બર્થડે, ગાળો અને હત્યા… દેહરાદૂનની એન્જલ હત્યાકાંડમાં નવો ખુલાસો

નવી દિલ્હીઃ 30 ડિસેમ્બર, 2025: દેહરાદૂનમાં થયેલા ચકચારી એન્જલ ચકમા હત્યાકાંડની તપાસમાં પોલીસ સામે અનેક ચોંકાવનારી વિગતો આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, જે દિવસે આ ઘટના બની તે દિવસે મુખ્ય આરોપી સૂરજ ખવાસ તેના પુત્રનો પ્રથમ જન્મદિવસ મનાવી રહ્યો હતો. આ પાર્ટી દેહરાદૂનમાં અવનિશ નેગીના ટી-સ્ટોલ પર રાખવામાં આવી હતી.
પરિવારના સભ્યના બર્થડે પર જ ખેલાયો ખૂની ખેલ
તપાસમાં સામે આવ્યું છે કે, પાર્ટી પૂરી થયા બાદ આરોપી અને તેના સાથીદારો દારૂ લેવા પહોંચ્યા હતા, જ્યાં કોઈ બાબતે પરસ્પર ગાળાગાળી શરૂ થઈ હતી. આ દરમિયાન એન્જલના નાના ભાઈ માઈકલે વિવાદનો વિરોધ કર્યો, જેનાથી ઝઘડો વધુ ઉગ્ર બન્યો હતો. ઉશ્કેરાટમાં આવીને નેપાળી મૂળના અવસ્થી નામના શખસે લારી પરથી ચાકુ ઉઠાવી એન્જલની પીઠ પર ઘા કરી દીધો હતો. આ હુમલાને કારણે એન્જલના શરીરનો જમણો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો હતો અને અંતે તેનું મોત નીપજ્યું હતું.
આરોપીઓમાં સૈનિકનો પુત્ર અને સગીરો સામેલ
પોલીસે આ કેસમાં બે સગીર આરોપીઓની પણ અટકાયત કરી છે, જેમને જ્યુવેનાઈલ શેલ્ટર હોમમાં મોકલી દેવામાં આવ્યા છે. આ કેસમાં અન્ય એક આરોપી અવનિશ નેગી કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકનો પુત્ર હોવાનું બહાર આવ્યું છે, જેને કારણે આ મામલો વધુ સંવેદનશીલ બન્યો છે.
1 લાખના પેકેજ પર નોકરી મળી હતી, પણ…
પરિવારજનોના જણાવ્યા અનુસાર, એન્જલ ચકમા ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થી હતો. હાલમાં જ તેને એક ખાનગી કંપનીમાં રૂ. 1 લાખના માસિક પેકેજ પર નોકરી મળી હતી. તેનો નાનો ભાઈ માઈકલ અત્યારે બી.કોમ.નો અભ્યાસ કરી રહ્યો છે. એક હોનહાર યુવકની હત્યાથી પરિવારમાં માતમ છવાયો છે.
પોલીસનું નિવેદન
દેહરાદૂનના SSP અજય સિંહે સ્પષ્ટતા કરી છે કે, અત્યાર સુધીની તપાસમાં આ ઘટનામાં કોઈ વંશીય ભેદભાવ કે ‘હેટ ક્રાઈમ’ (Hate Crime) હોવાના પુરાવા મળ્યા નથી. આ ઝઘડો તાત્કાલિક ઉશ્કેરાટમાં થયો હતો. પોલીસે ખાતરી આપી છે કે તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ ચાલુ છે અને કોઈ પણ દોષિતને છોડવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે, આ ઘટના 9 ડિસેમ્બર 2025ના રોજ બની હતી. એન્જલ ચકમા તેના ભાઈ સાથે સેલાકુઈ વિસ્તારમાં શોપિંગ કરવા ગયો હતો, જ્યાં સામાન્ય બોલાચાલી બાદ થયેલા હુમલામાં તેની હત્યા કરી દેવામાં આવી હતી.
આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં 10 દિવસમાં ત્રીજા હિન્દુ યુવકની હત્યા, હવે બજેન્દ્ર બિશ્વાસને ગોળી મરાઈ











