ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

Fact check: પ્રચાર દરમિયાન લોકોના ગુસ્સાનો સામનો કરી રહેલા નેતા ખરેખર કયા પક્ષના છે?

  • જનતા વચ્ચે પ્રચાર કરવા ગયેલા એક બીજેપી ધારાસભ્યને વિકાસ ન થવા પર લોકોએ ફટકાર લગાવી હોવાનો દાવો 

HD ન્યૂઝ ડેસ્ક, 18 એપ્રિલ: સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જનતા વચ્ચે પ્રચાર કરવા ગયેલા એક બીજેપી ધારાસભ્યને વિકાસ ન થવા પર લોકોએ ફટકાર લગાવી હતી. જોકે, ફેક્ટ ચેકમાં વીડિયોનું સત્ય કંઈક બીજું જ હોવાનું બહાર આવ્યું હતું. ફેક્ટ ચેકમાં એવું બહાર આવ્યું કે, વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જે વ્યક્તિને બીજેપીના ધારાસભ્ય કહેવામાં આવી રહ્યા છે તે ભાજપના ઉમેદવાર જ નથી તેમજ આ વીડિયો જૂનો છે, જેને ચૂંટણીના સમયમાં ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

વીડિયોમાં કેટલાક લોકો ઘરની બહાર એકઠા થયેલા જોવા મળે છે. જેમાંથી એક માણસ ગામના બીજા માણસ તરફ ઈશારો કરીને માઈક પર કહી રહ્યો છે કે, “આ ધારાસભ્ય છેલ્લા પાંચ વર્ષમાં પહેલીવાર અહીં આવ્યા છે. ગત ચૂંટણીમાં અમે તેમને 27.5 હજાર રૂપિયાનું દાન આપ્યું હતું. પરંતુ અમારી માતા-બહેનોને હજુ પણ પાણી લેવા માટે બે કિલોમીટર દૂર જવું પડે છે.” આ પછી ત્યાં હાજર લોકોએ આ વ્યક્તિને ચૂપ કરી દીધો. વીડિયો શેર કરતી વખતે લોકો આ વ્યક્તિની હિંમતના વખાણ કરી રહ્યા છે. લોકો લખી રહ્યા છે કે, જો કોઈ મંત્રી કે ધારાસભ્ય માત્ર વોટ માંગવા આવે તો તેનું પણ એ જ રીતે સ્વાગત કરવું જોઈએ. તેની સાથે “ભાજપ હટાવો, દેશ બચાવો” લખવામાં આવ્યું છે.

ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું છે કે, આ વ્યક્તિએ રાજસ્થાન ચૂંટણી 2023માં કોંગ્રેસના ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરી હતી, ભાજપના ધારાસભ્ય સાથે નહીં. દીપચંદ ખેરિયા નામના આ ઉમેદવારે 2018માં બસપાની ટિકિટ પર આ વિસ્તારમાંથી ચૂંટણી જીતી હતી. 2023માં તેઓ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા હતા.

સત્ય કેવી રીતે બહાર આવ્યું?

 

વાયરલ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં એક વ્યક્તિએ લખ્યું છે કે, આ વીડિયો રાજસ્થાનના કિશનગઢબાસના દેવતા ગામનો છે. અહીંના ધારાસભ્યનું નામ દીપચંદ ખેરિયા છે. તેના આધારે, કેટલાક કીવર્ડ્સ સર્ચ કરતાં “ધ અલવર ન્યૂઝ” નામના ફેસબુક પેજ પર આ વીડિયો મળી આવ્યો છે. આ વીડિયો 15 નવેમ્બર 2023ના રોજ શેર કરવામાં આવ્યો હતો. કિશનગઢબાસ વિધાનસભા બેઠક અલવર જિલ્લામાં આવે છે. આ પેજ પર વીડિયોની સાથે કહેવામાં આવ્યું છે કે, “જ્યારે કિશનગઢબાસના ધારાસભ્ય દીપચંદ ખેરિયા આ ગામમાં ગયા ત્યારે તેમનું આ રીતે સ્વાગત કરવામાં આવ્યું.” આ વીડિયો નવેમ્બર 2023માં અન્ય Facebook એકાઉન્ટ્સ પર સમાન માહિતી સાથે શેર કરવામાં આવ્યો હતો. ત્યારે એવું પણ કહેવામાં આવ્યું હતું કે, દીપચંદ ખેરિયા કિશનગઢબાસ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે. ઉલ્લેખનીય છે કે, તે સમયે રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી હતી.

 

શોધખોળ કરતાં, આ બાબતે 16 નવેમ્બર 2023ના રોજનો એક અહેવાલ પણ મળ્યો. આ અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર દીપચંદ ખેરિયા ‘દેવતા’ ગામમાં ગયા ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે અન્ય કેટલીક મીડિયા સંસ્થાઓએ પણ આ બાબતને આવરી લીધી હતી. જો કે તે વખતે ખેરિયા ચૂંટણી જીત્યા હતા. દીપચંદ ખેરિયા 2018થી કિશનગઢબાસ સીટના ધારાસભ્ય છે. 2018માં તેઓ બહુજન સમાજ પાર્ટીમાંથી જીત્યા હતા પરંતુ બાદમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. વાયરલ વીડિયોમાં પીળી પાઘડી, કુર્તા-પાયજામા અને હાફ જેકેટ પહેરેલા વ્યક્તિની બાજુમાં ઉભેલા વ્યક્તિનું નામ દીપચંદ ખેરિયા છે.

આ પણ જુઓ: Fact check: શું સર્વેમાં INDI ગઠબંધનને 10 રાજ્યોમાં લીડ મળી? જાણો વાયરલ દાવાની હકીકત

Back to top button