નેશનલ

મહારાષ્ટ્રના સોલાપુરમાં કાળજું કંપાવતી દુર્ઘટના: ભક્તોથી ભરેલી પિકઅપ વાન કૂવામાં ખાબકતાં 8 ના મોત

Major Accident In Maharashtra: મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના માલશિરસ તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. રવિવારે સિદ્ધનાથ મંદિરના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી એક ઓવરલોડેડ પિકઅપ વાન અચાનક નિયંત્રણ ગુમાવીને રસ્તાની બાજુમાં આવેલા ઊંડા કૂવામાં ખાબકી હતી. આ ભયાનક દુર્ઘટનામાં 4 મહિલાઓ અને 4 માસૂમ બાળકો સહિત કુલ 8 લોકોના કૂવાના પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 7 અન્ય મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ મૃતકો પંઢરપુર વિસ્તારના રંજની ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

બ્રેક ફેલ થતાં વાન સીધી પાણીથી ભરેલા ‘મોતના કૂવા’ માં ગરકાવ થઈ

પ્રાપ્ત વિગતો અનુસાર, રંજની ગામના આ ભક્તો મ્હસવડ ખાતે આવેલા પ્રસિદ્ધ સિદ્ધનાથ મંદિરના દર્શન કરી પિકઅપ વાનમાં ઘરે પરત ફરી રહ્યા હતા. મ્હસવડ-પંઢરપુર રોડ પર તાંદુલવાડી ગામ નજીક અચાનક વાહનની બ્રેક ફેલ થઈ ગઈ હતી. ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં 15 લોકોને લઈ જતી આ વાન રસ્તા કિનારે આવેલા કૂવામાં પડી ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ કૂવો પાણીથી કાંઠોકાંઠ ભરેલો હતો અને તેની આસપાસ કોઈ સુરક્ષા રેલિંગ કે પ્રોટેક્શન વોલ નહોતી, જેના કારણે કાબૂ બહાર ગયેલી વાન સીધી તળિયા સુધી ગરકાવ થઈ ગઈ હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઓવરલોડિંગના કારણે બચાવ કામગીરીમાં નડ્યા અવરોધો

સોલાપુરના પોલીસ અધિક્ષક (SP) અતુલ કુલકર્ણીએ જણાવ્યું કે, અકસ્માત સમયે વાહનમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા હતા. ઓવરલોડિંગના કારણે શરૂઆતમાં સ્થાનિક તંત્રને રેસ્ક્યુ ઓપરેશનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ક્રેનની મદદથી વાહનને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં 2 લોકોનો ચમત્કારિક બચાવ થયો છે. હાલ તમામ 7 ઘાયલોને સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસ તપાસ શરૂ

આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર સોલાપુર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. દુર્ઘટનાની ગંભીરતાને જોતા માલશિરસના સ્થાનિક ધારાસભ્ય ઉત્તમ જાનકર પણ પરિસ્થિતિની સમીક્ષા કરવા અને પીડિત પરિવારોને સાંત્વના આપવા ઘટનાસ્થળે પહોંચ્યા છે. સ્થાનિક પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને કાનૂની તપાસની પ્રક્રિયા હાથ ધરી છે. હોસ્પિટલમાં મૃતકોના પોસ્ટમોર્ટમ અને તેમની સત્તાવાર ઓળખ કરવાની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો: મુરેનામાં મોટી રેલ દુર્ઘટના: આગની અફવા બાદ લોકો ટ્રેનમાંથી કૂદી પડ્યા, બીજી ટ્રેનની અડફેટે આવતા 6 લોકોના મોત

Back to top button