ગંદા ટોઇલેટ માનવાધિકારોનું ઉલ્લંઘન, સુપ્રીમ કોર્ટે જનહિતની અરજીમાં કરી મહત્ત્વની ટિપ્પણી

નવી દિલ્હી: 21 ઓક્ટોબર, 2025: Supreme Court: દેશભરની અદાલતોમાં શૌચાલયોની ગંદકી અને જાળવણીની ખરાબ સ્થિતિ માત્ર એક વ્યવસ્થાપકીય સમસ્યા નથી, પરંતુ તે માનવાધિકારોનું ઉલ્લંઘન પણ છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલા એક સ્ટેટસ રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આ સમસ્યાઓ માત્ર નાની અદાલતો પૂરતી મર્યાદિત નથી, પરંતુ મોટા મહાનગરોની હાઈકોર્ટમાં પણ જોવા મળે છે.
પ્રશાસનિક નિષ્ફળતા અને ફંડનો દુરુપયોગ
રિપોર્ટ અનુસાર, અદાલત પરિસરોમાં સ્વચ્છતાની આ સ્થિતિ વહીવટી અને તંત્રની નિષ્ફળતા છે. આ સંકટના મુખ્ય કારણોમાં ફંડનો યોગ્ય ઉપયોગ ન થવો, સફાઈ કોન્ટ્રાક્ટનું પાલન ન થવું અને જવાબદેહીનો અભાવ ગણાવવામાં આવ્યા છે.
દિવ્યાંગો અને ટ્રાન્સજેન્ડરના અધિકારોનું ઉલ્લંઘન:
રિપોર્ટમાં એ પણ સ્પષ્ટ કરાયું છે કે મોટાભાગના અદાલત પરિસરોમાં દિવ્યાંગ વ્યક્તિઓ (PwD) માટે જરૂરી સુવિધાઓ નથી. વ્હીલચેર માટે પૂરતી જગ્યા, રેમ્પ અને સપોર્ટ બાર જેવી વ્યવસ્થાઓનો અભાવ સમાનતા અને બિન-ભેદભાવના અધિકારનું ઉલ્લંઘન છે. અદાલતોમાં ત્રીજા લિંગ (ટ્રાન્સજેન્ડર) માટે અલગ કે જેન્ડર-ન્યૂટ્રલ ટોઇલેટની સુવિધા નથી, જેનાથી તેમના અધિકારો અને ગરિમા પ્રભાવિત થાય છે.
મહિલા વકીલો માટે મોટી મુશ્કેલી:
મહિલા વકીલો અને સ્ટાફ માટે ક્રેચ (બાળ સંભાળ) સુવિધાઓની ઉણપ પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે તેનાથી મહિલાઓના વ્યાવસાયિક જીવન પર અસર પડે છે અને લૈંગિક સમાનતામાં અવરોધ આવે છે.
રિપોર્ટમાં ભલામણ કરાઈ છે કે નીચલી અદાલતોની ગંભીર સ્થિતિ સુધારવા માટે સ્થાનિક જરૂરિયાતો મુજબ બજેટ નક્કી કરવું, દૈનિક સફાઈ અને પ્લમ્બિંગ વ્યવસ્થાની દેખરેખ જરૂરી છે.
સુપ્રીમ કોર્ટે PIL પર માંગ્યો હતો રિપોર્ટ:
આ રિપોર્ટ વકીલ રજીબ કાલિતા દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી (PIL)ના જવાબમાં સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. અગાઉ, ૧૫ જાન્યુઆરીના રોજ, સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે, તમામ અદાલત પરિસરો અને ટ્રિબ્યુનલોમાં પુરુષો, મહિલાઓ, દિવ્યાંગો અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે અલગ શૌચાલય ઉપલબ્ધ કરાવવામાં આવે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે અદાલતોની આ સ્થિતિ ન્યાય પ્રણાલીના સંસ્થાકીય ગૌરવ પર પણ અસર કરી રહી છે.
આ પણ વાંચો :વડોદરામાં લગ્નના બે અઠવાડિયા પહેલા યુવકને હિટ એન્ડ રન, લોહીનું ભરાઈ ગયું ખાબોચિયું
આ પણ વાંચો :ડીજીટલ સોનું કે રિયલ ગોલ્ડ? કોણ આપશે વધુ ફાયદો?











