ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉત્તરકાશી ટનલ: 41ને નવજીવન આપનાર બચાવ કર્મીઓના ચહેરા પર ખુશી છલકાઈ

ઉત્તરકાશી (ઉત્તરાખંડ), 29 નવેમ્બર:  12 નવેમ્બરે દેશવાસીઓ દિવાળી ઉજવી રહ્યા હતા ત્યારે ઉત્તરકાશી ટનલની અંદર 41 શ્રમિકો ફસાયાની ખબર મળી. શરૂઆતમાં તો એમ જ લાગતું કે, શ્રમિકો વહેલી તકે ટનલમાંથી બહાર નીકળી જશે. ત્યારબાદ કામમાં એટલી અડચણો પેદા થઈ કે ધીરજ ખૂટી પડી હતી. પરંતુ બચાવ કર્મીઓની અથાગ મહેનત અને પરિશ્રમના લીધે આજે 41 લોકોને ફરી નવજીવન મળ્યું છે. વિશ્વભરમાં રેસ્ક્યૂ ઑપરેશનને પૂરું પાડનારા બચાવ દળની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. પીએમ મોદીએ સિલ્ક્યારા ટનલ ઑપરેશનમાં સામેલ બચાવકર્તાઓની બહાદુરી અને નિશ્ચયને વધાર્યો હતો અને કહ્યું કે, તેઓએ શ્રમિકોને એક નવું જીવન આપ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, બચાવ દળે માનવતા અને ટીમ વર્કનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

દેશ-વિદેશની ટીમે રેસ્ક્યૂ ઑપરેશન પાર પાડ્યું

આ 17 દિવસ દરમિયાન NDRFની ટીમથી લઈ મજૂરોને ખોરાક બનાવનાર રસોઈયા સુધી હજારો લોકો શ્રમિકોને સુરક્ષિત બહાર નીકાળવાના કાર્યમાં લાગ્યા હતા. બચાવ કાર્યમાં ઘણા અવરોધો નડ્યા પણ હિંમત હાર્યા વગર ભારતીય સેના, NDRF, રેટ માઈનર્સ, મેડિકલ ટીમ, DRDO, કેન્દ્રીય એજન્સી, રાજ્ય વહીવટીતંત્રની ટીમ, થાઈલેન્ડ અને નોર્વેના નિષ્ણાંત ટીમ, નોર્વેજીયન જીઓટેકનિકલ સંસ્થા, ઇન્ટરનેશનલ ટનલીંગ અન્ડરગ્રાઉન્ટ સ્પેસ તેમજ સંબંધિત તમામ વિભાગોએ સરાહનીય કામગીરી કરી હતી. 41 કામદારોના સફળ બચાવ પર,ઇન્ટરનેશનલ ટનલિંગ જાણકાર આર્નોલ્ડ ડિક્સે કહ્યું કે, કોઈપણ કામ અસંભવ નથી. પૂરી તાકાત લગાવી દેવામાં આવે તો તમામ કાર્ય શક્ય બની શકે છે.

આર્નોલ્ડ ડિક્સ ઇન્ટરનેશનલ ટનલીંગ એન્ડ અંડરગ્રાઉન્ડ સ્પેસ એસોસિએશનના પ્રમુખ છે. તેમણે ભૂર્ગભમાં બનેલી આવી ઘટનાઓ પર મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓ ઑસ્ટ્રેલિયાથી પોતાની ટીમ લઈ બચાવ કાર્યમાં જોડાયા હતા.

રેટ માઈનર્સના કારણે મિશન સક્સેસફૂલ બન્યું

સફળ ઑપરેશન બાદ સરકાર અને વહીવટીતંત્રે રાહતનો શ્વાસ લીધો છે. બચાવ કાર્યમાં જ્યારે બધા નિષ્ણાતો અને મશીનો નિષ્ફળ ગયા, ત્યારે છેલ્લી ક્ષણે રેટ માઈનર્સે હાથ વડે  પર્વત ખોદી કાઢ્યો. ત્યાર બાદ જ કામદારોને બહાર કાઢી શકાયા. મજૂરોને બહાર કાઢનાર રેટ માઈનર્સ ટીમના લીડર મુન્ના કુરેશીની ખૂબ પ્રશંસા થઈ રહી છે. કામદારોને મળવા ટનલમાં જનાર તે પ્રથમ બહારનો વ્યક્તિ હતો. સુરંગના છેલ્લા 12 મીટરના કાટમાળને હટાવવાનું ખાસ કામ તેમની ટીમ પાસે હતું.

ટનલની અંદર પહોંચનાર NDRFના જવાન

NDRFના જવાન મનમોહન સિંહ રાવતે ન્યૂઝ એજન્સીને કહ્યું કે, જે ક્ષણે હું ટનલની અંદર પહોંચ્યો, ત્યારે શ્રમિકો ખૂબ જ ખુશી જોવા મળી હતી. મેં તેમને ખાતરી આપી કે,  તેઓ સુરંગમાંથી જલ્દી જ બહાર નીકળશે.આનાથી તેમને તેમની માનસિક સ્થિતિ સ્થિર રાખવામાં મદદ મળી હતી.

એક અલગ ટીમે કામદારોને ભોજન પહોંચાડવાનું કામ સંભાળ્યું

સુરંગમાં 17 દિવસ સુધી 41 મજૂરોને ખોરાક પૂરો પાડવાની જવાબદારી ધરણી જ્યોટેક કંપનીની હતી. આ માટે પાઇપ નાખવામાં આવી હતી. કંપની વતી ટીમનું નેતૃત્વ કરી રહેલા ચંદ્રને કહ્યું કે, ‘અમારા કર્મચારીઓ રોકાયા વિના કામદારોને ખોરાક અને પાણી મોકલતા રહ્યા. આ માટે 6 ઇંચ જાડી પાઇપ નાખવામાં આવી હતી.

બચાવ ટીમે કેક કાપી ઉજવણી કરી

રેસ્ક્યુ ઓપરેશનમાં રોકાયેલા NDRF કર્મચારીઓએ ઉજવણી શરૂ કરી કારણ કે સિલ્ક્યારા ટનલની અંદર ફસાયેલા 41 કામદારોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી મજૂરોની બહાર નીકળાવની ઉમ્મીદ ભર્યા ચહેરાઓ પર ખુશી છલકતી જોવા મળી હતી.

 ઉત્તરકાશી ટનલમાંથી તમામ કામદારોને સફળતાપૂર્વક બહાર કાઢવા પર NDRF, સુરેશ કુમાર દરલે કહ્યું કે,  અમારા અધિકારીઓ હંમેશા આ પ્રકારના પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે. આ આપણા રાષ્ટ્રના ઈતિહાસમાં સૌથી મોટું ઓપરેશન હતું.

આ પણ વાંચો: સિલ્કયારા ટનલમાંથી રેસ્ક્યુ કરાયેલા મજૂરોને ધામી સરકાર આપશે રૂ.1-1 લાખની આર્થીક સહાય

Back to top button