ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હીરો મોટોકોર્પના ચેરમેન પવન મુંજાલની 25 કરોડની સંપત્તિ EDએ કરી જપ્ત

  • હીરો કંપનીના CMD પવનકુમાર મુંજાલની મુશ્કેલીમાં વધારો
  • EDએ પવન મુંજાલની દિલ્હીમાં રૂ.25 કરોડની 3 મિલકતો કરી જપ્ત

દિલ્હી : ઓટોમોબાઈલ કંપની હીરો મોટોકોર્પના CMD અને ચેરમેન પવનકુમાર મુંજાલની (Pawan Kumar Munjal) મુસીબતો વધી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હીમાં તેની 3 સ્થાવર મિલકતો જપ્ત કરી છે, જેની કિંમત લગભગ 25 કરોડ રૂપિયા છે. EDની આ કાર્યવાહી મની લોન્ડરિંગ કેસની ચાલી રહેલી તપાસ સાથે સંબંધિત હોવાની માહિતી મળી છે.

 

 અત્યાર સુધીમાં કેટલી સંપત્તિ કરાઇ જપ્ત ?

હીરા મોટોકોર્પના (Hero MotoCorp Ltd) ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પવનકુમાર મુંજાલ વિરુદ્ધ ED પહેલેથી જ મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. EDએ જણાવ્યું છે કે, મિલકત જપ્ત કરવાની તાજેતરની કાર્યવાહી એ જ તપાસનો એક ભાગ છે. તાજેતરની કાર્યવાહીમાં, EDએ દિલ્હીમાં સ્થિત ત્રણ મિલકતો જપ્ત કરી છે, જેની કુલ  કિંમત 24.95 કરોડ રૂપિયા છે. આ પહેલા પણ ED દ્વારા પવન મુંજાલની કેટલીક મિલકતો જપ્ત કરવામાં આવી છે. ત્યારથી અત્યાર સુધીમાં તેની કુલ 50 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

અગાઉની પવન મુંજાલ વિરુદ્ધ ઓગસ્ટમાં થઈ હતી કાર્યવાહી

અગાઉ 1 ઓગસ્ટના રોજ પણ EDએ પવનકુમાર મુંજાલની કેટલીક મિલકતો જપ્ત કરી હતી. તે કાર્યવાહીમાં પવનકુમાર મુંજાલ અને કંપનીના કેટલાક અન્ય અધિકારીઓની લગભગ 25 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલી સંપત્તિમાં ઘણા ડિજિટલ પુરાવા પણ સામેલ હતા. જે બાદ હવે ફરી ED દ્વારા 25 કરોડ રૂપિયાની 3 મિલકતો જપ્ત કરવામાં આવી છે.

ગેરકાયદેસર રીતે વિદેશી ચલણનું વહન કરવાનો આરોપ

તપાસ એજન્સીએ કહ્યું કે, તેમણે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા નોંધાવેલી ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. DRIએ મુંજાલ અને અન્ય લોકો વિરુદ્ધ કસ્ટમ્સ એક્ટની કલમ 135 હેઠળ ફરિયાદ દાખલ કરી છે, જે વિદેશી ચલણને ગેરકાયદેસર રીતે ભારતની બહાર લઈ જવા સાથે સંબંધિત છે. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, “મુંજાલ અને અન્ય લોકો ગેરકાયદેસર રીતે 54 કરોડ રૂપિયાનું વિદેશી ચલણ દેશની બહાર લઈ ગયા હતા.

રેમિટન્સ સ્કીમના નિયમોનું ઉલ્લંઘન (Remittance scheme) 

ED અનુસાર, પવન મુંજાલનો રિલેશનશિપ મેનેજર ગેરકાયદેસર રીતે કાર્ડ અને રોકડના રૂપમાં વિદેશી ચલણ વિદેશમાં લઈ જતો હતો, જ્યાં પવન મુંજાલ તેની અંગત અથવા વ્યવસાયિક યાત્રાઓ દરમિયાન ખર્ચ કરતો હતો. તપાસ એજન્સીનું કહેવું છે કે, મુંજાલે લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળ વ્યક્તિ માટે રહેલી વાર્ષિક 2.5 લાખ ડોલરની મર્યાદા તોડવા માટે આ પદ્ધતિ અપનાવી હતી.

આ પણ જુઓ :ગુજરાતના સુરત શહેરમાં 7 સ્થળો પર EDના દરોડા, મોટું કૌભાંડ સામે આવશે

Back to top button