
અમદાવાદ 20 જૂન 2025: તાજેતરમાં પ્લેન ક્રેશ થવાની ઘટનામાં જીવ ગુમાવનારના DNA સેમ્પલ મેચ થતા, પાર્થિવદેહને પરિવારજનોને સોંપવાની કાર્યવાહી ચાલુ છે. હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ, મ્યુનિ. કોર્પો., વહીવટી તંત્ર, સહિતનો સ્ટાફ ખડેપગે ફરજ બજાવી રહ્યો છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર શ્રી જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, જેસીપી સેક્ટર 02 જયપાલ સિંહ રાઠોડ તથા ડીસીપી ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા બંદોબસ્તમાં રહેલ અમદાવાદ શહેર પોલીસને આ ઘટનામાં ભોગ બનનાર વ્યક્તિઓના સગા સંબંધીઓ સાથે સોહાર્દપૂર્ણ વ્યવહાર કરવા તથા મદદરૂપ થવા સૂચનાઓ કરવામાં આવેલ છે.
અમદાવાદ શહેર ખાતે મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશના બનાવ બન્યો ત્યાર પછી નરોડા વિસ્તારમાં મુરલીધર હાઇટ્સ, ડી માર્ટ ખાતે રહેતા મહેશભાઈ ગીરધરભાઇ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલા ઉવ. 34, કે જેઓ ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર હતા, તેઓ પોતાની એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યા બાદ શાહીબાગ સિવિલ હોસ્પિટલની આજુબાજુથી ગુમ થયેલા હોય, તેઓના ભાઈ કાર્તિકભાઈ ગીરધરભાઇ કાલાવાડિયા દ્વારા તેઓ ગુમ થવા બાબતની જાણવા જોગ અરજી અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ હતી. આ બાબતે નરોડા પોલીસ સ્ટેશનના PI પી.વી. ગોહિલ, શાહીબાગ PI જે.ડી.ઝાલા, હે.કો. કિરીટભાઇ તથા સ્ટાફ દ્વારા ટેકનિકલ સોર્સ આધારે ગુમ થનાર મહેશ કાલાવાડિયા ઉર્ફે મહેશ જીરાવાલા એર ક્રેશના બનાવની જગ્યાની નજીકમાં મોબાઈલ ફોન સ્વીચ ઓફ થયેલ હોવાની વિગતો મળેલ હતી. જેના આધારે ગુમ થનાર એર ક્રેશના બનાવમાં ભોગ બનેલા હોવાની પ્રથમ દૃષ્ટિએ શંકા જતા, તેના પરિવારજનોને જણાવતા, તેના પરિવારજનો આ વાત માનવા તૈયાર થયેલ ના હતા.
અમદાવાદ શહેરના સેક્ટર 02 શ્રી જયપાલસિંહ રાઠોડ, ડીસીપી શ્રી રવિ મોહન સૈની દ્વારા આ ગુમ થનાર મહેશભાઈ કાલાવાડિયાના પરિવારજનોને સમજાવી, DNA લેવા જરૂરી હોવાની સમજણ આપી, શંકા દૂર કરવા પણ DNA ટેસ્ટ જરૂરી હોવાનું જણાવતા, મહેશભાઈના ભાઈ કાર્તિક કાલાવાડિયાના DNA નમૂના લેવડાવવામાં આવેલ હતા. પરિવારજનોને મહેશભાઈના ગુમ થવા અને પ્લેન ક્રેશના બનાવને કોઈ સંબંધ નહીં હોવાની પૂરી ખાત્રી હતી. ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ દ્વારા DNA ટેસ્ટનો રિપોર્ટ આવતા, આશ્ચર્યજનક રીતે પોલીસ દ્વારા બનાવ સ્થળેથી કબજે કરવામાં આવેલ ડેડબોડી સાથે DNA નમૂના મેચ થતા, પ્લેન ક્રેશમાં જ મહેશભાઈ કાલાવાડિયાનું મૃત્યુ થયું હોવાની વિગતો બહાર આવી હતી.

ગુમ થયેલા મહેશભાઈ કાલાવાડિયાના પરિવારજનોને બોલાવવામાં આવેલ અને કૌશિકભાઇના DNA સેમ્પલ, પ્લેન કેશની જગ્યાએથી મળી આવેલ ડેડબોડી સાથે મેચ થયેલાંની વિગતો આપી હતી, મહેશભાઈ કાલાવાડિયાનું અવસાન પ્લેન ક્રેશ સમયે થયેલાની વાત જણાવતા, મહેશભાઈના પત્ની હેતલબેન તથા પરિવારજનો આ વાત કોઈપણ સંજોગોમાં માનવા તૈયાર નહોતા અને પોતાને પૂરી ખાત્રી થશે પછી જ ડેડબોડી સંભાળવા પોલીસને જણાવી દીધું હતું.
તપાસમાં રહેલ પોલીસ ટીમ દ્વારા જીણવટભરી તપાસ હાથ ધરી હતી, શાહીબાગ PI જે.ડી.ઝાલા તથા સ્ટાફના હે.કો. લાલજીભાઈ તથા સ્ટાફ દ્વારા ગુમ થનાર મહેશભાઈ એકટીવા મોટર સાયકલ લઈને ગયેલા હોય, સીસીટીવી કેમેરા આધારે તપાસ કરી, એકટીવા ઉપર મહેશભાઈ બનાવવાળી જગ્યાએથી આ જ સમયે પસાર થતા હોવાનું શોધી કાઢવામાં આવેલ હતું. તેમ છતાં, પરિવારજનોનું દિલ પોતાના સ્વજન મહેશભાઈ કાલાવાડિયાનું અવસાન થયેલ હોવાનું માનવા તૈયાર ના હોય, તેઓ દ્વારા એકટીવા મળે અને બધું વેરીફાઈ થાય પછી જ મૃતદેહ સંભાળવા જણાવી દીધું હતું.

વધુમાં, અમદાવાદ શહેર પોલીસ ટીમ દ્વારા બનાવવાળી જગ્યાએ વધુ તપાસ કરી, સળગી ગયેલા વાહનો બાબતે મેઘાણીનગર PSI ચાવડા તથા સ્ટાફ મારફતે તપાસ કરવામાં આવતા, બનાવવાળી જગ્યાએ એક એકટીવા સળગી ગયેલ હાલતમાં મળી આવેલ હતું, જેના એન્જિન અને ચેસીસ નંબર આધારે ચેક કરવામાં આવતા, આ વાહન જીવ ગુમાવનાર મહેશભાઈ જીરાવાલાનું હોવાનું સ્પષ્ટ થયેલ હતું. આ એકટીવા બાબતની હકીકત પરિવારજનોને જણાવતા, પરિવારજનો ભાંગી પડેલ હતા અને પોતાના દીકરાને પ્લેન ક્રેશ થયેલ તે બાબતે જવાની કોઈ શક્યતા નહીં હોવાથી, પોતે ડેડબોડી કોઈ અન્યની હોવાની અને પોતાનો દીકરો જીવીત હોવાની શક્યતા હોવાથી ઊંડાણપૂર્વક તપાસ કરાવેલ હોવાનું જણાવી, રડી પડ્યા હતા. બંદોબસ્તમાં રહેલ એસીપી કૃણાલ દેસાઈ, એસીપી રીના રાઠવા, શાહીબાગ પીઆઈ જે.ડી.ઝાલા, નરોડા PI પી.વી.ગોહિલ, સહિતના સ્ટાફ દ્વારા પરિવારજનોને સાંત્વના આપી, સમજાવી, ઇશ્વર ઈચ્છા બળવાન હોવાનું અને નસીબની વાત હોવાનું જણાવી, શાંત કરી, ગુમ થયેલ મહેશભાઈ કાલાવાડિયા ઉર્ફે મહેશભાઈ જીરાવાલાના પાર્થિવ દેહનો કબજો સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી. ગુમ થયેલા મહેશભાઈ કાલાવાડિયાના પરિવારજનો દ્વારા કપરી પરિસ્થિતિમાં પોતાની તમામ રજૂઆત અને શંકા બાબતે જીણવટભરી તપાસ કરી, દૂધનું દૂધ સાબિત કરનાર અમદાવાદ શહેર પોલીસની સંવેદનશીલ કામગીરીના ભરપૂર વખાણ કરી, ભાવ વિભોર થયેલ અને અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ભાવાત્મક દ્રશ્યો સર્જાયા હતા.
આ પણ વાંચો: AAPની ફરિયાદ બાદ વિસાવદર વિધાનસભાના કેટલા બુથ પર ફરી મતદાન થશે?












