દહેગામઃ કોંગ્રેસના દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિની બા રાઠોડ આજે કોંગ્રેસના સભ્ય પદ પરથી રાજીનામું આપશે. કામિની બાને કોંગ્રેસે દહેગામ સીટ પર ટિકિટ ન આપતા તેઓ નારાજ થયા હતા અને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આજે તેઓ દહેગામ વિધાનસભા સીટ પરથી અપક્ષ ઉમેદવારી પરત ખેંચશે. ચર્ચા એવી છે કે અપક્ષ ઉમેદવારી પરત ખેંચ્યા બાદ તેઓ ભાજપને ટેકો જાહેર કરી ભાજપમાં જોડાય શકે છે.
કામિની બા રાઠોડ દહેગામના પૂર્વ ધારાસભ્ય હતા. 2022 વિધાનસભા ચૂંટણીમાં તેમને કોંગ્રેસમાંથી ટિકિટની માગણી કરી હતી. જો કે, જગદીશ ઠાકોર પ્રદેશ પ્રમુખ બન્યા બાદ દહેગામમાં જગદીશ ઠાકોરના સમર્થકોની બોલબાલા વધી હતી. કામિની બાને સ્થાને જગદીશ ઠાકોર પોતાના નજીકના વ્યક્તિને ટિકિટ આપવા ઇચ્છતા હતા જેથી કામિની બાનું જૂથ નારાજ થયું હતું.
કોંગ્રેસે કામિની બાની ટિકિટ કાપી હતી
દહેગામ વિધાનસભા બેઠક માટે ભાજપે વર્તમાન ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને રીપીટ કરવામાં આવ્યા છે અને કોંગ્રેસે વખતસિંહ ચૌહાણની પસંદગી કરી છે. ત્યારે કામિની બા રાઠોડે તેનો વિરોધ દર્શાવ્યો હતો. થોડા દિવસ પહેલા દહેગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કામીની બાએ આ અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસે આ બેઠક માટે મારી પાસે એક કરોડ માંગ્યા છે. મેં રૂપિયા ન આપ્યા તો અન્યો જોડેથી રૂપિયા લઈને ટિકિટ વેચી દીધી.
કામિની બાએ કોંગ્રેસ પર લગાવ્યો હતો મોટો આરોપ
કામિની બા રાઠોડને ટિકિટ ન મળતા તેઓએ કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્યા હતો. અને પક્ષે રૂપિયા ખાઈને ટિકિટ ફાળવવી હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. કામિની બાએ કહ્યું હતું કે- “પહેલા મારી પાસે એક કરોડની માંગણી કરી પછી 70 લાખ કીધા અને મેં કહ્યું 70 લાખ નહીં તો મારી પાસે 50 લાખની માંગણી કરી છે. મને કહેવામાં આવ્યુ હતુ કે, તમે જ્યાં સુધી પૈસા જમા નહીં કરાવો ત્યાં સુધી તમારી ટિકિટ ફાઈનલ નહીં થાય. તમે પૈસા આપશો પછી જ ફાઈનલ થશે.”
કોંગ્રેસના નવા માળખાની જાહેરાતને લઈને પણ નારાજ હતા
દહેગામમાં જ્યારે કોંગ્રેસે નવા માળખાની જાહેરાત કરી ત્યારે પણ કામિની બા નારાજ થયા હતા. કોંગ્રેસના નવા સંગઠન માળખામાં કામિની બાના નજીકના લોકોને સ્થાન આપવામાં આવ્યું ન હતું. જેથી તે સમયે પણ કામિની બાએ પત્ર લખીને રાજીનામું આપવાની માગ કરી હતી. જો કે, કોંગ્રેસના સિનિયર નેતા સી. જે. ચાવડાએ કામિની બાને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.
કોંગ્રેસને નુકસાનની શક્યતા
2022ની ચૂંટણી પહેલા દહેગામમાં કામિની બાના રાજીનામાંથી કોંગ્રેસને મોટું નુકસાન પહોંચી શકે છે. દહેગામમાં ક્ષત્રિય ઠાકોર વોટ બેન્ક વધારે છે. કોંગ્રેસમાં બે ફાંટા પડવાથી ભાજપના ઉમેદવાર બલરામસિંહ રાઠોડને સીધો ફાયદો થશે. ત્યારે નારાજ કામિની બા ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે.