શું પાકિસ્તાને ભારતને આવી ધમકી આપી? જાણો શું છે મામલો
રાવલપિંડી, 14 જુલાઈ, 2024: ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય મોરચે તો તનાતની છે જ, પરંતુ હવે ક્રિકેટના મોરચે પણ થોડો સમય તંગદિલી થાય એવા સંજોગો જણાઈ રહ્યા છે. આતંકવાદને પ્રોત્સાહન આપનાર દેશ તરીકે આખી દુનિયામાં કુખ્યાત થયેલા પાકિસ્તાનમાં દુનિયાની કોઈ ટીમ ક્રિકેટ રમવા જવાનું પસંદ કરતી નથી. છેલ્લા થોડાં વર્ષમાં જે ટીમ રમવા ગઈ હોય તેના ઉપર આતંકી હુમલા થયા હોવાના પણ દાખલા છે. આ કારણે કંગાળ પાકિસ્તાનીઓએ અન્ય દેશોમાં ક્રિકેટ રમવી પડે છે.
આવી સ્થિતિમાં આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે. આ ટુર્નામેન્ટની યજમાની પાકિસ્તાન કરવાનું છે. આ સંજોગોમાં ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ICC પાસે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સ્થળ બદલવાની માંગ કરી છે. બોર્ડે ટુર્નામેન્ટનું આયોજન હાઇબ્રિડ મોડલમાં કરવા પણ ICCને વિનંતી કરી છે. જો ભારતની વિનંતી સ્વીકારવામાં આવે તો એ સ્થિતિમાં ભારતીય ટીમ પોતાની મેચ પાકિસ્તાનને બદલે અન્ય દેશમાં રમશે. પરંતુ પાકિસ્તાનીઓને આ વાત પસંદ આવી નથી. આતંકવાદ અને તેની સાથે સાથે આર્થિક રીતે બેહાલ થઈ ગયેલા પાકિસ્તાનીએ હવે ભારતીય ટીમને ધમકી આપી છે.
પાકિસ્તાની મીડિયા જિયો ન્યૂઝના અહેવાલ અનુસાર, જો ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો પાકિસ્તાની ક્રિકેટ ટીમ ભારત દ્વારા આયોજિત થનારા T20 વર્લ્ડ કપ 2026નો બહિષ્કાર કરશે. અલબત્ત, પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે વાસ્તવમાં આવી કોઈ ધમકી ઉચ્ચારી છે કે કેમ એ સત્તાવાર જાણવા મળ્યું નથી, પરંતુ પાકિસ્તાની મીડિયાએ એવા અહેવાલો વહેતા કર્યા છે કે જો ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો પાકિસ્તાન 2026માં ભારતનો પ્રવાસ નહીં કરે.
પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આઈસીસીની આગામી વાર્ષિક કોન્ફરન્સમાં આ મુદ્દો ઉપસ્થિત કરશે. ICCની વાર્ષિક કોન્ફરન્સ 19-22 જુલાઈ વચ્ચે કોલંબોમાં યોજાશે. આ સમય દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે હાઇબ્રિડ મોડલની કોઈપણ યોજનાનો વિરોધ કરશે તેવું માનવામાં આવે છે.
ભારતીય ટીમે છેલ્લે એશિયા કપ માટે 2008માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. આ પછી બંને દેશો વચ્ચેના રાજકીય તણાવને કારણે ભારતીય ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. બંને ટીમો હવે માત્ર ICC ઈવેન્ટ્સમાં જ ટકરાશે. એશિયા કપ 2023 દરમિયાન ભારતીય ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો ન હતો. જોકે, પાકિસ્તાનની ટીમ ODI વર્લ્ડ કપ 2023 માટે ભારત આવી હતી.
આ પણ વાંચોઃ બંગાળમાં 50 લાખ હિન્દુઓને મત આપવા દેવામાં આવ્યા નહોતાઃ ભાજપ નેતાનો આક્ષેપ