ઉત્તર ગુજરાતગુજરાત

ધારાસભ્યોનું ડેલીગેશન ઓસ્ટ્રેલિયાના પ્રવાશે : ડીસાના ધારાસભ્ય ઓસ્ટ્રેલિયામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

  • સાત રાજ્યોના ડેલીગેશનમાં ધારાસભ્ય પ્રવીણ માળીનો સમાવેશ

પાલનપુર : ભારત અને ઓસ્ટ્રેલિયાના નેતાઓ વચ્ચેના વિનિમય કાર્યક્રમ અંતર્ગત ઓસ્ટ્રેલિયાની મુલાકાતે જઈ રહેલા ભારતના સાત રાજ્યોના ધારાસભ્યના ડેલીગેશનમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી પણ ભાગ લેશે અને ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વિવિધ સરકારી અને સંસ્થાકીય કાર્યક્રમમાં ભાગ લઇ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

ભારતના સાત રાજ્યોના ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું

રાજધર્મ ફાઉન્ડેશનના સહયોગથી SAP ગ્લોબલ દ્વારા તારીખ 27 મે 2023 થી 29 મે 2023 દરમિયાન ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે ત્રણ દિવસીય લેજિસ્લેટર એજ્યુકેશન કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારતના સાત રાજ્યોના ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાંથી ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમનું આયોજન ભારતીય ધારાશાસ્ત્રીઓને કાયદા ઘડતર, સુશાસન અને જાહેર નીતિ અંગે અનુભવ પ્રદાન કરવા માટે કરાયું છે.

કાયદાકીય પ્રક્રિયા વિશે સમીક્ષા કરાશે

આ પ્રવાસ દરમિયાન પ્રવીણ માળી દ્વારા ઓસ્ટ્રેલિયન ધારાસભ્યોની મુલાકાત કરશે અને શૈક્ષણિક સત્રોમાં ભાગ લેવાની સાથે જ કાયદાકીય પ્રક્રિયા વિશે સમીક્ષા પણ કરશે. તેમજ વિક્ટોરિયન સંસદ અને અન્ય સરકારી ઇમારતોની મુલાકાત પણ લેવામાં આવશે. તદુપરાંત ઓસ્ટ્રેલિયામાં કાયદાકીય પ્રક્રિયા વિશે જાણકારી મેળવશે અને કૃષિ ક્ષેત્રમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2 એપ્રિલ 2022ના રોજ હસ્તાક્ષર કરાયેલ અને 29 ડિસેમ્બર, 2022ના રોજથી અમલી બનેલ’મુક્ત વેપાર કરાર’ હેઠળ બંને દેશોના ખેડૂતો લાભ લઈ શકે તે માટે ચર્ચા વિચારણા કરશે.

ધારાસભ્યો ટ્રુગાનિનામાં એગ્રો ફૂડ યુનિટની મુલાકાત લેશે

ઓસ્ટ્રેલિયામાં અનાજની સફાઈમાં સામેલ પ્રક્રિયાઓ અને બંને દેશો વચ્ચેના તફાવતને સમજવા માટે ટ્રુગાનિનામાં એગ્રો ફૂડ યુનિટની મુલાકાતે જશે. ઓસ્ટ્રેલિયન બિઝનેસ એસોસિએશનો અને કન્સલ્ટન્સી ફર્મ્સના પ્રતિનિધિ સાથે મીટિંગમાં ભાગ લઇ વિક્ટોરિયા ગ્લોબલના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરવામાં આવશે.

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ અને સ્થાનિક ક્રિકેટ ક્લબની મુલાકાત લેશે

આ વિદેશ યાત્રા દરમિયાન પ્રવીણ માળી AIBC દ્વારા આયોજિત બેઠકમાં તેમના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરશે અને PPR ટેક્સ અને બિઝનેસ સલાહકારો સાથે મીટિંગમાં પણ ભારત તરફથી પ્રતિનિધિત્વ કરશે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં “આયુષ”ના વડા સાથે અને આયુર્વેદિક પ્રેક્ટિશનરો સાથે પણ ધારાસભ્યની મુલાકાતનું આયોજન કરવામા આવ્યું છે. તદુપરાંત,વિલિયમ પાર્ટનર્સ (લો ફર્મ) સાથે બેઠક કરશે. યાત્રા દરમિયાન ક્રિકેટના શોખીન પ્રવીણ માળી MCG (મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ) અને સ્થાનિક ક્રિકેટ ક્લબની મુલાકાત લેશે, તે દરમિયાન તેઓ ભારતના કોન્સ્યુલ જનરલ, મેલબોર્ન અને અન્ય રાજકીય નેતાઓ સાથે મુલાકાત બાદ રાત્રિ ભોજન કરી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરશે.

ઓસ્ટ્રેલિયન સરકાર અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરાશે

બંને દેશો વચ્ચેના સંબંધો સુમેળ ભર્યા બને અને વેપાર વાણિજ્ય ક્ષેત્રે સંબંધો સુદઢ બને તે માટેના કાર્યક્રમમાં પ્રવીણ માળી કાયદાકીય પ્રક્રિયા અને ઓસ્ટ્રેલિયન સરકાર અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરશે. ભારતના સાત રાજ્યોના ધારાસભ્યોમાં ગુજરાતમાંથી પ્રવીણ માળી પ્રતિનિધિત્વ કરાતા ડીસા અને બનાસકાંઠા જિલ્લા માટે ખૂબ જ ગૌરવની વાત છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં ધારાસભ્યએ જાતે ચલાવી બસ

Back to top button