રાજસ્થાન કોંગ્રેસમાં ભૂકંપ: ગેહલોતે ફોન ટેપિંગ કરાવ્યાનો તેમના જ ભૂતપૂર્વ મદદનીશનો દાવો
- બીજા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા રાજસ્થાનમાં ફરી એકવાર ‘ફોન ટેપિંગ’નો મુદ્દો ઉઠ્યો
જયપુર, 25 એપ્રિલ: લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા જ રાજસ્થાનમાં ફરી એકવાર ‘ફોન ટેપિંગ’નો જીની બહાર આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી (OSD) રહી ચૂકેલા લોકેશ શર્માએ બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં 2020ના ફોન ટેપિંગ કેસમાં ઘણા મોટા ખુલાસા કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ‘ફોન ટેપિંગ કેસમાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 8થી 9 કલાક સુધી ઘણી વખત સઘન પૂછપરછ કરવામાં આવી હોવા છતાં, હું અત્યાર સુધી મૌન હતો, પરંતુ ફોન ટેપિંગની ઘટના માટે જવાબદાર વ્યક્તિએ મને છોડી દેવાનો નિર્ણય કર્યો છે અને મને પરિણામ ભોગવવા માટે બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે.’ લોકશ શર્માનો આરોપ છે કે, અશોક ગેહલોતે તેમને ગજેન્દ્રસિંહ શેખાવત અને અન્યના ફોન રેકોર્ડિંગ આપ્યા હતા.
Gehlot, in order to save his Govt, tapped Sachin Pilot and other’s phone, and made it appear as if Gajendra Singh Sekhawat and the BJP tried to topple his Govt.
– Lokesh Sharma, Ashok Gehlot’s former OSD pic.twitter.com/PuxYilQkZn
— Rishi Bagree (@rishibagree) April 25, 2024
લોકેશ શર્માએ કહ્યું કે, ‘અશોક ગેહલોતનું એ સત્ય છે કે તેઓ કેવી રીતે પોતાના ફાયદા માટે લોકોને ઉપયોગ કરે છે અને તેમને એકલા છોડી દે છે. તેમણે સચિન પાયલટ અને અન્યના ફોન સર્વેલન્સ પર હતા. અટકાયતમાં રાખવામાં આવેલા ઘણા ધારાસભ્યોના ફોન પણ સર્વેલન્સમાં હતા. તત્કાલિન મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગજેન્દ્ર સિંહ શેખાવત અને સચિન પાયલટની છબી કેવી રીતે ખરાબ કરવી તે અંગે ચર્ચા થઈ રહી હતી.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘અગાઉ મેં કહ્યું હતું કે મને સોશિયલ મીડિયા દ્વારા રેકોર્ડિંગ મળ્યું છે, પરંતુ આ સાચું નથી. અશોક ગેહલોતે મને પેન ડ્રાઈવમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને કોંગ્રેસ નેતા ભંવરલાલ શર્માની ઓડિયો ક્લિપ આપી હતી. મને તેને મીડિયામાં રિલીઝ કરવાનું કહેવામાં આવ્યું હતું. અશોક ગેહલોત સરકારને તોડવાના પ્રયાસ પાછળ ભાજપનો હાથ હોવાનું કહેવું ખોટું છે. સચિન પાયલટ રાજ્યના નેતૃત્વ વિશેની તેમની લાગણી પાર્ટી હાઈકમાન્ડ સુધી પહોંચાડવા માંગતા હતા.’
મારા ગુરુએ રાજકીય હેતુઓ માટે મારો ઉપયોગ કર્યો: લોકેશ શર્મા
લોકેશ શર્માના આરોપો અનુસાર, જ્યારે સચિન પાયલટ અને તેમના નજીકના ધારાસભ્યો હાઈકમાન્ડને મળવાનું આયોજન કરી રહ્યા હતા ત્યારે તેમના ફોન ટેપ કરવામાં આવી રહ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન લોકેશ શર્માએ અશોક ગેહલોત સાથેની તેમની કથિત વાતચીતનું રેકોર્ડિંગ સંભળાવ્યું હતું. જેમાં અશોક ગેહલોત લોકેશ શર્માને પૂછે છે કે,જે ફોન પરથી મીડિયાકર્મીઓને રેકોર્ડિંગ મોકલવામાં આવ્યું હતું તે ફોન નષ્ટ થઈ ગયો છે કે નહીં. જેના જવાબમાં લોકેશ શર્મા અશોક ગેહલોતને કહે છે કે, ‘મેં મીડિયાને કહ્યું કે મને ઓડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયા દ્વારા મળ્યું છે.’
ભૂતપૂર્વ OSDએ કહ્યું કે, ‘મારા ગુરુએ (અશોક ગેહલોત) રાજકીય હેતુઓ માટે મારો ઉપયોગ કર્યો છે. તેઓએ વિચાર્યું કે, મેં ફોનનો નાશ કર્યો નથી. ફોન ટેપિંગમાં મારી કોઈ સંડોવણી નહોતી. 26 નવેમ્બર 2021ના રોજ, SOGએ મારી ઓફિસ પર દરોડો પાડ્યો હતો. અશોક ગેહલોતનું આ સત્ય છે કે, તે કેવી રીતે પોતાના ફાયદા માટે લોકોનો ઉપયોગ કરે છે અને તેમને એકલા છોડી દે છે. સચિન પાયલટ અને અન્યના ફોન સર્વેલન્સમાં રાખવામાં આવ્યા હતા. અટકાયતમાં રાખવામાં આવેલા ઘણા ધારાસભ્યોના ફોન પણ સર્વેલન્સમાં રાખવામાં આવ્યા હતા. ગજેન્દ્ર સિંહ શેખાવત અને સચિન પાયલટની છબી કેવી રીતે ખરાબ કરવી તે અંગે તત્કાલિન મુખ્યમંત્રીના નિવાસસ્થાને ચર્ચા પણ થઈ હતી.’
પેપર લીકના આરોપીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો: લોકેશ શર્મા
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન લોકેશ શર્માએ પેપર લીક મામલે બીજું કથિત ફોન રેકોર્ડિંગ પણ સંભળાવ્યું હતું. જેમાં કથિત રીતે અશોક ગેહલોત અને ભંવરલાલ શર્મા વચ્ચેની વાતચીત હતી. લોકેશ શર્માએ કહ્યું હતું કે, ‘પેપર લીક કેસમાં લેવાયેલી કાર્યવાહી અંગે અશોક ગેહલોત ખૂબ જ આશંકિત હતા. આરોપી ડી.પી. જરોલી સામેની કાર્યવાહીને કોઈક રીતે નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મારી પાસે જે પણ પુરાવા છે તે હું વર્તમાન સરકાર સાથે શેર કરવા તૈયાર છું. રાજ્યની જનતાએ અગાઉની સરકારના બેવડા ચારિત્ર્યથી વાકેફ હોવું જોઈએ. એક ચહેરો ખુલ્લામાં અને બીજો પડદા પાછળ. કોરોના મહામારી દરમિયાન સાધનોની ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હતો. ખાણકામ કૌભાંડ પણ થયું.
લોકેશ શર્માએ કહ્યું કે, ‘અગાઉની કોંગ્રેસ સરકાર (અશોક ગેહલોત શાસન) દરમિયાન ગ્રામીણ અને શહેરી રમત-ગમતમાં કૌભાંડ થયું હતું. મહિલાઓને મોબાઈલ ફોન વિતરણની સ્કીમમાં કૌભાંડ થયું હતું. અશોક ગેહલોત રાજસ્થાનમાં એટલા અડીખમ છે કે તેમને લાગે છે કે, તેમના સિવાય રાજ્યના મુખ્ય પ્રધાન કોઈ ન બની શકે. અશોક ગેહલોતે કોંગ્રેસ હાઈકમાન્ડને પણ દગો આપ્યો જેણે તેમને ટેકો આપ્યો. તેઓ જેસલમેરમાં તનોટ માતાના મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. તેમણે મને બોલાવ્યો અને મને ખાતરી કરવા કહ્યું કે, મીડિયામાં અહેવાલ બતાવવામાં આવે કે તેઓ ઈચ્છે છે કે, ‘શાંતિ ધારીવાલના નિવાસસ્થાને એકત્ર થયેલા ધારાસભ્યોમાંથી કોઈ મુખ્ય પ્રધાન બને, પરંતુ સચિન પાયલટ નહીં.’
આ પણ જુઓ: શું લોક કલ્યાણ માટે કોઈની મિલકત પર કબજો કરવો યોગ્ય? SCએ આપ્યો જવાબ