણો RBI ગવર્નરે કેમ આવું કહ્યું?
- ખેત પેદાશોના ભાવ ગ્રાહકો માટે નીચા રાખવા અને ખેડૂતોની આવક વધારવી એ એક કોયડો છે: શક્તિકાંત દાસ
નવી દિલ્હી, 26 જૂન: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે હાલમાં એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, “નીચી મોંઘવારી પણ ખેડૂતો માટે ફાયદાકારક છે.” મોંઘવારી પર અંકુશ મૂકવાની નીતિના કારણે ખેડૂતોમાં અસંતોષની આશંકા વચ્ચે તેમણે આ વાત કહી હતી. બોમ્બે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના એક કાર્યક્રમમાં શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, “નીતિ નિર્માતાઓ હંમેશા બહુવિધ ઉદ્દેશ્યોને સંતુલિત કરવાની દ્વિધા સાથે ઝઝૂમતા હોય છે. ખેત પેદાશોના ભાવ ગ્રાહકો માટે નીચા રાખવા અને ખેડૂતોની આવક વધારવી એ એક કોયડો છે.”
ખેડૂત પણ ગ્રાહક છે: ગવર્નર
RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, “આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે ખેડૂત પણ ગ્રાહક છે. ઘઉં સિવાય, તે તેના રોજિંદા જીવન માટે બીજી ઘણી વસ્તુઓ ખરીદે છે. મોંઘવારી ઘટાડવી એ પણ ખેડૂતોના હિતમાં છે.” ચૂંટણી પરિણામોના થોડા અઠવાડિયા પછી આવેલી આ ટિપ્પણીઓ મહત્ત્વપૂર્ણ છે કારણ કે મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોમાં ખેડૂતોની નારાજગીને કારણે સત્તારૂઢ ભાજપને આંચકો લાગ્યો છે.
ઊંચા વ્યાજ દરો વૃદ્ધિને અવરોધતા નથી: શક્તિકાંત દાસ
RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, “ઊંચા વ્યાજ દરો આર્થિક વિકાસને અવરોધી રહ્યા નથી.” તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, મોનિટરી પોલિસીનું ફોકસ મોંઘવારી ઘટાડવા પર રહેશે. સામાન્ય રીતે જો વૃદ્ધિ દર સારો હોય અને તે ટકાઉ હોય તો તે સ્પષ્ટ સંકેત છે કે તમારી નાણાકીય નીતિ અને તમારા વ્યાજ દરો વૃદ્ધિના માર્ગમાં નથી આવી રહ્યા.” શક્તિકાંત દાસે વધુમાં કહ્યું, ચિંતાઓ પાયાવિહોણી છે અને વૃદ્ધિની ગતિ અકબંધ છે.
આ પણ જુઓ: તાજમહેલમાં રડતાં રડતાં બાળકી થઈ બેહોશ, CPR આપી બચાવ્યો જીવ