ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ફ્લાઇટમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા દિલ્હી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું

Text To Speech

નવી દિલ્હી, 29 નવેમ્બર: ફ્લાઈટમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. મ્યુનિકથી આવતી લુફ્થાન્સાની ફ્લાઈટમાં પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને બોલાચાલી થઈ હતી. જો કે, પરિસ્થિતિ એટલી હદે બગડી ગઈ હતી કે દંપતી વચ્ચે મારામારી થવા લાગી. ફ્લાઈટની અંદરની સ્થિતિ બગડ્યા બાદ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. લુફ્થાન્સાની ફ્લાઈટ નંબર LH772 મ્યુનિકથી થાઈલેન્ડની રાજધાની બેંગકોક જઈ રહી હતી.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ ફ્લાઈટને દિલ્હી તરફ વાળવામાં આવી હતી. દિલ્હી એરપોર્ટના એર ટ્રાફિક કન્ટ્રોલને જાણ થતાં જ સુરક્ષા કર્મીઓ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફ્લાઈટને ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં લેન્ડ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ ત્યાંના એરપોર્ટ ઑથોરિટીએ તેને મંજૂરી આપી ન હતી. જેના કારણે ફ્લાઈટ દિલ્હી તરફ ડાયવર્ટ કરાઈ હતી.

આ પતિ-પત્ની ક્યાંના છે અને તેમની વચ્ચે ઝઘડાનું કારણ શું હતું તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના બાદ વ્યક્તિને ફ્લાઈટમાંથી બહાર કાઢીને સુરક્ષા કર્મચારીઓને સોંપવામાં આવ્યો હતો. આ ઘટના અંગે લુફ્થાન્સા એર દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

આ પણ વાંચો: ઉત્તરકાશી ટનલ: 41ને નવજીવન આપનાર બચાવ કર્મીઓના ચહેરા પર ખુશી છલકાઈ

Back to top button