કમોસમી વરસાદથી સામાન્ય જનતાને ભાવ વધારાનો માર, મસાલા અને ઘંઉની કિંમત વધી !
રાજ્યમાં કમોસમી વરસાદે એક તરફ ખેડૂતોને રડાવ્યા છે. તો બીજી તરફ ઉનાળાની સિઝન શરૂ થતા જ મસાલા બજારમાં પણ લોકોને મોંઘવારીનો માર પડી રહ્યા છે. આ વખતે ઉનાળાના પ્રારંભે જ માવઠું પડતા ખેડૂતોને પાક નુકશાની ભોગવવી પડી છે. જેને લીધે ભાવમાં 20% જેટલો વધારો જોવા મળ્યો છે.
સૌરાષ્ટ્રના મસાલા બજારમાં વેપારીઓના મત અનુસાર, કમોસમી વરસાદને લીધે મરચાના ભાવ વધ્યા છે. જેમાં કાશ્મીરી મરચાનો એક મણનો રૂ.4000 ભાવ હતો જે વધીને રૂ.6000 થઇ ગયા છે. મરચીના રૂ.7000 અને ઘોલરના મણ દીઠ રૂ.7500 છે. રાજકોટ ઉપરાંત ગોંડલનું મરચું વખણાતું હોવાથી હવે અહીં મહારાષ્ટ્ર અને રાજસ્થાનના વેપારી પણ મરચું લેવા આવે છે.
આ ઉપરાંત કમોસમી વરસાદના પરિણામે ખેડૂતોને પાક નુકશાની છે પરંતુ ઉત્પાદિત માલનું પૂરેપૂરું વેચાણ થઇ રહ્યું છે. એટલું જ નહીં માવઠાને લીધે થોડા દિવસો ખરીદી ઘટી હતી પરંતુ હવે થોડો તડકો અને આજે બુધવાર હોવાથી ખરીદીમાં ભીડ છે. આ તરફ રોજિંદા ઉપયોગમાં લેવાતા લસણ કિલોએ રૂ.120, હળદર રૂ.130, ધાણાજીરું રૂ.140 થયા છે, જે તેનો ભાવ વધારો દર્શાવી રહ્યું છે.
આ પણ વાંચો : કમોસમી વરસાદ શું અમદાવાદમાં IPL ની મજા બગાડશે ? હવામાન વિભાગની શું છે આગાહી
બીજી તરફ ઘંઉ વેપારીઓનું એવું પણ માનવું છેકે, ઘઉંના ભાવમાં રૂ.80નો વધારો થયો છે. મણ દીઠ રૂ.500માં જે ઘઉં વેચતા તે રૂ.600માં વેચવા પડે છે. બુધવાર હોવાથી બારમાસના મસાલાની ખરીદીમાં ભીડ જોવા મળી છે. સાથે જ બારેમાસ માટેના ઘંઉ ભરવા માટેની પણ લોકોની ભીડ જોવા મળી છે.