અમદાવાદએજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
અમદાવાદમાં ટ્યુશન ચલાવતા શિક્ષકો સામે કડક કાર્યવાહીની માંગ, એજ્યુકેશન ગ્રૂપે DEOને સોંપ્યું 50 શિક્ષકોનું લિસ્ટ

અમદાવાદ, 12 જુલાઈ 2025: અમદાવાદ એજ્યુકેશન ગ્રૂપે શાળામાં નોકરી કરતાં અને ખાનગી ટ્યુશન ચલાવતાં શિક્ષકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ગ્રૂપે આજે જિલ્લા શિક્ષણાધિકારી (DEO)ને 50 શિક્ષકોનું લિસ્ટ સોંપ્યું, જેમાં શાળાઓ, શિક્ષકો અને તેમના ટ્યુશન ક્લાસના નામનો સમાવેશ થાય છે. નિયમો અનુસાર, શાળાના કોઈપણ શિક્ષક ખાનગી ટ્યુશન ચલાવી શકે નહીં, છતાં અનેક શિક્ષકો પગાર સાથે ટ્યુશન ચલાવી રહ્યા હોવાની ફરિયાદ ગ્રૂપે કરી છે.
અગાઉ 3 જુલાઈએ પણ એજ્યુકેશન ગ્રૂપે 50 શિક્ષકોનું લિસ્ટ DEOને આપ્યું હતું, પરંતુ તેના પર કોઈ કાર્યવાહી ન થતાં આજે બીજા 50 શિક્ષકોનું લિસ્ટ સોંપવામાં આવ્યું. અમદાવાદ એજ્યુકેશન ગ્રૂપના મીડિયા કો-ઓર્ડિનેટર હેમાંગ રાવલે નિવેદન આપતાં જણાવ્યું, “અનેક શાળાઓના શિક્ષકો નિયમોનું ઉલ્લંઘન કરી ટ્યુશન ચલાવી રહ્યા છે. અમે અગાઉ લિસ્ટ આપ્યું હોવા છતાં DEOએ કોઈ પગલાં લીધાં નથી. જો ટ્યુશન ચલાવતા શિક્ષકો સામે કાર્યવાહી નહીં થાય અને કોઈ ઘટના બનશે, તો તેની જવાબદારી DEOની રહેશે.”
હેમાંગ રાવલે વધુમાં ચેતવણી આપી કે, “જો શિક્ષકો સામે તાત્કાલિક કાર્યવાહી નહીં થાય, તો અમે જનતા રેડ પાડીશું.” આ ઘટનાએ શિક્ષણ ક્ષેત્રે નિયમોના પાલન અને શિક્ષકોની જવાબદારી અંગે ફરી એકવાર ચર્ચા જગાવી છે. DEO કચેરીએ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી, પરંતુ આગામી દિવસોમાં તપાસ અને કાર્યવાહીની અપેક્ષા રાખવામાં આવે છે.












