સુરત પાલિકા દ્વારા અડચણરૂપ મિલકતોનું ડિમોલીશન કરાયું, 2000 ચો.મીટર જેટલી જગ્યા પર મેળવ્યો કબજો
સુરત મહાનગરપાલિકાના કમિશ્નર શાલીની અગ્રવાલની સૂચનાથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં અડચણરૂપ મિલકતોની વિગતો મંગાવામાં આવી હતી. જે અંતર્ગત આજે શહેરના રસ્તાઓ પર અડચણરૂપ મિલકતોનું ડિમોલીશન કરીને રસ્તાને ખુલ્લા કરવા માટે ઝોનલ ચીફ તેમજ ઝોનલ ઓફિસરોને સુચના આપવામાં આવેલ હતી. જેથી આજે સુરત પાલિકા દ્વારા 23 મિલકતોનું ડિમોલીશન કરાયું હતું અને 2000 ચો.મીટર જેટલી અવરોધરૂપ જગ્યાનો કબજો મેળવી લેવામાં આવ્યો છે.
2000 ચો.મીટર જેટલી જગ્યાનો કબજો મેળવી લેવાયો
મળતી માહીતી મુજબ આજ રોજ સુરતના ન્યુ ઇસ્ટઝોન (સરથાણા) દ્વારા ટી.પી. સ્કીમ નં.38 (નાના વરાછા) માં સીમાડા જંક્શન ખાતે આવેલ નટવરનગર સોસાયટી (બ્લોક નં. 70/પૈ) ની45.00 મીટર ટી.પી. રસ્તાની અસરમાં આવતી જગ્યાનો કબજો લેવામાં આવ્યો છે. જેમાં અંદાજે 23 જેટલી મિલકતોનું ડિમોલીશન કરી આશરે 100મીટર જેટલી લંબાઇમાં અંદાજે 2000 ચો.મીટર જેટલી જગ્યાનો કબજો મેળવી વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં અવરોધરૂપ બાંધકામ દૂર કરવામાં આવ્યા છે. ડીમોલીશનના સ્થળેથી અંદાજિત 100 ટન જેટલો સી. એન્ડ ડી વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો છે વધુમાં આ રસ્તાનો કબજો મળવાથી યુધ્ધના ધોરણે રસ્તાની તેમજ ડેવાઇડર બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે.
સરથાણા ઝોનની સીમાડા જંક્શન ઉપરનું દબાણ દૂર કરાયું
સુરત મહાનગરપાલિકાની એક મહત્વના એન્ટ્રી રસ્તા એવા સુરત કામરેજ રોડ ઉપર આવેલ નટવરનગર/સીમાડા જંક્શન સરથાણા ઝોન-બીનું સૌથી મહત્વનું જંકશન છે. આ જંક્શન મારફતે સવજી કોરાટ બ્રીજ થઇને મોટા વરાછા, ઉત્રાણ, ભરથાણા, ગોથાણ, અબ્રામા, કઠોર તેમજ વેલંજા જેવા નદી પારના વિસ્તારોમાં જવાય છે. આ જંક્શન ઉપરથી ફ્લાયઓવર પણ પસાર થાય છે તેમજ નીચેથી બી.આર.ટી.એસ. પણ પસાર થાય છે. આ જંકશનથી બી.આર.ટી.એસ. મારફતે સીમાડા કેનાલ થઇ શહેરમાં પ્રવેશ કરી શકાય છે. આ જંકશન ઉપર મેટ્રો રૂટ પણ પસાર થાય છે અને જંક્શન ઉપર મેટ્રો સ્ટેશન પણ સુચિત કરવામાં આવેલ છે. આ જંકશનની નજીકમાં જ સરથાણા નેચરપાર્ક આવેલ હોય પીક અવર્સમાં આ જંકશન ઉપર ખૂબ જ ભારે ટ્રાફિક રહેતો હોય છે, આમ સરથાણા ઝોનની મુખ્ય ધરી સમાન નટવરનગર/સીમાડા જંક્શન ઉપરનું નડતરરૂપ દબાણ આજરોજ દૂર કરવામાં આવેલ છે.
છેલ્લા એક મહિનાથી દબાણ દૂર કરવાનો પ્રયત્નો
સરથાણા ઝોનમાં આવેલ નટવરનગર/સીમાડા જંક્શન ઉપરનો નડતરરુપ રસ્તો ખોલવા માટે છેલ્લા 10 વર્ષોથી પ્રયત્નો કરવામાં આવતાં હતા પરંતુ લોકો આ કામને સફળ થવા દેતા ન હતા. જેથી આ કામગીરીને પાર પાડવા માટે છેલ્લા 1 મહિનાથી સરથાણા ઝોનના ડે. કમિશ્નર જે.એન. વાઘેલા તથા કાર્યપાલક ઇજનેર એસ.સી. વસાવાએ ઘણા પ્રયત્નો કરી હતા, ત્યારે આજે તેઓએ લોકસંપર્ક કરી વાટાઘાટો કરી આ જગ્યાનો કબજો મેળવવામાં સફળતા મેળવી છે. જેથી વર્ષો જુના પ્રશ્નનો આજે હલ થયો છે. આ કામગીરી માટે સંપૂર્ણપણે આગોતરી વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં 4 જેટલા જે.સી.બી./બ્રેકર મશિનો, 5 ટ્રક, શહેર વિકાસ/દબાણ/રોડ/લાઈટ/પાણી/સિક્યુરીટી વિભાગ તેમજ ડી.જી.વી.સી.એલ. અને ગુજરાત ગેસ કંપનીની ઇમરજન્સી ટીમની મદદ લેવામાં આવેલ હતી. આ કામગીરી દરમ્યાન ત્યાંથી પસાર થતાં રાહદારીઓ પણ આ કામગીરીની પ્રશંસા કરી હતી.
આ પણ વાંચો : જી-20ની થીમ સાથે યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, 8 જાન્યુઆરી આચાર્ય દેવવ્રત કરશે ઉદ્ઘાટન