ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

Exclusive: ગુજરાતમાં જીત પાક્કી કરવા BJP આ પેટર્ન અપનાવશે

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચુંટણી માટે દરેક પક્ષોએ તૈયારી શરૂ કરી છે. જેમાં ભાજપે ગુજરાત ચુંટણી માટે ઉત્તરપ્રદેશની પેટર્ન પર કામગીરી હાથ પર લીધી છે. તેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની સૂચનાથી બ્રામ્હણ વોટ કબ્જે કરવા કમિટી બનાવવામાં આવી છે. જે કમિટી આગામી ચુંટણી માટે પ્રચાર કરશે. તથા સમાજના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે અને તમામ વિધાનસભા વિસ્તારમાં વોટ ભાજપ તરફે રહે તે જવાબદારી પણ આ કમિટીને સોંપવામાં આવી છે. અત્યાર સુધીની ચુંટણીમાં આવી કમિટી બનાવવાની જરૂર નથી પડી પણ આ ચુંટણીમાં ભાજપને કેમ જરૂર પડી તે જાણવા જેવું છે.

સમાજના વોટ મેળવવા કમિટી બનાવી

ભાજપ આ વખતે પ્રથમ વખત બ્રાહ્મણ સમાજના વોટ મેળવવા કમિટી બનાવી છે. જેમાં યુપી ઈલેક્શનની પેટર્ન પર કમિટીની રચના કરવામાં આવી છે. થોડા સમય અગાઉ યુપી ઈલેક્શન થયું ત્યારે પ્રદેશ કમિટી બનાવવામાં આવી હતી હવે એજ રીતે ગુજરાત ચુંટણી દરમિયાન રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને સૂચના આપી હતી કે બ્રાહ્મણ માટે કમિટીની રચના કરવામાં આવે. જે આધારે કમિટીમાં 5 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, બરોડા સાંસદ રંજનબેન ભટ્ટ, પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, પ્રદેશ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે અને પ્રદેશ મંત્રી જાહ્નવી વ્યાસનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી ચુંટણી સુધી અલગ અલગ વિધાનસભામાં બ્રાહ્મણ સંગઠનોના પ્રતિનિધિ સાથે બેઠક કરશે. તથા બ્રાહ્મણ સમાજના પેટા ગોળના આગેવાનો સાથે બેઠકો કરશે અને બીજેપીનો પ્રચાર કરશે સાથે જ બીજેપી તરફે મતદાન થાય તેના પ્રયાસ કરશે

સમાજ માટે કમિટી બનાવવાની જરૂરિયાત કેમ ઉભી થઇ ?

હવે સવાલ એ થાય છે કે આખરે પ્રથમ વખત આ રીતે બ્રાહ્ણણ સમાજ માટે કમિટી બનાવવાની જરૂરિયાત કેમ ઉભી થઇ ? ભાજપે જે ગણિત લગાવ્યું છે તે મુજબ જોઈએ તો રાજ્યમાં કુલ 30 લાખ મતદાર બ્રાહ્મણ છે. રાજ્યની 4 સીટ રાજકોટ વેસ્ટ, મણિનગર, ઘાટલોડિયા બેઠક પર 37 હજાર જેટલા મતદારો છે અને વેજલપુર સીટ પર 30 હજાર જેટલા મતદારો છે. તો 41 જેટલી બેઠક એવી છે જેમાં 6 હજારથી વધારે મતદારો છે. જો આ સમાજને સાથે લેવામાં આવે અને મતદાન ભાજપ તરફે થાય તો જે સામાન્ય મતોથી હારજીત થતી હોય તેવી સીટ પર આ સમાજ ઉપયોગી સાબિત થઇ શકે અને તેના માટે ભાજપે કમિટી બનાવી પ્રચાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નાના સમાજને મનાવી તેમના મતો અંકે કરાશે

ઉલ્લેખનીય છે કે એક તરફ ઓબીસી સમાજમાં આવતા નાના સમાજને મનાવી તેમના મતો અંકે કરવા તેના સંમેલન સીએમ અને પ્રદેશ અધ્યક્ષ સાથે યોજવામાં આવી રહ્યા છે. એજ રીતે બ્રાહ્મણ સમાજના વોટ અંકે કરવા માટે પ્રથમ વખત કમિટીની રચના કરી વોટ ખેંચવા કવાયત કરી છે. તથા વિવિધ સમાજ સાથે સંકલન સાધી આ રીતે ચુંટણીમાં વોટ ખેંચવાની રણનીતિ અપનાવામાં આવી છે.

Back to top button