દાંતીવાડા – સીપુ ડેમ ઇન્ટરલિંગ પ્રોજેક્ટ બનાસકાંઠાની કાયાપલટ કરશે : ધારાસભ્ય માવજી દેસાઈ
- ધાનેરા – દાંતીવાડા તાલુકાના તળાવ ભરવા અને વહી જતા વરસાદી પાણી અટકાવવા માટેનો મેગા પ્રોજેક્ટ
- ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ એ ડીસા ખાતે સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી
બનાસકાંઠા 13 જૂન 2024 : બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા અને સીપુ ડેમ ને ઇન્ટરલિંક કરવાનો મેગા પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે. આ પ્રોજેક્ટની ધાનેરા ના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ એ ડીસા ખાતે સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જરૂરી સૂચનો કર્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ખાતે બનાસ નદી અને સીપુ નદી ઉપર ડેમ બાંધી જળાશય યોજનાઓ ચાલી રહી છે. જેમાંથી દાંતીવાડા ડેમ અનેક વખત ભરાતો હોવાથી બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ગામડાઓમાં પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જો કે સીપુ નદી રાજસ્થાનના સુકા ભાગમાંથી આવતી હોવાથી મોટેભાગે સીપુ ડેમ ખાલી રહેતો હોય છે. જેથી દાંતીવાડા ડેમ અને સીપુ ડેમને ઇન્ટરલિંક કરી દાંતીવાડા ડેમનું પાણી સીપુમાં નાખી ધાનેરા અને દાંતીવાડા તાલુકા ના ગામોના તળાવો ભરવા તેમજ વહી જતા વરસાદી પાણીને અટકાવવા માટે મેગા પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે. જે પ્રોજેક્ટ અંગેની બેઠક ડીસા સર્કિટ હાઉસ ખાતે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ના અધ્યક્ષ સ્થાને અને બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરી, બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પરથીભાઇ ચૌધરી સહિત ભાજપ સંગઠનના પદાધિકારીઓ તેમજ સિંચાઇ વિભાગના અધિકારીઓ ની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ એ આ પ્રોજેક્ટને બનાસકાંઠા જિલ્લાના નાગરિકોની સુખાકારી માટે અતિ મહત્વનો પ્રોજેક્ટ હોવાથી તે ઝડપથી પૂરો થાય અને તે અંગેની સમીક્ષાઓ કરી અધિકારીઓને જરૂરી સૂચનો પણ કર્યા હતા.
આ પણ વાંચો : બનાસકાંઠા : વૈષ્ણોદેવી શ્રદ્ધાળુઓના હુમલાના વિરોધમાં ડીસામાં આંતરરાષ્ટ્રીય વિહીપ દ્વારા આવેદનપત્ર